ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપીના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે. ડાબા હાથનો આ બેટ્સમેન છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે અને હવે આ ખેલાડી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાનો છે. રિંકુ સિંહની મંગેતરની વાત કરીએ તો તે માત્ર 25 વર્ષની ઉંમરમાં સાંસદ બની ગયા હતા. તેમણે મછલી શહેરથી લોકસભા ચૂંટણી જીતી હતી. પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહ્યાં છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો.
દિગ્ગજ ભાજપ નેતાને હરાવીને બન્યા સાંસદ
પ્રિયા સરોજે ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં એન્ટ્રી કરી હતી. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજ પણ મછલી શહેર લોકસભા બેઠકથી ત્રણ વખત સાંસદ રહ્યાં છે. તેમણે વર્ષ 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી. તે બાદ તેમના પુત્રી પ્રિયા સરોજે મછલી શહેરનું પ્રતિનિધત્ત્વ કર્યું અને દેશના બીજા સૌથી યુવાન સાંસદોમાંના એક છે.
રિંકુ સિંહ છે કમાલનો ક્રિકેટર
રિંકુ સિંહને કોઈ પરિચયની જરૂર નથી. ડાબા હાથનો આ બેટ્સમેન ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. ટી20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન કમાલનું રહ્યું છે. રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 30 ટી20 મેચોમાં 46 થી વધુની સરેરાશથી 507 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઈક રેટ પણ 160થી વધુનો છે. રિંકુએ ટીમ ઈન્ડિયા માટે 2 વનડે મેચ પણ રમી છે. આ સિવાય રિંકુ સિંહ આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો મહત્ત્વનો ભાગ છે. રિંકુ સિંહને આઈપીએલ 2025 માટે કોલકાતા નાઈટ રાઈડર્સે રિટેન કર્યો હતો. રિંકુ સિંહને આ સીઝન માટે 13 કરોડ રૂપિયા મળશે.