વર્તમાન નાણાં વર્ષમાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ ગયા નાણાં વર્ષની સરખામણીએ બે ટકા ઘટી ૧૪ ટકા આસપાસ રહેવાની રેટિંગ એજન્સી ક્રિસિલે ધારણાં મૂકી છે. નાણાં વર્ષ ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં આર્થિક વિકાસ ધીમો પડવાને કારણે ધિરાણ ઉપાડ પર અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક દ્વારા અનસિકયોર્ડ લોન માટેના રિસ્ક વેઈટમાં વધારાને કારણે પણ ધિરાણ વૃદ્ધિને મંદ પાડી છે.બેન્કોમાં થાપણ પ્રવાહ ધીમો પડતા તેની પણ ધિરાણ પર પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે. ધિરાણ માગ માટેના મૂળભૂત પરિબળો ટકી રહ્યા છે અને ખાનગી કોર્પોરેટ દ્વારા મૂડીખર્ચમાં વધારો ધિરાણ વૃદ્ધિને ટેકો આપશે. કુલ બેન્ક લોન્સમાં ૪૫ ટકા હિસ્સો ધરાવતી કોર્પોરેટ લોન્સમાં વર્તમાન નાણાં વર્ષમાં ૧૩ ટકા વધારો થવાની ધારણાં છે. જ્યારે રિટેલ લોન વૃદ્ધિ જે ગયા નાણાં વર્ષમાં ૧૭ ટકા રહી હતી તે મંદ પડી ૧૬ ટકા રહેવાની પણ એજન્સીએ ધારણાં મૂકી છે. આમછતાં સૌથી વધુ વૃદ્ધિ રિટેલ લોન્સમાં જોવા મળવાની ધારણાં છે. કોર્પોરેટ લોનમાં સ્ટીલ, ફાર્મા તથા સિમેન્ટ ક્ષેત્રમાં મૂડીખર્ચમાં વધારો થવાની અપેક્ષા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. કૃષિ ધિરાણ વૃદ્ધિનો આધાર ચોમાસાની સ્થિતિ પર રહેશે.