રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની આવતા સપ્તાહે મળનારી બેઠકમાં વ્યાજ દર યથાવત રહેવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. વ્યાજ દરમાં કપાતની શરૂઆત રિઝર્વ બેન્ક ડિસેમ્બર ત્રિમાસિકથી શરૂ કરશે તેવો મત પ્રવર્તી રહ્યો છે. હાલમાં ખાધાખોરાકીનો ફુગાવો પ્રમાણમાં ઊંચો છે તેને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક હાલમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં કોઈ ઉતાવળ નહીં કરે. વર્તમાન વર્ષના ચોમાસાની પ્રગતિ કેવી રહે છે તેના પર આરબીઆઈની નજર રહેશે એમ એક બેન્કરે જણાવ્યું હતું. ઊંચા ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી અનેક કેન્દ્રીય બેન્કોએ વ્યાજ દરમાં કપાત ઢીલમાં મૂકી છે. 

  એમપીસીની બેઠક આવતા સપ્તાહે ૫થી ૭ જૂનના યોજાનાર છે. હાલમાં રેપો રેટ ૬.૫૦ ટકા છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે છેલ્લા કેટલાક સમયથી રેપો રેટને જાળવી રાખ્યો છે અને તેમાં કોઈપણ ઘટાડો કરવામાં સાવચેતી ધરાવી રહી છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.વ્યાજ દરમાં વહેલામાં વહેલી કપાત ૨૦૨૪ના ચોથા ત્રિમાસિક ગાળામાં જોવા મળી શકે છે અને તે પણ પા ટકા જેટલી એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. રિટેલ ફુગાવો ૪ ટકાના સ્તરે જાળવી રાખવાની રિઝર્વ બેન્કને જવાબદારી સોંપાઈ છે પરંતુ ખાધાખોરાકીના ઊંચા ભાવને કારણે રિટેલ ફુગાવો હજુ પ્રમાણમાં ઊંચો રહ્યા કરે છે. એપ્રિલમાં ફુગાવો ૪.૮૩ ટકા રહ્યો હતો.