ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ.એક માણસે નક્કી કર્યું કે હવે જીવનભર ઉપવાસ કરવા છે. અન્નનો એક દાણો પણ મોંમાં નાખવો નથી એને થયું કે ભોજન જેવું બીજું કોઈ પાપ નથી.અન્નને જુએ અને અળગું કરે. એને પાપ માની દૂર ભાગે, બીજાને અન્નથી અળગા રહેવાની શિખામણ આપે.
આ રીતે એ માનવી પોતાની ભૂખને વધુ ને વધુ દબાવવા લાગ્યો, કચડવા લાગ્યો. બન્યું એવું કે જેમ જેમ ભૂખને દબાવવા લાગ્યો તેમ તેમ ભૂખ અંદરથી જોરથી પ્રગટ થવા લાગી.ઉપવાસથી આત્મચિંતનની વાત ભૂલી ગયો. ઉપવાસનો અર્થ ચૂકી ગયો અને બન્યું એવું કે જીવનનું ધ્યેય જ ભૂખ્યા રહેવું એવું રહી ગયું. વળી જેમ જેમ ભૂખ્યા રહેવાનું વિચારે તેમ તેમ ભૂખના વિચારો આવ્યા કરે.
એને થયું કે દુનિયામાં આ લોકો ભોજનમાં ડૂબેલા છે. અકરાંતિયાની જેમ ખાધા જ કરે છે. એમને ભોજન કરતાં જોઈ આ માનવીને દુ:ખ થવા લાગ્યું, એની ભૂખ વધુ ને વધુ પ્રબળ બની.આખરે એણે જંગલમાં જવાનું વિચાર્યું. એ સમયે કોઈ મિત્રએ સાધનાની સફળતા માટે પુષ્પગુચ્છ મોકલ્યો.બીજે દિવસે પેલા માણસને જવાબ મળ્યો, ‘ફૂલો માટે ધન્યવાદ. તમે મોકલેલાં બધાં ફૂલો ખૂબ સ્વાદિષ્ટ હતાં.’