મોસ્કો,20 જૂન,2024,ગુરુવાર
મૂળ રશિયન અભિનેત્રી યેવ્ગેનિયા પીટરસને જે યોગના માધ્યમથી ભારત સાથે જોડાઇ હતી એટલું જ નહી ભારતમાં યોગ શીખને રશિયા અને પશ્ચિમી દેશોને યોગના માધ્યમથી જોડવામાં ફાળો આપ્યો હતો. યેવ્ગેનિયા પીટરસને તેમના જમાનાની અનેક હોલીવુડ અભિનેત્રીઓ અને અભિનેતાઓને યોગ કરતા કર્યા હતા.
ટાગોર વિશે વાંચીને ભારત વિશે જાણવાની દિલચસ્પી વધી હતી
યેવ્ગેનિયાનો જન્મ ૧૮૯૯માં લાતવિયાના રીગા શહેરમાં થયો હતો.એ સમયે લાતવિયા રશિયાના સામ્રાજયનો ભાગ હતું. યેવ્ગેનિયા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે રવિન્દ્રનાથ ટાગોર વિશે વાંચીને ભારત વિશે જાણવાની દિલચસ્પી વધી હતી. તે ૧૮ વર્ષની વયે મસ્કવા(મોસ્કો)માં થિએટરનો સ્ટડી કરવા ઇચ્છતી હતી.જો કે ૧૯૧૭માં બોલ્શેવિક ક્રાંતિના પગલે માતા પિતા સાથે રશિયા છોડીને બર્લિન જવું પડયું હતું.યેવ્ગેનિયા પીટરસન જર્મનીમાં અભિનેત્રી અને નૃત્યાંગના તરીકે જાણીતી બની હતી.
ચીનમાં પણ ભારતના યોગના પ્રચાર પ્રસાર માટે ગયા હતા
ઇસ ૧૯૨૭માં ભારત આવીને ઇન્દ્રાદેવી નામ ધારણ કરીને નૃત્યના શો કર્યા હતા.ઇન્દ્રાદેવીએ ત્યાર પછી શેરે અરબ નામની ફિલ્મમાં પૃથ્વીરાજકપૂર સાથે અભિનય પણ કર્યો હતો.એ સમયે ભારતમાં મૈસુરના રાજ પરીવારના સાનિધ્યમાં એક યોગ પાઠશાળા ચાલતી હતી. તેમાં આધુનિક યોગના પિતા તરીકે વિખ્યાત તિરુમલઇ કૃષ્ણમાચાર્ય શિક્ષક હતા.
તેઓ વિખ્યાત યોગગુરુ કે એસ આયંગરના પણ ગુરુ હતા. ઇન્દ્રાદેવીએ મૈસુર રાજની ભલામણથી તિરુમલઇ પાસે એક વર્ષ સુધી યોગની તાલીમ લીધી હતી.ચેકોસ્લોવાકિયામાં રહેતા પતિ ચીન આવતા ઇન્દ્રાદેવી પણ ચીન ગયા હતા. ઇન્દ્રાદેવીએ ચીનમાં ચ્યાંગ કાઇશેક જેવા અનેક પ્રતિષ્ઠિત ધનિકોને યોગ શિખવ્યો હતો.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇન્દ્રાદેવી ચીનથી ભારત પાછા ફર્યા અને યોગ ફોર યુ નામનું પુસ્તક લખ્યું હતું.
હોલીવુડની ગ્રેટાગાર્બો અને ગ્લોરિયા જેવી અનેક અભિનેત્રીઓને યોગ શીખવ્યો
ઇન્દ્રાદેવી પતિના અવસાન પછી યોગ ટીચર તરીકે અમેરિકા આવ્યા હતા.એ સમયે હોલીવુડની ગ્રેટાગાર્બો અને ગ્લોરિયા જેવી અનેક અભિનેત્રીઓને યોગ શીખવ્યો હતો. હોલીવુડના અનેક કલાકારો તેમની પાસે યોગ શીખવા આવતા હતા.જેમાં વાયોલિન વાદક અને ઓરક્રેસ્ટા કન્ડકટર યહુદી મેનુહિન પણ તેમના શિષ્ય બન્યા હતા.
ઇસ ૧૯૬૦માં ઇન્દ્રાદેવી (યેવ્ગેનિયા પીટરસન) પોતાના મૂળ વતન રશિયા આવી સામ્યવાદી શાસકોને યોગા વિશે સમજ આપી હતી.જો કે રશિયાના સામ્યવાદી શાસકોને યોગમાં દિલચસ્પી ઓછી હતી. ઇસ ૧૯૮૨માં તેમણે રશિયા છોડીને શેષ જીવન આર્જન્ટિનામાં વિતાવ્યું હતું. ૨૦૦૨માં બ્યૂનસઆયર્સ ખાતે ૧૦૨ વર્ષની ઉંમરે દેહ છોડયો હતો.