યોગઃ કર્મસુ કૌશલમ્

તારીખ ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ૨૦૧૫થી ભારત દેશે દુનિયાને આપેલી અમૂલ્ય ભેટ છે. આજે દુનિયાના દરેક નાગરિકો હરિફાઈના આજના યુગમાં અપાર સુખ સુવિધાઓ વચ્ચે પણ માનસિક રીતે બિમાર થતા જાય છે. ચૈનથી જીવવા માચે બેચૈન થતા જાય છે. મનને આરામ નથી મળતો. દેશ અને દુનિયાના દરેક ખૂણે માણસ પોતાનાથી છૂટ્ટો પડી રહ્યો છે. એકલતા માણસને કોરી ખાઈ રહી છે.આમ તો ભગવાન કુષ્ણએ કોઈ પણ પ્રકારના કર્મની કુશળતાને યોગ કહ્યો છે. પણ કર્મની કુશળતા ઉપરાંત શરીર,મન, અને ભાવનાઓના સ્વાસ્થ્ય અને સુખાકારી પણ એટલી જ જરૂરી છે. કર્મની કુશળતા કરતાં મનની કુશળતા પ્રાપ્ત કરવી એ યોગને મુખ્ય હેતું હોવો જોઈએ. કર્મની કુશળતા માણસને રોજીરોટી અપાવે છે જ્યારે મનની કુશળતા માણસને જીવતાં શીખવાડે છે.

આસન, પ્રાણાયામ જેવી યોગની ક્રિયાઓ શરીરને તંદુરસ્ત રાખી શકે છે. પણ મન તંદુરસ્ત નહીં હોય તો શરીરની તંદુરસ્તી લાંબી ટક્તી નથી.મન માંદલું હોય તો તન લાંબો સમય સાથ નથી આપતું.તન – મનની જુગલબંધીને અકબંધ રાખવા મનને નાથવું પડે છે. યોગ એ મનનો ખોરાક છે. યોગના આશ્રયે જવાથી વિચાર, ક્રિયા ઉપર સંયમ જન્મે છે. યોગ માણસના વિચારોને નિયંત્રિત કરે છે. યોગ કરવાથી મનનું સ્વાસ્થય અને મનનું સુખ સાંપડે છે.૨૧મી જૂન માત્ર એક દિવસનો યોગ નથી. સતત ચાલતી પ્રક્રિયા છે. માણસની હયાતીનો ઉત્સવ મનાવવા, જેટલું જીવાય એટલું તંદુરસ્ત જીવવા, કુદરતનો અને ઇશ્વરનો અહેસાસ અને અનુભૂતિ કરવા તથા મુક્ત જીવન જીવવા ૨૧મી જૂનથી બીજો રૂડો દિવસ કયો હોઈ શકે.? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *