જાવેદ સાથે કાનૂની લડત છતાં શબાનાનો પણ સપોર્ટ
કંગના પોતે ભૂતકાળમાં ઓસ્કરમાં ક્રિસ રોકને તમાચાનું સમર્થન કર્યું હતું તે વાતે ટ્રોલ
કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની હવે સસ્પેન્ડ થઈ ચૂકેલી કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે લાફો માર્યો હોવાના પ્રકરણમાં શરુઆતમાં મૂક રહેલું બોલીવૂડ હવે સીધી અથવા તો આડકતરી રીતે કંગનાના સમર્થનમાં આવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે કંગનાના એક સમયના એક્સ બોયફ્રેન્ડ અને કંગના સાથ બહુ કડવો કાનૂની વિવાદ છેડનારા હૃતિક રોશન અને કંગના જેના માટે કાયમ નેગેટિવ ઉચ્ચારણો કરતી હોય છે તેવી આલિયા ભટ્ટે પણ કંગનાના સમર્થનમાં થયેલી પોસ્ટને સપોર્ટ જાહેર કર્યો છે. બીજી તરફ કંગના પોતે ભૂતકાળમાં ઓસ્કર એવોર્ડ સેરિમનીમાં ક્રિસ રોકને પડેલા તમાચાનું સમર્થન કરવા મુદ્દે પણ ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર કંગનાના સમર્થનમાં એક સમીક્ષક દ્વારા એવી પોસ્ટ લખાઈ હતી કે કોઈ ભલે કંગનાના નિવેદનો સાથે ગમે તેટલું અસંમત હોય તો પણ તેને તમાચો મારવાની ઘટનાનું સમર્થન કરી શકાય નહીં. આવી હિંસાને કોઈ સ્થાન હોઈ શકે.
આ પોસ્ટને કંગનાના એક સમયના બોયફ્રેન્ડ હૃતિક રોશને લાઈક કરી છે. કંગના અને હૃતિક એક સમયે ડેટિંગ કરતાં હોવાનું ચર્ચાયું હતું. જોકે, બાદમાં તેઓ ભારે કડવાશ સાથ ેછૂટાં પડયાં હતાં. કંગના અને હૃતિક વચ્ચે ની ઈમેઈલ ચેટ પણ બહાર આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં પરસ્પર ગંભીર આક્ષેપો પણ કરાયા હતા. આ પોસ્ટને આલિયા ભટ્ટે પણ લાઈક કરી છે. પરંતુ, ભૂતકાળમાં કંગનાએ આલિયા ભટ્ટ માટે તથા રણબીર કપૂર માટે પણ નેગેટિવ બોલવામાં કશું જ બાકી રાખ્યું નથી. કંગનાએ આલિયાને મિડિયોકર એક્ટર ગણાવી છે અને આલિયાને પ્રમોટ કરનારા કરણ જોહર વિશે પણ બેફામ બોલવામાં કોઈ કસર છોડી નથી. પીઢ અભિનેત્રી શબાના આઝમીએ પણ એવી પોસ્ટ કરી છે કે કંગના માટે મને કોઈ ખાસ પ્રેમ નથી પરંતુ તેથી તેને તમાચો મારવાનું સમર્થન કરી શકાય નહીં.
આ પોસ્ટ પણ એટલા માટે મહત્વની છે કે કંગના અને જાવેદ અખ્તર વચ્ચે આજની તારીખે પણ કોર્ટ કેસ ચાલે છે જેમાં કંગનાએ જાવેદ અખ્તરે પોતાને ધમકાવી હોવાનો આરોપ મૂક્યો છે. જ્યારે જાવેદ અખ્તરે કંગના પોતાના માટે બેફામ બોલી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત કંગના પોતાની ઓસ્કર એવોર્ડ સેરિમનીમાં માં ક્રિસ રોકને વિલ સ્મીથે સ્ટેજ પર થપ્પડ મારી હતી તેનું સમર્થન કરતી એક જૂની પોસ્ટ બદલ પણ હવે ટ્રોલ થઈ રહી છે. બે વર્ષ પહેલાં ક્રિસ રોક વીલ સ્મિથની પત્ની વિશે આડુંઅવળું બોલ્યો હતો. તેથી વિલ સ્મીથે ક્રિસ રોકને થપ્પડ મારી હતી. કંગનાએ તે વખતે લખ્યું હતું કે પોતે વિલ સ્મિથની જગ્યાએ હોત તો આવું જ કરવાની હતી. હવે લોકો કંગનાને એ પોસ્ટની યાદ અપાવી ટ્રોલ કરી રહ્યા છે.