1962 જેવું સંકટ વિશ્વ પર તોળાઈ રહ્યું છે ? રશિયાના પરમાણુ શસ્ત્ર સજ્જ યુદ્ધ જહાજ એડમિરલ ગોર્શકૉવ, સાથી જહાજો અને એટમિક – સબમરીન યુએસથી થોડે દૂર વહાવ્યા.
રશિયન નૌકાદળના યુદ્ધ જહાજ એડમરલ ગોર્શકૉવ તેના બે સાથી જહાજો અને એક ન્યુકલિયર સબમરીન કાઝાને કયુબા જતી વખતે અમેરિકાના જળ વિસ્તારથી માત્ર પચ્ચીસ જ માઇલ દૂર હતું ત્યારે તેણે એટલાન્ટિક મહાસાગરમાં હાઇપર-સોનિક મિસાઇલ્સ છોડયા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે તે સમાચારોની પુષ્ટિ કરી છે.એડમિરલ ગોર્શકોવે કયુબાની પાસે એટલાન્ટિક મહાસાગરમાં ૬૦૦ કિ.મી. (૩૭૦ માઈલ) થી વધુ મારક ક્ષમતા અને નિશ્ચિત નિશાન પાડતી મિસાઈલ્સ છોડી છે. જો કે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે તો તેમજ કહ્યું છે કે તે એક રક્ષણાત્મક યુદ્ધાભ્યાસ છે.મિડીયા રિપોર્ટસ જણાવે છે કે જયારે રશિયન યુદ્ધ જહાજો, અમેરિકાના સમુદ્ર તટથી માત્ર ૨૫ માઇલ જ દૂર (યુએસના જળ વિસ્તાર = ૨૦ માઇલથી દૂર) પસાર થઈ રહ્યા હતાં ત્યારે આ હાઈપર-સોનિક (અવાજ કરતા પાંચ ગણીથી વધુ ઝડપે ઉડતાં) મિસાઈલ્સ એટલાન્ટિક મહાસાગરમાં છોડયા હતા. આ સાથે શીત-યુદ્ધ જયારે ચરમસીમાએ પહોંચ્યું હતું, ત્યારે ૧૯૬૨ના ઓકટોબરની ૨૬મીએ તે સમયનાં સોવિયેત સંઘ, કયુબાના સરમુખત્યાર ફીડેલ કાસ્ત્રોના સમયમાં, કયુબામાં ગોઠવેલા ખતરનાક મિસાઇલ્સની યાદ તાજી થાય છે. શીત યુદ્ધના ઇતિહાસનો તે સૌથી વધુ તંગદિલ ભર્યો સમય હતો.
કયુબા અને અમેરિકાના સંબંધો દાયકાઓથી સારા રહ્યા નથી, જયારે કયુબા અને રશિયાના સંબંધો નજીક આવી રહ્યા છે. આજે પણ રશિયા કયુબાનું સૌથી વધુ મદદગાર રાષ્ટ્ર છે. રશિયા-જ્યોર્જીયા યુદ્ધમાં કયુબાએ જ રશિયાને સમર્થ આપ્યું.૨૦૦૮ થી તો કયુબા-રશિયાના આર્થિક સંબંધો ઘનિષ્ટ બની રહ્યા છે. કયુબામાં ૫૫૦૦૦ રશિયન્સ વસે છે.
અલ-જજીરાના રિપોર્ટ પ્રમાણે બુધવારે કયુબા પહોંચેલા રશિયન નૌકાદળના એક વિભાગમાં રશિયાની સૌથી એડવાન્સ્ડ ફ્રીગ્રેટ એડમિરલ ગોર્શકૉવ છે. તેમાં હાઇપર સોનિક મિસાઇલ્સ ગોઠવાયા છે. તે ઉપરાંત એક ન્યુકિલયર-સબમરીન કાઝા પણ તેની સાથે છે. તેમજ બે અન્ય નૌકા જહાજો પણ તેની સાથે છે. આગામી સોમવાર સુધી તે કેરેબિયન-સી માં રહેવાના છે. તેઓ કયુબાની નૌસેના સાથે યુદ્ધાભ્યાસ કરવાના છે. આ અંગે કયુબાએ કહ્યું હતું કે, આ પ્રકારના યુદ્ધાભ્યાસો સામાન્ય બાબત છે. તેથી આ ક્ષેત્રમાં કોઈ ખતરો ઉપસ્થિત થતો નથી.અમેરિકા રશિયન યુદ્ધ જહાજો અને તેમની હરકતો ઉપર બાજ-નજર રાખી રહ્યું છે. સાથે તેના અધિકારીઓ કહે છે કે, તેથી કોઈ ભય નથી, રશિયા માત્ર તેટલું જ દર્શાવવા માગે છે કે તે વિશ્વ શક્તિ અમેરિકાની બરાબરી કરવા તૈયાર છે.તે સર્વવિદિત છે કે છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધને લીધે બંને દેશો રશિયા – અમેરિકા વચ્ચે તંગદિલી વધી છે. તે સાથે વિશ્વને શીત યુદ્ધના સમયની યાદ તાજી થઈ રહી છે.