બહાર ધોમધખતો તડકો ઘરમાં કુલ

ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે એર કન્ડિશનરની જરૂર જો વર્તાતી જ હોય તો એના વપરાશમાં કાળજી રાખવી પણ જરૂરી છે. આમ જોવા જઈએ તો એ મોંઘું પડશે. એ સાથે જો ક્યાંક લાઈટ ગઈ તો એનો કોઈ ઉપયોગ પણ નહીં રહે. આવામાં કેટલાક એવા આસાન ઉપાયોથી ગરમીથી છુટકારો મેળવવામાં આવે, જે સસ્તા હોય તો કેવું રહેશે. ચાલો જાણીએ ઘરમાં કેવી ટાઈપના બદલાવો કરીને ઠંડક મેળવી શકાય.વિન્ડોમાં જો બ્લાઈન્ડ્સ હોય તો એને સૂર્યની તરફ બંધ કરો, કારણ કે સૂર્યનો તડકો ઘરમાં આવશે તો એનાથી સૌથી વધુ પ્રમાણમાં ગરમી થશે. જો ફ્લોરિંગ પર તડકો હશે તો એની સામે એર કન્ડિશનરની ઠંડક પણ કામ નહીં કરે. એટલે સૌથી પહેલાં તો તડકાને જ ઘરમાં આવતો અટકાવો.

વધુ પ્રકાશથી પણ ગરમી

લાઈટ બંધ કરી દો. ઉનાળામાં જો લાઈટ ચાલુ હશે તો એનાથી હીટ વધશે. એમાં પણ જો બલ્બ હશે તો સમસ્યા વધશે, કારણ કે બલ્બ વધુ ગરમ થાય છે. રાતના સમયે જો ઠંડક જોઈતી હોય તો લાઈટ્સ ઓફ રાખવી. જો લાઈટ્સ જરૂરી લાગતી હોય તો સીએફએલ લાઈટ્સ લગાવો.

રસોડામાં ગરમી

ઉનાળામાં રાંધવામાં વધુ સમય લાગે એવી ચીજો બનાવવાનું અવોઈડ કરો, કારણ કે રસોઈમાંથી નીકળતી હીટથી પણ ઘરમાં ગરમી થાય છે. એમાં પણ ગેસ ચાલુ હોય ત્યારે એસી ઓન કરો તો તમે પોતાનું જ નુકસાન કરી રહ્યા છો. જો ઘર ખરીદવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોય તો બને એટલો નીચલો માળ પસંદ કરવો, કારણ કે જેટલી ગરમી ટૉપ ફ્લોર પર થશે એટલી ફર્સ્ટ કે સેકન્ડ ફ્લોર પર નહીં થાય. ગ્રાઉન્ડ ફ્લોરમાં અંધારું લાગશે અને સૂર્યપ્રકાશ જરાય નહીં આવે માટે એ પણ પસંદ ન કરવો. માટે ઘર ખરીદવાના હો તો ગરમીના એક પોઈન્ટને પણ ધ્યાનમાં રાખીને નીચલો માળ જ પસંદ કરો. ટેરેસ ફ્લેટ કે ઉપરના બે ફ્લોરને ગરમીનો માર વધુ સહન કરવો પડે છે. જો ટેરેસની નીચેનો ફ્લોર હશે તો પણ ટેરેસ ગરમ થવાને લીધે વધુ ગરમી થશે.ન જોઈતાં ઈલેક્ટ્રોનિક સાધનો બંધ રાખવાથી પણ ગરમીમાં રાહત થઈ શકે છે. તમે જોયું હશે કે લેપટૉપ કે ટીવી થોડી વાર ચાલુ રહે તો ગરમ થઈ જાય છે અને તે રીતે ઘરમાં હીટમાં વધારો થાય છે. એટલે જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે ઘરના  ઈલેક્ટ્રોનિક અપ્લાયન્સિસ તેમ જ પોઈન્ટ્સ બંધ રાખો.

ઘરમાં કેટલુંક હોમ ડેકોર પણ ઠંડક આપી શકે છે. જેમ કે દીવાલો પર સફેદ કે લાઈટ રંગો ઠંડક આપશે. ઘરમાં પડદામાં પણ લાઈટ રંગો અને કૉટન કે શિફોન જેવા ફેબ્રિકનો વપરાશ કરવો. પાણીમાં રાખેલાં ફૂલો ઘરમાં ડેકોરેશનનું તો કામ કરશે જ સાથે પાણી ઠંડક પણ આપશે. આ રીતે કેટલીક તકેદારી રાખવામાં આવે તો ઉનાળો પણ માણવાલાયક બની શકે છે અને એ પણ ગરમીને બાજુએ મૂકીને.

એસી ફિલ્ટરનું ક્લીનિંગ કરવું ખૂબ અઘરું પરંતુ જરૂરી કામ છે. જો નિયમિતપણે એસીનું ફિલ્ટર ક્લીન હશે તો કૂલિંગ વધુ સારું થશે. જ્યારે એસી ઓન કરો ત્યારે પાવર સેટિંગ ફુલ હાઈ પર રાખો. એસીની હવા જ્યારે રૂમની અંદર જ રહે ત્યારે ઠંડક વધુ સારી મળે છે. એટલે જો ઘરમાં કોઈ બારી હોય તો એ બંધ જ હોય એનો ખ્યાલ રાખવો. જેટલી ઝડપથી ઠંડક થશે એટલું જ એસી પાવર ઓછો કન્ઝ્યુમ કરશે. જોઈતી ઠંડક થાય ત્યાર બાદ એસીનું ટેમ્પરેચર લો કરી દો. જો એસી વિના ન જ ચાલતું હોય તો નવું એસી ખરીદો. જો તમને તમારું ૧૦ વર્ષ જૂનું એસી ખૂબ પ્રિય હોય અને વિચારતા હો કે નવું ખરીદવાનું કોઈ જરૂર નથી તો તમે ખોટા છો, કારણ કે જૂનું એસી નવા મશીનની સરખામણીમાં વધુ પાવર કન્ઝ્યુમ કરશે અને ઈલેક્ટ્રિસિટીના બિલમાં તમે બચત કરી શકશો.

ઘરમાં શોપિંગ મૉલમાં હોય એટલી ઠંડકની જરૂર હોતી નથી તેમ જ વધુ પડતી ઠંડકમાં હવા પણ સૂકી બની જાય છે એટલે હાઈ ટેમ્પરેચરથી રૂમ કૂલ કરી એસી બંધ કરી દો અથવા લો કરી દો. બને એટલો પંખાનો વપરાશ કરો. એસી ઓન કર્યા બાદ પંખા બંધ ન કરો, કારણ કે પંખો રૂમમાં હવા દરેક ખૂણામાં ફેલાવવામાં વધુ મદદ કરશે. એનાથી એર કન્ડિશનરનો પાવર પણ વધે છે. ફક્ત એ જ રૂમ કુલ કરો, જે તમે વાપરવાના હો. જો સેન્ટ્રલ એસી હોય તો ઘરનાં જે ભાગ વપરાશમાં ન હોય એને બંધ કરી દો. જો એસી ઘરમાં સૌથી ખુલ્લા ભાગમાં હોય તો અને  એ ભાગ કિચન, ડાઈનિંગ અને લિવિંગ રૂમ કવર કરતો હોય તો ઘરના બાકીના રૂમનાં દરવાજા બંધ કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *