એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
આવતી કાલે જૂન 3ની પ્હો ફાટવાના સમયે પૂર્વ આકાશમાં સૂર્યમાળાના 6 ગ્રહો કતારબંધ ગોઠવાવાના છે. જાણો પ્લેનેટરી પરેડ કહેવાતી ખગોળીય ઘટનાનું કેમ? શું? અને કેવી રીતે? પ્લેનેટરી પરેડ વખતે વાસ્તવમાં દરેક ગ્રહ વચ્ચે અનેક કિલોમીટરનો ત્રાંસ હશે, પણ પૃથ્વી પરથી તેમનું અવલોકન કરતી વેળા આપણને ત્રાંસનો ખ્યાલ આવતો ન હોવાથી ગ્રહો સમાંતર આવ્યાનો દૃષ્ટિભ્રમ થાય છે.
એક પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી-કમ-લેખક છે : જ્હોન ગ્રિબિન. વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પર તેમની પકડ જોતાં પ્રસિદ્ધ ને પ્રતિષ્ઠિત ‘નેચર’ સામયિકે ગ્રિબિનને જગતના શ્રેષ્ઠ વિજ્ઞાન લેખકો પૈકી એક તરીકે ઓળખાવ્યા હતા. જો કે, વિજ્ઞાન વિશ્વમાં જ્હોન ગ્રિબિન જેટલા પ્રખ્યાત એટલું જ કુખ્યાત તેમનું ‘ધ જૂપિટર ઇફેક્ટ’ નામનું પુસ્તક છે. વર્ષ ૧૯૭૪માં તે આવ્યું ત્યારથી શરૂ કરીને આઠેક વર્ષ સુધી ધૂમ વેચાયું. બેસ્ટ-સેલરનો ખિતાબ લાંબો વખત જાળવી રાખ્યો. પરંતુ માર્ચ, ૧૯૮૨ પછી ‘ધ જૂપિટર ઇફેક્ટ’ બુક-સ્ટોલ્સ પર એવું ખરાબ રીતે પિટાયું કે કોઈ લેવાલ શોધ્યો ન મળે. બીજી તરફ, માર્ચ ૧૯૮૨ પહેલાં જે લાખો વાચકોએ ‘ધ જૂપિટર ઇફેક્ટ’ લીધેલું તેમને ઉલ્લુ બન્યાની લાગણી થઈ. ભારે બોલબાલા પછી પુસ્તક બારના ભાવમાં ગયું અને પોતાની સાથે લેખક જ્હોન ગ્રિબિનની થોડીક પ્રતિષ્ઠાને પણ લેતું ગયું.
વાત જાણે એમ હતી કે માર્ચ, ૧૯૮૨માં સૂર્યમાળાના બધા ગ્રહો અવકાશમાં એકની પાછળ એક પરોવેલા મણકાની માફક સીધી લીટીમાં આવવાના હતા. લગભગ સાડા આઠસો વર્ષ પહેલાં બારમી સદીમાં એવી ખગોળીય ઘટના બની હતી, પણ ત્યારે આધુનિક ખગોળવિજ્ઞાન હજી પારણે ઝૂલતું હતું. ઘણાખરા ગ્રહો તો શોધાયા જ નહોતા. આથી અવકાશમાં તેમની planetary parade/ પ્લેનેટરી પરેડ (અથવા યુતિ) તરીકે ઓળખાતી કતાર પ્રત્યે ખાસ ધ્યાન ગયું નહોતું. વર્ષ ૧૯૮૨માં એ ઘટનાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું હતું. આથી તેના વિશે અને પૃથ્વી પર પડી શકનારી તેની અસરો વિશે પુસ્તક લખવાનો વિચાર જ્હોન ગ્રિબિનને આવ્યો.
તમામ ગ્રહો એક તરફ અને સૂર્યનો ગોળો બીજી તરફ હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળની સામસામી ખેંચતાણમાં પૃથ્વીનું આવી બનશે એવું તેમને લાગ્યું. એક બાજુથી સૂર્ય, બુધ અને શુક્રનું, તો સામી બાજુથી મંગળ, ગુરુ, શનિ, પ્રજાપતિ, વરુણ અને યમનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ભૂસ્તરીય પોપડામાં ઠેકઠેકાણે ભંગાણ પાડશે; તમામ સમુદ્રો ગાંડાતૂર બનશે; તોફાની વાવાઝોડાં ફૂંકાશે; સૂર્યમાંથી અભૂતપૂર્વ અગનજ્વાળા નીકળીને પૃથ્વીને દાહ દેશે… વગેરે વગેરે જેવી ઘણી બધી સ્વરચિત થિઅરીઓ જ્હોન ગ્રિબિને લખી અને ૧૯૭૪માં ‘ધ જૂપિટર ઇફેક્ટ’ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી નાખી.
પુસ્તક સાયન્સ ફિક્શન તરીકે લખાયું હોત તો તેની (તથા લેખકની) થોડીક આબરૂ રહી જાત, પણ અહીં મામલો જુદો હતો. ‘ધ જૂપિટર ઇફેક્ટ’ નક્કર વૈજ્ઞાનિક થિઅરી તરીકે રજૂ કરાયું હતું. ખરેખર તો આવી કોઈ પણ થિઅરી આપતા પહેલાં વિજ્ઞાન નામની છરી વડે તર્ક-તથ્યોનાં શક્ય એટલાં બારીક પતીકાં પાડવાં જોઈએ. પરંતુ ગ્રિબિન સાહેબે જરા કાચું કાપ્યું. બલકે, થિઅરીના નામે તુક્કા-તરંગોરૂપી આખું કોળું શાકમાં જવા દીધું.
માર્ચ, ૧૯૮૨માં સૂર્યમાળાના બધા ગ્રહો અવકાશમાં પ્લેનેટરી પરેડ યોજીને કતારમાં આવ્યા તો ખરા, પણ ‘ધ જૂપિટર ઇફેક્ટ’માં લખેલું એમાંનું કશું જ બન્યું નહિ. આપણા Sun અને તેના Sons વચ્ચે ન તો ગુરુત્વાકર્ષણ બળનો ગજગ્રાહ થયો કે ન પૃથ્વી પર ભૂકંપ, સુનામી, વાવાઝોડાં આવ્યાં. ‘ધ જૂપિટર ઇફેક્ટ’ થિઅરીનો જબરો ફિએસ્કો થયો. બીજી તરફ જે સુજ્ઞ જાણકારોએ થિઅરી સમેત પુસ્તકનેય અભેરાઈએ ચડાવી દીધેલું તેઓ સદ્ભાગી કે એક વિરલ અવકાશી ઘટનાના સાક્ષી બન્યા. નવે નવ ગ્રહો હારમાળા સર્જે એ દૃશ્ય નિહાળવાનું તેમના પછી આગામી સાત પેઢીને નસીબ થવાનું નહોતું. કારણ કે અવકાશમાં બધા ગ્રહોની યુતિનું નવું મુહૂર્ત છેક મે ૬, ૨૪૯૨ના વર્ષનું હતું.
આ મુહૂર્ત તો બહુ દૂરનું છે. આપણામાંથી કોઈ તે જોવા પામવાનું નથી. દરમ્યાન આવતી કાલે ત્રીજી જૂનની પરોઢે પૂર્વ આકાશમાં ૬ ગ્રહોની પ્લેનેટરી પરેડના ચશ્મદીદ સાક્ષી બની શકાય તેમ છે. ગેસ જાયન્ટ ગુરુ (જૂપિટર), બુધ (મર્ક્યુરી), પ્રજાપતિ (યુરેનસ), મંગળ (માર્સ), વરુણ (નેપ્ચૂન) અને શનિ (સેટર્ન) એકમેકની ઇર્દગિર્દ દેખાશે. વાસ્તવમાં દરેક ગ્રહ વચ્ચે અનેક કિલોમીટરનો ત્રાંસ હશે, પણ પૃથ્વી પરથી તેમનું અવલોકન કરતી વેળા આપણને ત્રાંસનો ખ્યાલ આવતો ન હોવાથી ગ્રહો સમાંતર આવ્યાનો દૃષ્ટિભ્રમ થશે.
■■■
સૂર્ય નામના પિતૃ તારાએ પૃથ્વી સહિત કુલ આઠ ગ્રહોને પોતાના ગુરુત્વાકર્ષણ વડે ‘જકડી’ રાખ્યા છે. (સૂર્યમાળાની છેલ્લી પાટલીએ બેઠેલા પ્લૂટોની ગણના ગ્રહ તરીકે થતી નથી.) સૂર્યનું ગુરુત્વાકર્ષણ દરેક ગ્રહ માટે કેન્દ્રગામી બળ પેદા કરે છે, જે ન હોત તો બધા ગ્રહો અવકાશમાં ફંગોળાઈ ચૂક્યા હોત. બીજી તરફ એ પણ ખરું કે દરેક ગ્રહ સૂર્યની આસપાસ નિયત ઝડપે ભ્રમણ કરતો ન હોત તો કેન્દ્રગામી બળથી ખેંચાઈને સૂર્યના બળબળતા હવનકુંડમાં સ્વાહા થઈ ચૂક્યો હોત. ચોક્કસ અંતરે ગોઠવાયેલો ગ્રહ સૂર્ય ફરતે પ્રદક્ષિણા લેતો રહી કેન્દ્રત્યાગી બળ પેદા કરે છે, માટે તેની સામે સૂર્યના કેન્દ્રગામી બળનો છેદ કપાઈ જાય છે. આ રીતે કેન્દ્રગામી Vs કેન્દ્રત્યાગી એમ બે પરસ્પર વિરોધી બળો વચ્ચે સંતુલન જળવાતા કોઈ ગ્રહ સૂર્યમાં હોમાઈ જતો નથી.
સૂર્યથી બધા ગ્રહો જુદા જુદા અંતરે છે, માટે બધાને સૂર્યનું કેન્દ્રગામી બળ (એટલે કે ગુરુત્વાકર્ષણ) વધુ ઓછા પ્રમાણમાં વરતાય છે. આ બળ છેવટે ગ્રહની ચાલ કેટલી સ્લો કે ફાસ્ટ હોય તે નક્કી કરે છે.
જેમ કે, બુધનો ગોળો સૂર્યની સૌથી નિકટ ગોઠવાયો હોવાથી તેને પ્રચંડ કેન્દ્રગામી બળ વરતાય એ સ્વાભાવિક છે. સૂર્યના બેસુમાર ગુરુત્વાકર્ષણને પહોંચી વળવા માટે બુધ સેકન્ડના ૪૮ કિલોમીટરની તેજ રફતારે પ્રદક્ષિણા લે છે. પિતૃતારા ફરતે એક ચકરાવો પૂરો કરવામાં તેને ફક્ત ૮૮ દિવસ લાગે છે. બુધના નિકટતમ પડોશી શુક્રને વરતાતું કેન્દ્રગામી બળ જરા ઓછું હોવાથી તેનો ભ્રમણવેગ સેકન્ડના ૩પ કિલોમીટર છે. એક પ્રદક્ષિણા કરવામાં શુક્ર ૨૨૪ દિવસ લે છે, જ્યારે આપણી પૃથ્વીના કેસમાં આંકડો ૩૬પ.૨પ દિવસનો છે.
પૃથ્વી પછીના અવકાશમાં આગળ વધો તેમ વધુ મોટી ભ્રમણકક્ષા રચીને પ્રવાસ ખેડતા મંગળ, ગુરુ, શનિ, પ્રજાપતિ અને વરુણ તેમની એક પ્રદક્ષિણા સંપન્ન કરવામાં અનુક્રમે ૧.૧૮ વર્ષ, ૧૧.૮૬ વર્ષ, ૨૯.૪૬ વર્ષ, ૮૪ વર્ષ અને ૧૬૪ વર્ષનો સમય લે છે. આથી આઠ ગ્રહો વત્તા પ્લૂટો યુતિ અથવા પ્લેનેટરી પરેડ રચે એવો પ્રસંગ જવલ્લે જ આવે.
બીજી તરફ, પાંચ કે છ ગ્રહોની સીધ રચાવાની ઘટનાને અનોખી, અસાધારણ કે વિરલ કહી ન શકાય. કારણ કે સરેરાશ વીસ વર્ષે એવો પ્રસંગ આવતો હોય છે. સમજૂતી ખાતર ગુરુ અને શનિનો દાખલો લઈએ. અવકાશમાં ગ્રહોની ભ્રમણકક્ષાનું કલ્પિત વર્તુળ ૩૬૦ અંશનું હોવાનું ગણી લો. સેકન્ડના ૧૩ કિલોમીટરના વેગે પ્રદક્ષિણા લેતો ગુરુ ૧ વર્ષના સમયગાળામાં તે વર્તુળના ૩૦ અંશ જેટલા ફલકનો પ્રવાસ ખેડી નાખે છે. ગુરુ પછીની ભ્રમણકક્ષામાં બિરાજેલો અને સેકન્ડના ૯.૬૯ કિલોમીટર લેખે આગળ વધતો શનિ એટલા જ સમય દરમ્યાન અવકાશના ૧૨ અંશ જેટલા ફલકની સફર કરે છે. આમ, બન્ને પિંડ વચ્ચે એક વર્ષના અંતે ૩૦ માઈનસ ૧૨ = ૧૮ અંશના ફલકનો તફાવત રહી જાય છે. તફાવતના એ આંકડાને ૨૦ વર્ષ સાથે ગુણી કાઢતાં જવાબ ૩૬૦ મળે, જે ભ્રમણકક્ષાના પૂર્ણ વર્તુળનો સૂચક છે. સૂચિતાર્થ એટલો કે ગુરુ અને શનિ દર વીસ વર્ષે એકબીજાની સીધમાં ગોઠવાય છે. અંતરિક્ષમાં દરેક ગ્રહની ઝડપ તેમજ એક વર્ષમાં ખેડાતા અવકાશી ફલકનો અંશ જાણી લો, તો તેમના આધારે પ્લેનેટરી પરેડનું મુહૂર્ત ગણી કાઢવું અઘરું નથી.
■■■
હવે વાત આવતી કાલે ગુરુ, બુધ, પ્રજાપતિ, મંગળ, વરુણ અને શનિ એમ છ ગ્રહોની થનારી યુતિ વિશે. જૂન ૩ના સૂર્યોદયની થોડી મિનિટો પહેલાં પૂર્વ દિશાના આકાશમાં એ ગ્રહો સમાંતર ગોઠવાવાના છે, પણ સાવ સીધી લીટીમાં નહિ. છએ છ ગ્રહો નરી આંખે દેખાશે એ પ્રચલિત માન્યતાને તો માન્યતા જ ગણવી રહી. કારણ કે…
(૧) ગુરુ અને શુક્રના પિંડ ક્ષિતિજથી થોડેક ઊંચા ઝળૂંબતા રહેવાના છે. શહેરી મકાનોના અવરોધ પાછળ તેઓ ઢંકાઈ જાય, માટે શહેરથી દૂર સપાટ મેદાની/ ખેતરાઉ પ્રદેશમાં જવું રહ્યું. અલબત્ત, ત્યાંથી પણ તેમનાં દર્શન થોડી વાર પૂરતાં જ થવાનાં, કેમ કે બન્ને ગ્રહોનો ફાનસછાપ ઝાંખો પ્રકાશ ચડતા સૂર્યના પ્રખર તેજ સામે ‘ધોવાઈ’ જવાનો છે.
(૨) રાતો ગ્રહ મંગળ અને વલયધારી શનિ પૃથ્વીની ક્ષિતિજથી ઘણે ઊંચે બેઠક જમાવવાના હોવાથી નરી આંખે એ બન્નેનો તગતગાટ બિંદુરૂપે જોવા મળશે. છતાં એકાદ પાવરફુલ બાઇનોક્યુલર ઉપયોગમાં લઈ શકો તો સારું.
પૂરક જાણકારી : બજારમાં મળતાં બાઇનોક્યુલર્સ પર 7×35, 10×50, 12×70 વગેરે જેવાં અંકો લખેલાં હોય છે, જે તેમની કાર્યક્ષમતા સૂચવે છે. જેમ કે, 7x નું દૂરબીન દૃશ્યને સાત ગણું મોટું કરીને દર્શાવે, તો 12xનું દૂરબીન દૃશ્યને બાર ગણું એન્લાર્જ કરી આપે. અંગ્રેજી x પછીનો અંક (દા.ત. 35, 50, 70) દૃશ્ય તરફ તકાતા ઓબ્જેક્ટિવ લેન્સનો મિલિમીટરમાં વ્યાસનો સૂચક છે. ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ જેટલો વધુ, એટલા વધુ વિસ્તારનાં દૃશ્યકિરણોને તે ગ્રહણ કરી શકે.
(૩) સૂર્યમાળાના છ ગ્રહોની પ્લેનેટરી પરેડમાં વરુણ અને પ્રજાપતિ પણ સામેલ થવાના છે. અલબત્ત, નરી આંખે તેમનાં દીદાર થવાં મુશ્કેલ છે. એક તો બન્ને અવકાશી ગોળા પૃથ્વીથી અનુક્રમે ૪.પ૩ અબજ તથા ૩ અબજ કિલોમીટર દૂર છે. બીજું, તેમના magnitude/ મેગ્નિટ્યૂડ/ તેજાંક અનુક્રમે ૭.૭૮ અને પ.૬૮ હોવાથી બન્નેની સપાટી પરથી નીકળેલાં સૂર્યપ્રકાશનાં પરાવર્તિત કિરણો પૂરતા પ્રમાણમાં પૃથ્વી સુધી પહોંચતાં નથી.
અવકાશી તારા યા ગ્રહની તેજસ્વીતાને આંકડામાં દર્શાવવા માટે વિજ્ઞાનીઓએ મેગ્નિટ્યૂટ સ્કેલ બનાવ્યો છે. સ્કેલ પર જેનો આંકડો ઊંચો તે અવકાશી પિંડની તેજસ્વિતા ઓછી, જ્યારે નીચા આંકવાળો પિંડ વધુ પ્રકાશિત ગણાય છે. દા.ત. આપણા સૂર્યનો તેજાંક માઇનસ ૨૭ જેટલો છે. પૂનમના ચંદ્રનો મેગ્નિટ્યૂડ માઇનસ ૧૨ છે. અંગ્રેજીમાં જેને ઇવનિંગ સ્ટાર કહેવાય તે શુક્રનો ગ્રહ માઇનસ ૪ તેજાંકે ઝળકે છે.
આ સ્કેલ પર અનુક્રમે પ્લસ પ.૬૮ અને પ્લસ ૭.૭૮ના મેગ્નિટ્યૂડ ધરાવતા પ્રજાપતિ તથા વરુણ તો એટલા ઝાંખા કહેવાય કે નરી આંખે તેમને શોધી કાઢવાનું અત્યંત મુશ્કેલ બને. પાવરફુલ ટેલિસ્કોપ તેમના અવલોકન માટે અનિવાર્ય થઈ પડે. આથી ૩જી જૂને યોજાનારી પ્લેનેટરી પરેડમાં પ્રજાપતિ-વરુણની હાજરી હોવા છતાં પ્લસ ૬ અને તેથી વધુનો તેજાંક પારખી ન શકતી માનવ આંખ માટે તેઓ ગેરહાજર!
આ મર્યાદાઓ છતાં કાલની યુતિના બહાને ખગોળશાસ્ત્રના જ્ઞાનસાગરમાં ઊતરવા માગતા હો તો આજની રાતનો મીઠો ઉજાગરો મુબારક હો!■