શેતૂરના ઝાડ પરથી સમડીએ પૂછયું. ‘શું થયું કોયલ?’ કોયલ કહે – ‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું ચાંદીનું ઝાંઝરીયું મારું, રમતા રમતા ખોવાણું ચાંદીનું ઝાંઝરીયું મારું.’રમતાં રમતાં કોયલનું ઝાંઝર ખોવાયું. ઘણુંય ગોત્યું. પણ ઝાંઝર ન મળ્યું. હવે તો મમ્મી વઢશે. કોયલ તો ખૂબ રડી. લીમડાના ઝાડ પર બેઠેલી ચકલીએ પૂછયું. ‘શું થયું કોયલ?’ નિકેતા વ્યાસ કુંચાલા
રમતાં રમતાં કોયલનું ઝાંઝર ખોવાયું. ઘણુંય ગોત્યું. પણ ઝાંઝર ન મળ્યું. હવે તો મમ્મી વઢશે. કોયલ તો ખૂબ રડી.
લીમડાના ઝાડ પર બેઠેલી ચકલીએ પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતા રમતા ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
ચકલી કહે – ‘ચાલને, આપણે શોધીએ.’
કોયલ તો રાજી રાજી. લીમડાના ઝાડની ડાળીએ ડાળી જોઈ. પણ ઝાંઝર તો ના મળ્યું.
ખાખરાના ઝાડ પરથી ખિસકોલીએ પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતાં રમતાં ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
ખિસકોલી કહે – ‘ચાલને આપણે શોધીએ.’
કોયલ તો રાજી રાજી. ખાખરાના ઝાડની ડાળીએ ડાળી જોઈ. પણ ઝાંઝર તો ના મળ્યું.
વડના ઝાડ પરથી મોરે પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતા રમતા ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
મોર કહે – ‘ચાલને આપણે શોધીએ.’
કોયલ તો રાજી રાજી. વડના ઝાડની ડાળીએ ડાળી જોઈ, પણ ઝાંઝર તો ના મળ્યું.
વાંસના ઝાડ પરથી બુલબુલે પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતાં રમતાં ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
બુલબુલ કહે – ‘ચાલને આપણે શોધીએ.’
કોયલ તો રાજી રાજી. વાંસના વનની ડાળીએ ડાળી જોઈ. પણ ઝાંઝર તો ના મળ્યું.
બાવળના ઝાડ પરથી કાગડાએ પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતાં રમતાં ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
કાગડો કહે – ‘ચાલને આપણે શોધીએ.’
કોયલ તો રાજી રાજી. બાવળના ઝાડની ડાળીએ ડાળી જોઈ. પણ ઝાંઝર તો ના મળ્યું.
બોરડીના ઝાડ પરથી પોપટે પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતાં રમતાં ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
પોપટ કહે – ‘ચાલને આપણે શોધીએ.’
કોયલ તો રાજી રાજી. બોરડીના ઝાડની ડાળીએ ડાળી જોઈ. પણ ઝાંઝર તો ના મળ્યું.
આસોપાલવના ઝાડ પરથી કાબરે પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતાં રમતાં ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
કાબર કહે – ‘ચાલને આપણે શોધીએ.’
કોયલ તો રાજી રાજી. આસોપાલવના ઝાડની ડાળીએ ડાળી જોઈ. પણ ઝાંઝર તો ના મળ્યું.
સરગવાના ઝાડ પરથી કબૂતરે પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતાં રમતાં ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
કબુતર કહે – ‘ચાલને આપણે શોધીએ.’
કોયલ તો રાજી રાજી. સરગવાના ઝાડની ડાળીએ ડાળી જોઈ. પણ ઝાંઝર તો ના મળ્યું.
પીપળાના ઝાડ પરથી વાંદરાએ પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતા રમતા ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
વાંદરો કહે – ‘ચાલને આપણે શોધીએ.દ
કોયલ તો રાજી રાજી. પીપળાના ઝાડની ડાળીએ ડાળી જોઈ. પણ ઝાંઝર તો ના મળ્યું.
શેતૂરના ઝાડ પરથી સમડીએ પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતા રમતા ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
સમડી કહે – ‘ચાલને આપણે શોધીએ.’
કોયલ તો રાજી રાજી. શેતૂરના ઝાડની ડાળીએ ડાળી જોઈ. પણ ઝાંઝર તો ના મળ્યું.
બાજુના ઝાડ પરથી મધમાખીએ પૂછયું. ‘શું થયું કોયલ?’
કોયલ કહે –
‘રૂમઝૂમ ઝાંઝરીયું મારું
ચાંદીનું ઝાંઝરીયું મારું,
રમતા રમતા ખોવાણું
ચાંદીનું ઝાંઝરીયું મારું.’
મધમાખી કહે – ‘ચાલને અમે પણ શોધીએ.’
કોયલ તો રાજી રાજી. મધમાખીઓ તો ઉડી. જંગલના બધા ઝાડની ડાળે ડાળ જોઈ. આંબાના ઝાડ પરથી કોયલનું ઝાંઝર મળ્યું.
કોયલબેન તો રાજી રાજી. બધાય રાજી રાજી.