નવજાત શિશુની સાર સંભાળ

પ્રત્યેક મેટરનિટી હોસ્પિટલમાં નવજાત  શિશુની  ખૂબ જ સારી સંભાળ લેવાવી જોઈએ.   અને તે અંગેના  શાસ્ત્રનું  પૂરતું જ્ઞાાન હોવું જરૂરી છે. પરંતુ ભારતમાં  આ અંગે ગંભીરતા સેવાતી નથી અને તે કારણે જ ઘણા નવજાત શિશુના વિકાસમાં સમસ્યા  ઉત્પન્ન  થાય છે. હાલમાં થોડા સમય પહેલાં ઘાટકોપરના નર્સિંગ હોમમાંથી નવજાત બાળકની ચોરી થયાનો કિસ્સો જાણીતો જ છે. આમ, આપણા  નર્સિંગ હોમમાં નવજાત  શિશુની  સુરક્ષાની પણ સંપૂર્ણર તકેદારી રખાતી નથી.

નવજાત શિશુની  ઘણા પ્રકારની સમસ્યા હોય છે તેમાં ખાસ કરીને અપૂરતા  મહિને  જન્મતું  બાળક અથવા ખૂબ જ ઓછું વજન  ધરાવતું  બાળક જન્મે ત્યારે  તેમાં  ઘણી તકલીફો ઉદ્ભવી  શકે છે. ઘણા શિશઓ જન્મ પછી તરત જ રડતા નથી અથવા જન્મ સમયે વજન બરોબર હોવા છતાં  તેઓ જન્મ બાદ વજન ગુમાવે છે. તેથી ઘણી વખત નવજાત શિશુની  સમસ્યાનું  પરીક્ષણ કરવું પણ અઘરું થઈ જાય  છે. કોઈ વખત રંગસૂત્રોના  અસમતોલપણાને લીધે પણ નવજાત શિશુમાં  તકલીફ ઊભી થાય છે.

ભારતમાં ૧૦  જેટલા બાળકો અપૂરતા મહિને જન્મે  છે  જે  બાળકો  ગર્ભમાં ૩૭ અઠવાડિયાથી   ઓછો સમય  રહે તેને અપૂરતે મહિને જન્મેલું  બાળક  કહેવામાં આવે છે. જ્યારે ૩૮ થી ૪૨ અઠવાડિયા દરમિયાન જન્મતું બાળક પૂરતે મહિને  જન્મેલું બાળક કહેવામાં  આવે  છે. ઘણી વખત કોઈ બાળકનું વજન ૨.૫ કિ.ગ્રામ  થી પણ ઓછું હોય છે. આવા કિસ્સામાં  બાળક  અપૂરતે મહિને જ જન્મ્યું  હોય તેવું જરૂરી નથી. ઘણી વખત   પૂરતે  મહિને  જન્મતા બાળકને ગર્ભમાં કોઈ તકલીફ હોય, હાઈ બ્લડપ્રેશર, અપૂરતું પોષણ કે કોઈ પ્રકારના ચેપને કારણે  પણ બાળક જલદી જન્મે  છે.અધૂરે  મહિને જન્મતું  બાળક પાતળું નબળું, લાલ કરચલીવાળી ત્વચા ધરાવતું હોય છે. તેના શરીરના હાડકા વળવા જેટલા મજબૂત નથી હોતા. જો કે તેને સ્પર્શ કરી શકાય છે અને તે સ્પર્શની  ભાષા સમજે  પણ  છે. જો કે  અધૂરે મહિને  જન્મતા બાળકમાં મોટે ભાગે  કોઈ શારીરિક ખામી નથી હોતી. તેમની નજર પણ બીજા બાળકો  જેવી જ હોય છે જે બાદમાં ધીરે ધીરે વિકસીત થાય છે.

ઘણી વાર એકદમ જલ્દી જન્મેલા બાળકમાં ‘રેટી નોપથી’ નામક આંખની  તકલીફ હોય છે જેમાં બાળકની આંખનોે પાછળનો ભાગ ખરાબ  હોય છે. આ માટે આવા બાળકોેની આંખની જલ્દીમાં જલ્દી તપાસ કરવી જોઈએ. જો કે, આવા બાળકોની   સંભાળ કુદરત રાખે જ છે તે છતાં તેમના માટે ‘સરફેક્ટન્ટ’ દવા અકસીર  પુરવાર થઈ છે. જો કે આ દવા ભારતમાં મળતી નથી. અને તેના એક ડોઝની કિંમત રૃા.૨૫,૦૦૦/ થાય છે. અને અપૂરતે મહિને જન્મેલા શિશુની અવસ્થા ઉપર આ દવાના એક,  કે બે કે તેથી  વધુ ડોઝની જરૂરિયાતનો આધાર રહેલો છે. અમેરિકા, ડેનમાર્ક, જાપાન, ગલ્ફ, સાઉથ  કોરિયા અને બીજા દેશોમાં  આ દવા ખૂબ જ  પ્રચલિત છે.

મેટરનિટી હોમમાં  જન્મતા પ્રત્યેક શિશુ તંદુરસ્ત હોય તે જરૂરી નથી અને તેથી જ નવજાત શિશુનો વિભાગ સંપૂર્ણપણે  વિકસીત અને અદ્યતન સાધનોથી સજ્જ હોવો જરૂરી  છે. આખા વિશ્વમાં અધૂરે મહિને જન્મેલા બાળકોના કેટલાક લક્ષણો  ખૂબ જ સામ્ય ધરાવતા હોય છે તે કેટલાક તદ્ન ભિન્ન હોય છે. જો કે, અધૂરે મહિને જન્મતા બાળકોેની   સૌથી ગંભીર સમસ્યા   છે, ‘હાઈલાઈન મેમબ્રેન ડીસીસ’ સાદી ભાષામાં કહીએ તો શ્વાસોશ્વાસની  સમસ્યા. આના ઘણા  કારણઓ હોઈ શકે  જેમાંનું એક મહત્ત્વનું કારણ છે ફેૅફસાનો અપૂરતો વિકાસ અથવા એલવીઓની ઉણપ. આમાં પણ  સરફેક્ટન્ટ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. બાળક જ્યારે શ્વાસ બહાર કાઢે છે  ત્યારે  તે એલવીઓને અટકાવે છે.

બાળક જ્યારે માતાના ગર્ભમાં  ૨૪ અઠવાડિયાનું થાય છે  ત્યારે તેના ફેફસાં  સરફેક્ટન્ટનું ઉત્પાદન શરૂ  કરે છે. પરંતુ ઘણા શિશુઓ ૩૫મે અઠવાડિયે પણ જરૂરી સરફેક્ટન્ટનું  ઉત્પાદન  નથી કરી શકતા.જે  શિશુઓને  શ્વાસોચ્છવાસની  ગંભીર સમસ્યા હોય તેઓ ખૂબ જ ઝડપી શ્વાસ લે છે. જ્યારે આ પ્રકારની ઓછી સમસ્યા ધરાવતા શિશુને  હેડ બોક્સ મારફતે ઓએક્સિજન આપવું પડે છે. જ્યારે ઝડપી  શ્વાસ  લેતા શિશુને વેન્ટીલેટર્સમાં રાખવામાં આવે છે. ઘણી વખત અધૂરે મહિને જન્મેલા બાળકના ફેફસાં શ્વાસ લેવાનું જ ભૂલી જાય છે. ઘણીવાર આવા બાળકો ૧૫ સેકંડ સુધી શ્વાસ  જ લેતા નથી જેને ‘એપનોઈ’ અથવા ‘એનોક્ષીયા’ કહેવામાં આવે છે. જેના કારણે હૃદયના  ધબકારા ઘટી જાય છે. તેવે સમયે બાળકને સ્પર્શ કરીને તેનો શ્વાસ ચાલુ કરાવવામાં આવે છે. જે બાળકોને વારંવાર આ સમસ્યા થતી હોય તેમને શ્વાસ લેવામાં સહાયતા થાય તે માટે વેન્ટીલેટર્સમાં રાખવામાં આવે છે. તે ઉપરાંત અધૂરે મહિને  જન્મતા હોય છે  આ માટે  રક્તનળીઓ ખૂબ જ નબળી હોય છે. આ કારણે  બાળક ભવિષ્યમાં  અપંગ બની શકે છે. આની તપાસ  સી.ટી. સ્કેન અથવા અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા કરી શકાય છે.

નવજાત  શિશુના લોહીના પરીક્ષણ બાદ તેમને ચેપથી મૂક્ત કરવા દવાઓ આપવામાં આવે છે. તેમના આંતરડા દૂધ પચાવવા માટે સક્ષમ બને ત્યાં સુધી તેમને જરૂરી પાણી તથા પ્રવાહી નસ મારફતે ચઢાવવામાં આવે છે. તે ઉપરાંત અધૂરે મહિને જન્મેલા શિશુમાં ગરમાટો રહે તેવા જરૂરી જ્ઞાાનતંતુ અને ચરબી હોતા નથી તેથી તેઓ ઠંડા પડી જાય છે જેના કારણે પણ તકલીફ ઉભી થાય છે. તેથી તેમને વાર્મર્સ કે ઈન્ક્યુમેટર્સમાં રાખવામાં આવે છે.નવજાત શિશુ માટે  ફોટો થેરપી પણ જરૂરી છે. ફોટો થેરપી યુનિટમાં  ખાસ પ્રકારના મશીનો અને લાઈટની વ્યવસ્થા હોય છે.  અધૂરે મહિને  જન્મેલા બાળકનું લીવર પણ  બીલીરુબીનના  ભારને સહન કરી શકતું નથી જે કારણે  પણ તેને કમળો થઈ શકે છે.  આ લાઈટથી બીલીરુબીન ઘટે છે અને તે કારણે બીલીરુબીનથી  લાંબા  સમયે બાળકના  મગજ ઉપર થનારી  અસર પણ ઘટે છે. તે  ઉપરાંત અપૂરતે મહિને જન્મતા બાળકના લોહીમાં હેમોગ્લોબીનનું પ્રમાણ પણ ઝડપથી ઘટે છે તથા વારંવાર તેમનું રક્ત પણ  બદલવું પડે છે. બધા જ માતા-પિતાએ બાળકને ‘હીપેટાઈટીસ -બી’ની દવા આપવી જ જોઈએ. લોહીમાં  શ્વેતકણોની ઉણપને લીધે બાળકને  સેપસીસ પણ થઈ શકે છે. જો કે તે બાળકને એન્ટીબાયોટિક દવાઓ આપવાથી સારું થઈ જાય છે. જો આવા બાળકમાં  ચમચીથી પીવાની શક્તિ ન હોય તો ઘણીવાર સીધુ નસમાં પ્રવાહી આપવામાં  આવે છે. આમ, પ્રત્યેક નવજાત શિશુની  સંપૂર્ણ દેખરેખ તેના ભાવિની સમસ્યાને  નિવારે છે અને તેથી જ પ્રત્યેક મેટરનિટી હોમમાં તે અંગેની જરૂરી સાધનસામગ્રી હોવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *