અનાજમાં માંગ અને પુરવઠામાં ગાબડુ હોવાની ભીતિથી તેજીના એંધાણ

 ટેકાના ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળે તેવી સીસ્ટમની જરૂરિયાત

કેન્દ્ર સરકારે ખાદ્ય ચીજોના ભાવોને કંટ્રોલ કરવા માટે ચાંપતી નજર રાખવા તેમજ આગામી સમયમાં તેલીબીયાં તેમજ દાળોનું ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ટેકાના ભાવોમાં ૫ થી ૧૨ ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. વિદેશથી સસ્તા તેલોની આયાતથી ભારતીય ખેડૂત વર્ગને તેલીબીયાંની ખેતીમાં અપેક્ષિત આવક નહિ મળવાની વ્યાપક રાવ છે. જોકે દેશમાં તેલોના વપરાશ સામે ઉત્પાદન ઓછું હોવાથી વિદેશથી તેલ તથા દાળોની આયાત કરવી પડી રહી છે. ગત સીઝનમાં દેશમાં ખાદ્ય તેલોની આયાત ઉછળીને ૧૬૫ લાખ ટન ઉપરાંત થતાં રેકોર્ડ સ્તરે છે. ભૂતકાળમાં ખેડૂતોને ટેકાના ભાવો કરતાં પણ નીચી કિમતોએ પોતાનો પાક વેચાણ કરવો પડયો હોય તેવા અનેક દાખલાં છે. જોકે દેશમાં તેલીબીયાં તથા દાળોનું ઉત્પાદન વધે તે માટે સરકારે કરેલી વિશેષ કવાયતના ભાગરૂપે દાળો તથા તેલીબીયાના ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો છે. જેમાં મગફળીના ટેકાના ભાવોમાં ૬.૪ ટકાના વધારા સાથે પ્રતિ ક્વિન્ટલે ૬૭૮૩ રૂપિયા, સોયાબીનના ૪૮૯૨ રૂપિયા, સુરજમુખીના ટેકાના ભાવો ૭૨૮૦ રૂપિયા, તલના ૯૨૬૭ રૂપિયા જાહેર કર્યો છે. સાથે સાથે વર્ષ ૨૦૨૪-૨૫ ખરીફ સીઝન માટે તુવેરના ટેકાના ભાવોમાં ૭.૯ ટકાના વધારા સાથે ૭૫૫૦ રૂપિયા, અડદમાં ૭૪૦૦ રૂપિયા, મગમાં ૮૬૮૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવો જાહેર કર્યા  છે. દાળો તથા ખાદ્યતેલોની સતત વધતી મોંઘવારી સરકાર માટે માથાના દુઃખાવા રૂપ બની ગઈ છે. જેને કંટ્રોલ કરવા માટે તમામ પ્રયત્નો ઉણા ઉતર્યા છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયા તથા કેનાડાથી વિપુલ માત્રામાં મસુર, મ્યાનમારથી અડદ તથા તુવેર, ઓફ્રિકાથી તુવેર તથા રશિયાથી ચીલી મટરની આયાત કરવી પુરવઠો જાળવવા કવાયત થઈ રહી છે. હાલમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ થઈ ગયેલ છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીઓને કારણે ટેકાના ભાવો જાહેર કરવામાં વિલંબ થયો છે.

અનાજના પુરવઠામાં પણ સરકાર સબ સલામત હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવિકતા જુદી હોવાનો ભાસ છે. ખાસ કરીને ઘઉંની આયાત કરવા માટે મોટા વર્તુળો તરફથી ખૂબ દબાણ સરકાર ઉપર થઈ રહ્યું છે. અનાજમાં માંગ અને પુરવઠાનું બેલેન્સ ખોરવાઈ જાય તેવી આશંકા તેજ છે. જેના કારણે અનાજની બજારો પણ સતત તેજી તરફી આગળ વધી રહી છે. જેના કારણે સરકાર ઘઉની નિકાસ ઉપરનો પ્રતિબંધ યથાવત રાખશે તે લગભગ નક્કી છે. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદી પણ અપેક્ષિત નહીં હોવાનું ચર્ચામાં છે. કૃષિ મંત્રાલયના અહેવાલો પ્રમાણે ઘઉંનું ઉત્પાદન ઉછળીને ૧૧૨૯ લાખ ટન જેટલું ઉંચા સ્તરે હોવાનો દાવો છે પરંતુ વેપારી ઉદ્યોગોના અહેવાલો પ્રમાણે વાસ્તવિક ઉત્પાદન ઘઉંનું ૧૦૫૦ લાખ ટનથી વધુ નહીં હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેના લીધે ચોમાસામાં આગામી તહેવારોમાં ઘઉંની માંગમાં ડિસેમ્બર સુધી મોટો ઉછાળો થવાની શક્યતાઓ પ્રવર્તી રહી છે. જેના લીધે ઘઉં પણ મોટી તેજી થવાની શક્યતાઓ વેપારી વર્ગમાં ચર્ચાસ્પદ બની છે. ગયા અઠવાડિયે ઘઉંની હાલની સમીક્ષા કરીને કાળાબજારીયા સટ્ટાકીય તત્ત્વો દ્વારા સંગ્રહાખોરી થાય નહિ અને ભાવો સ્થિર રહે તે માટે સરકારે ચાંપતી નજર રાખવાની સૂચના જાહેર કરી છે. સરકારી મફતીયું અનાજ બજાર તેમજ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. આ સંદર્ભે વોટબેંક આધારિત સમગ્ર સીસ્ટમમાં ઉડો અભ્યાસ કરી ફેરફારો કરવામાં આવે તેવી વ્યાપક ચર્ચાસ્પદ બન્યું છે.

આજકાલ દેશના મોટભાગના વિસ્તારોમાં ગરમીના પ્રકોપને કારણે શાકભાજી તથા ફળોના ભાવો પણ દોઢા થતાં ગૃહીણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. અતિ આવશ્યક એવા બટાકા, ડુંગળી, ટામેટા, દુધી જેવી શાકભાજી મોંઘા થઈ જતાં પ્રજાની પરેશાનીનો પાર રહ્યો નથી. જોકે ઘઉંમાં ઉછળતી તેજીને નાથવા તાજેતરમાં સરકારે સ્ટોકિસ્ટો, રિટેલર્સ જેવાઓ ઉપર સ્ટોક લિમીટ લાદી છે. સરકારે ટેકાના ભાવો જાહેર કરી સંતોષ માનવાને બદલે કુષિ પાકો બજારો ટેકાના ભાવેથી નીચે જાય ત્યારે સમયસર સરકારી ખરીદી ટેકાના ભાવેથી શરૂ થાય ત્યારે ખેડૂતોને ટેકાના ભાવો ઉપયોગી નીવડે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *