દીપિકાને સોશિયલ મીડિયા પર જે રીતે નિશાન બનાવવામાં આવી એના પરથી સવાલ ઊભો થાય છે કે શું સેલિબ્રિટી માણસ નથી? શું એને પણ બીજા કોઈ પણ માણસની જેમ દુખ ન થાય? શું એને પોતાના જીવન પર, પોતાના શરીર પર કોઈ અધિકાર નથી?
૨૦મી મેના રોજ દીપિકા પદુકોણ મતદાન કરવા બહાર નીકળી ત્યારે સોશિયલ મીડિયા પર એનું રીતસર ટ્રોલિંગ થયું હતું તે તમે જાણો છોને? કઠોર અને સંવેદનહીન ટિપ્પણીઓનો ધોધ વહ્યો હતો. અમુક નઠારા લોકોએ લખ્યું દીપિકાનું બેબી બમ્પ (એટલે કે ઉપસી આવેલું પેટ) બનાવટી છે. કોઈએ લખ્યું કે પ્રેગનન્ટ મહિલા કંઈ આ રીતે ન ચાલે. કોઈએ લખ્યું, દીપિકા પ્રેગનન્ટ લાગતી જ નથી, એ ફક્ત પ્રેગનન્ટ હોવાનું નાટક કરે છે… ખરેખર, હદ કરે છે લોકો!
થોડા મહિના પહેલાં દીપિકાએ હર્ષપૂર્વક જાહેરાત કરી હતી કે હું અને મારો વર રણવીર સિંહ અમારા પ્રથમ બાળકની પ્રતીક્ષા કરી રહ્યાં છીએ. ડિસેમ્બર ૨૦૧૮માં લગ્નગ્રંથિથી જોડાયેલું આ કપલ હવે બેમાંથી ત્રણ થવાનું છે. ડોક્ટરોએ દીપિકાને સપ્ટેમ્બર મહિનામાં ડિલીવરીની તારીખ આપી છે. આ જાહેરાત થયા પછી બાપડી દીપિકા સતત ઓનલાઈન ટીકા અને ટ્રોલિંગનો શિકાર બની રહી છે.
લોકો ક્યારેક ખરેખર સભ્યતા અને શરમની તમામ સરહદો વટાવી દે છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટ્રોલિંગનો પ્રત્યુત્તર આપતાં ફાયે ડીસુઝા નામનાં પત્રકાર દીપિકાના બચાવમાં આગળ આવ્યાં હતાં. તેણે લખ્યું: ‘મતદાન કરવો એ પ્રત્યેક નાગરિકની ફરજ છે અને દીપિકા પોતાની ફરજ બજાવવા માટે ઘરમાંથી બહાર નીકળી હતી. તેણે પોતાના દેખાવ કે પ્રેગનન્સી બાબતે કોઈનો અભિપ્રાય માગ્યો નથી, તો તમે શા માટે તેના જીવનના આવા અંગત પાસા વિશે બેફામ કમેન્ટ્સ કરો છો? આવું કરવાનો તમને કોઈ અધિકાર નથી. એટલે મહેરબાની કરીને મોઢું બંધ રાખો અને જરા માણસાઈ શીખો.’
અભિનેત્રી આલિયા ભટ્ટે તુરંત ફાયેની પોસ્ટને સમર્થન આપ્યું અને દીપિકા પ્રત્યે ટેકો જાહેર કર્યો. આલિયાની બહેનો પૂજા ભટ્ટ – શાહીન ભટ્ટ તેમજ મમ્મી સોની રાઝદાને પણ આલિયાની પોસ્ટને સમર્થન આપ્યું. અનેક અન્ય સેલિબ્રિટીઓ દીપિકાના સમર્થનમાં આવી ગયા.અભિનેત્રી શ્રુતિ શેઠે ફાયેની પોસ્ટ પર ટિપ્પણી કરતાં કહ્યું, ‘સદ્ભાગ્યે દીપિકા પાસે આવા બકવાસ પર ધ્યાન આપવાનો સમય નથી. એ ઘણી બિઝી છે. એણે આવી ફાલતુ કમેન્ટ્સની સદંતર અવગણના કરી છે.’ ટીવી અભિનેત્રી ટીના દત્તાએ પણ આ જ લાગણીનો પડઘો પાડતા કહ્યું કે, ‘સાવ સાચી વાત છે. લોકોનું દિમાગ ફરી ગયું છે.’
માત્ર સેલિબ્રિટીઓએ જ નહીં, સામાન્ય લોકોએ પણ દીપિકાનો પક્ષ લીધો. ટ્રોલરો સામે મક્કમ વલણ દાખવવા બદલ તેમણે ફાયેની પ્રશંસા કરી.
સોશિયલ મીડિયા બેધારી તલવાર છે એ તો નક્કી. એ લોકોને એકમેક સાથે જોડે પણ છે અને ઝેર પણ ફેલાવે છે. મોટાભાગે આ વિષયુક્ત વાતાવરણનો ભોગ સેલિબ્રિટીઓ બનતા હોય છે. ૨૦૨૦માં સોનાક્ષી સિંહાએ કંટાળીને સોશિયલ મીડિયા છોડી દીધું હતું. પછી એક જાહેર મંચ પરથી એણે કહેલું, ‘જે વસ્તુ મારા જીવનમાં આટલી બધી નેગેટિવિટી લાવતી હોય, મારું આટલું અપમાન કરતી હોય, આટલું ઝેર ફેલાવતી હોય તે જોઈએ જ નહીં.’આવી જ રીતે આમિર ખાને પણ ૨૦૨૧માં નકારાત્મક્તા ટાળવા પોતાના તમામ અંગત સોશિયલ મીડિયા એકાઉન્ટ રદ કરી નાખ્યા હતા.
દીપિકાને સોશિયલ મીડિયા પર જે રીતે નિશાન બનાવવામાં આવી એના પરથી સવાલ ઊભો થાય છે કે શું સેલિબ્રિટી માણસ નથી? શું એને પણ બીજા કોઈ પણ માણસની જેમ દુખ ન થાય? શું એને પોતાના જીવન પર, પોતાના શરીર પર કોઈ અધિકાર નથી? ઓનલાઈન ટ્રોલિંગના બહુ ગંભીર પરિણામો આવી શકે છે, તેનાથી માણસની મેન્ટલ હેલ્થ બગડી શકે છે. અરે, માણસનું આખું જીવન પ્રભાવિત થઈ શકે છે. ફાયેના પોસ્ટને સમર્થન આપનાર ઓટીટી એક્ટ્રેસ આહના કુમરાએ પણ પોતાનું સ્વમાન જાળવવાના પ્રયાસમાં ટ્રોલિંગનો સામનો કરવો પડયો હતો. દીપિકાના સમર્થનમાં ઉતેરલી આહના કુમરાએ ટિપ્પણી કરી કે, ‘દીપિકાના શરીર વિશે કમેન્ટ કરવાનો કોઈને અધિકાર નથી. પ્રત્યેક પ્રેગનન્ટ મહિલાનું પેટ ઊપસેલું જ હોય. દીપિકા મતદાન કરવા આવી હતી, લોકોનું ધ્યાન ખેંચવા નહીં. તમે છો કોણ એની પ્રેગનન્સી પર સવાલ કરવાવાળા?’
અભિનેત્રી ઝરીન ખાને પણ અનેકવાર સોશિયલ મીડિયા પર બોડી શેમિંગનો ભોગ બનવું પડયું હતું. ઝરીન ખાન કહે છે, ‘સોશિયલ મીડિયા પર માણસ પોતાની ઓળખ છૂપાવી શકે છે એટલે એનો લાભ લઈને અમુક લોકો માનતા થઈ ગયા છે કે તેઓ કોઈને કંઈ પણ કહી શકાય છે. આ બધા ટ્રોલર્સ નિષ્ફળ લોકો છે. પોતાની હતાશા અને ફ્રસ્ટ્રેશન તેઓ આ રીતે બીજાઓને ટ્રોલ કરીને વ્યક્ત કરે છે. સેલિબ્રિટી હંમેશા ઇઝી ટાર્ગેટ હોય છે. મેં તો સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ વાંચવાનું જ બંધ કરી દીધું છે. મને તો આવા ટ્રોલરોની દયા આવે છે. આ બિચારાઓ પાસે કરવા જેવું કોઈ સાર્થક કામ હોતું નથી એટલે સોશિયલ મીડિયા પર ગંદકી કર્યા કરે છે.”ધ કેરલ સ્ટોરી’ અને ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ની એક્ટ્રેસ અદા શર્મા અપશબ્દો અને ધમકીઓનો ભોગ બની ચુકી છે. અદા શર્મા કહે છે, ‘સેલિબ્રિટી હોવાનો અર્થ એવો થયો કે તમારું અંગત જીવન બધા માટે ખુલ્લું થઈ ગયું છે. અહીં તમને લોકો સતત જજ કરતા રહે છે. સમગ્ર વિશ્વ એક પરિવાર બની ગયું છે અને સૌને પોતાના મંતવ્યો રજૂ કરવાનો અધિકાર છે તે સાચું,પણ વિવેક અને મર્યાદા જેવું પણ કશું હોય કે નહીં?’
અન્ય એક અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ ઓનલાઈન ટ્રોલિંગના પોતાના અનુભવો ટાંક્યા હતા. એણે લખ્યું કે, ‘મારું ટ્રોલિંગ થાય છે ત્યારે ઘણીવાર તો તેની અવગણના કરું છું, પણ ક્યારેક સામો જવાબ પણ આપી દઉં છું. એકવાર તો મારે સાયબર સેલમાં કેસ દાખલ કરવો પડયો હતો. હું તો માનું છું કે ટ્રોલિંગ કરનારાઓને સણસણતો જવાબ આપવો જ જોઈએ જેથી તેમને પણ ખબર પડે.’
પૂર્વ પત્રકાર અને નિર્માતા પ્રીતિશ નંદીએ કહે છે, ‘ખાસ રાજકીય હેતુ માટે એક ટ્રોલિંગ સેના ઊભી કરવામાં આવે છે. આ ટોળું પોતાના નવરાશના સમયમાં જે-તે વ્યક્તિનું ટ્રોલિંગ કર્યા કરે છે અને સતત નફરત ફેલાવ્યા કરે છે.’ આ આખા મામલાની સૌથી સારી વાત એ છે કે દીપિકા ટ્રોલિંગથી વિચલિત થઈ નથી. મતદાન પછી કોઈ બ્રાન્ડ પ્રમોશન માટે તે ફરી જાહેરમાં દેખાઈ ત્યારે ખુશખુશાલ અને આત્મવિશ્વાસથી છલોછલ દેખાતી હતી.