લોનધારકોને EMIમાં કોઇપણ રાહત નહીં મળે

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની મળેલી બેઠકના અંતે એમપીસીએ ૬.૫૦ ટકા રેપો રેટ  અપેક્ષા પ્રમાણે જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. એમપીસીની સતત આઠમી બેઠકમાં વ્યાજ દર જાળવી રખાયો છે. મજબૂત આર્થિક  વિકાસ દર વચ્ચે ફુગાવા પર ખાસ ધ્યાન આપવાનું  રિઝર્વ બેન્ક ચાલુ રાખશે. વ્યાજ દર યથાવત રખાતા કેન્દ્રમાં નવી સરકારને સુધારા આગળ ધપાવવામાં સ્થિતિ સાનુકૂળ રહેશે તેવું માનવામાં આવે છે. દરમાં ઘટાડો નહીં કરાતા હોમ, ઓટો તથા અન્ય લોનધારકોને હાલમાં   ઈક્વિટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટસ (ઈએમઆઈ-લોનના હપ્તા)માં કોઈ રાહત નહીં મળે. ત્રણ દિવસની બેઠકના અંતે રિઝર્વ બેન્કે વર્તમાન નાણાં વર્ષના આર્થિક વિકાસ દરના અંદાજમાં વધારો કર્યો છે જ્યારે ફુગાવાની ધારણાં જાળવી રખાઈ છે.

એમપીસીના છમાંથી ચાર સભ્યોએ રેપો રેટ જાળવી રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું, એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. બે સભ્યોએ રેપો રેટમાં  પા ટકા ઘટાડાની તરફેણ કરી હતી. રેપો રેટને લઈને એમપીસીના સભ્યોમાં વધુ વિભાજન ઊભું થયું છે. આ અગાઉની બેઠકમાં સમિતિના બહારી સભ્ય જયંત વર્માએ રેપો રેટમાં પા ટકા ઘટાડો કરવા રજુઆત કરી હતી તેમની સાથે હવે અન્ય સભ્ય અષિમા ગોયલ પણ જોડાયા છે. ૨૦૨૩ના  એપ્રિલથી રેપો રેટ ૬.૫૦ ટકાના સ્તરે જાળવી રખાયો છે. તે પહેલા મે ૨૦૨૨થી રેપો રેટમાં  એકંદર અઢી ટકા  વધારો કરાયો હતો. 

૧લી ઓકટોબર, ૨૦૧૯થી બેન્કોએ દરેક રિટેલ ફલોટિંગ-રેટને બહારી બેન્ચમાર્ક સાથે લિન્કડ કરી દીધા છે. મોટાભાગની બેન્કો માટે રેપો રેટ એ બેન્ચમાર્ક રેટ છે. માટે રિઝર્વ બેન્કના રેપો રેટમાં કોઈપણ ફેરબદલની બેન્ક લોનના દર પર સીધી અસર જોવા મળે છે. એમપીસીએ સતતઆઠમી વખત રેપો રેટ જાળવી રાખતા લોનધારકોએ ઈએમઆઈમાં ઘટાડા માટે હજુ વધુ રાહ જોવી પડશે.

વર્તમાન વર્ષમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી વચ્ચે રિઝર્વ બેન્ક ફુગાવા પર સતત નજર રાખતી રહેશે. આર્થિક  વિકાસને રૂંધાયા વગર ફુગાવાને નીચે લાવવામાં  મદદ મળી છે  આમ છતાં ફુગાવા પર નજર જળવાઈ રહેશે. વર્તમાન નાણાં વર્ષ માટે આર્થિક વિકાસ દરના અંદાજને સાત ટકા પરથી વધારી રિઝર્વ બેન્કે તે ૭.૨૦ ટકા કર્યો છે. ફુગાવાની ૪.૫૦ ટકાની ધારણાંને જાળવી રખાઈ છે. 

આજની બેઠકમાં ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં લેવાઈ હતી. એપ્રિલનો ફુગાવો ૪.૮૩ ટકા સાથે હજુ પણ ઊંચો રહ્યો છે જેને કારણે વ્યાજ દર જાળવી રખાયો હોવાનું માનવામાં આવે છે. અમને જ્યારે જણાશે કે ફુગાવો લાંબો સમય સુધી ચાર ટકા પર જળવાઈ રહેશે ત્યારે નાણાં નીતિ હળવી કરવા અંગે વિચારશું એમ દાસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *