NEET-UG ની પરીક્ષાનું પેપર લીક થયા પછી NEETના રિઝલ્ટમાં ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારોએ આજે એટલે કે 23 જૂનના રોજ ફરી પરીક્ષા લેવામાં આવી હતી. કેટલાક સેન્ટરો એવા પણ રહ્યા છે કે, જ્યા ઉમેદવારોની સંખ્યા બિલકુલ ઓછી રહી હતી. ચંદીગઢના એક સેન્ટરમાં બે ઉમેદવારો પરીક્ષાના હતા, પરંતુ બંને આ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા ગ્રેસ માર્ક્સ મેળવનાર ઉમેદવારો માટે લેવામાં આવી હતી.
બપોરે 2 વાગે હતી પરીક્ષાનો ટાઈમ
NEET-UGની ફરી પરીક્ષા બપોરે 2 થી 5.20 વાગ્યા દરમિયાન રાખવામાં આવી હતી. પરંતુ જ્યારે સેન્ટર પર પરીક્ષા શરૂ થઈ ત્યારે એક રસપ્રદ બાબત સામે આવી હતી, કે કેટલાક સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા જ નહોતા. પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો સમય પછી ગેટ બંધ થવાનો સમય પણ વીતી ગયો, પરંતુ ઘણા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા ન હતા.
છત્તીસગઢના બાલોદમાં પરીક્ષા કેન્દ્ર પર 70 ગેરહાજર
છત્તીસગઢના બાલોદમાં બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં 185 ઉમેદવારો પુનઃ પરીક્ષા આપવા આવવાના હતા, પરંતુ અહીં 70 ઉમેદવારો ગેરહાજર રહ્યા હોવાનું માહિતી સામે આવી છે. આ ઉપરાંત ચંડીગઢથી જાણવા મળ્યું છે કે, અહીં માત્ર બે ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, પરંતુ નવાઈની વાત તો છે કે, આ બંને ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવ્યા નહોતા.
સરકારે ભર્યું મોટું પગલું
આ અંગે કેન્દ્ર સરકારે NEET અને UGC-NET પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભવિષ્યમાં ફરી પેપર લીકની ઘટનાઓ ન બને તે માટે મોટુ પગલું ભરવામાં આવ્યું છે. સરકારે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમો નિવારણ) અધિનિયમ 2024 ને સૂચિત કર્યો છે. જેનો હેતુ દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવાનો છે.
5મી મેના રોજ દેશભરમાં NEETની પરીક્ષા લેવાઈ
NEET-UG પરીક્ષા 5 મેના રોજ દેશભરના 4,750 કેન્દ્રો આયોજીત કરવામાં આવી હતી, અને લગભગ 24 લાખ ઉમેદવારોએ તેમાં ભાગ લીધો હતો. આ પરીક્ષાનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. અને પરિણામ 10 દિવસ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામો પછી પેપર લીક અને અનિયમિતતાના આરોપો લગાવવામાં આવ્યા હતા. કારણ કે 67 થી વધુ વિદ્યાર્થીઓએ મહત્તમ ગુણ મેળવ્યા હતા, જેમાંથી કેટલાક ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્રના હતા.
આ અંગે પોલીસ તપાસ કરવામાં આવી હતી. જેમા પોલીસને પ્રાથમિક તપાસમાં બિહારમાં ગેરરીતિ અને પેપર લીકનો મામલો સામે આવ્યો હતો. આ સાથે કેટલાક ઉમેદવારોએ પરીક્ષાના એક દિવસ પહેલા પેપર મળી ગયા હોવાનો દાવો કરીને જાહેરમાં સામે આવ્યા છે. આ આરોપોને કારણે અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. અને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે અરજીઓ દાખલ કરવામાં આવી.