સર્જક કબીર ખાને જાતે જ ઈનકાર કર્યો. જોકે, બજરંગી અને ચાંદ નવાબના પાત્રો પર નવી કોઈ ફિલ્મ બની શકે છે.
સલમાન ખાનની હિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની સિકવલ નહીં બને. ખુદ ફિલ્મ સર્જક કબીર ખાને આ સિકવલ બનાવવાનો ઈનકાર કરી દીધો છે. કબીર ખાને કહ્યું હતું કે આ ફિલ્મમાં મુન્ની તેના પરિવારથી વિખૂટી પડી જાય છે અને બજરંગી તેને પાકિસ્તાન પરત મૂકી આવે છે. હવે આ વાર્તા ત્યાં ખતમ થઈ ગઈ છે તેેને ત્યાથી આગળ વધારી શકાય તેમ નથી. જોેકે, એ પણ સાચું છે કે દર્શકોને સલમાનની બજરંગીની ભૂમિકા પસંદ પડી હતી. સાથે સાથે તેમણે ચાંદ નવાબ તરીકે નવાઝુદ્દિન સિદ્દિકીની ભૂમિકા પણ પસંદ કરી હતી. આથી આ બે પાત્રોને લઈને કોઈ નવી વાર્તા પરથી ફિલ્મ બનાવી શકાય તેમ છે.
આ ફિલ્મ ૨૦૧૫માં રીલિઝ થઈ હતી. ટિકિટબારી પર તેણે ટંકશાળ પાડી હતી. આ ફિલ્મમાં મુન્નીનું પાત્ર ભજવનારી હર્ષાલી મલ્હોત્રા પણ ભારે લોકપ્રિય બની હતી. હવે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બની ચૂકી છે અને સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.