અનાવૃત-જય વસાવડા.

– નિર્દોષોને વગર વાંકે પોતાની વિચારધારા ખાતર મારી નાખનારા જો ત્રાસવાદી કહેવાય તો પોતાના ભ્રષ્ટાચાર માટે એવી જ હરકત કરનારા પણ આતંકવાદી છે! 

એ વું લાગે છે કે ભગવાન મટી ગયો જગ-ભૂપ. નહીં તો એણે કેમ કહ્યું નહીં અગ્નિને કે ‘ચૂપ’? આ જમાનામાં હશે શિશુ એક કૈંક માબાપને.

એનેય અગ્નિ ભરખી ગ્યો,હાય હાય રે ! ભૂંડું થયું.

કો નાના બાળકને લઈ આવ્યાં હશે મા-બાપ બે.

સૌનેય અગ્નિ ભરખી ગ્યો,હાય હાય રે! ભૂંડું થયું.

તો કોઈ ઘેર કહ્યા વિના દોસ્તો હશે રમવા ગયાં

સૌનેય અગ્નિ ભરખી ગ્યો,હાય હાય રે! ભૂંડું થયું.

ભગવાન દયાળુ મટી ગયો,નહીં તો આ દયનીય હાલ કેમ ?

કોણ મર્યું ? કોનું મર્યું ? પ્રભુ વર્તી ગ્યો ક્રૂર કાળ જેમ.

વયોવૃદ્ધ વિદૂષી નારી રક્ષાબહેન દવેએ રાજકોટના હીબકાંનો પ્રતિઘોષ આપતા આ કવિતા લખી. પણ આમાં ઉપરવાળા ભગવાને તો કદાચ નીચેવાલાને પોતાના નામે વેપલો કરતા જોઇને કંટાળીને મોં જ ફેરવી લીધું છે. રાજકોટ ગેમઝોનમાં જે થયું એ કોઈ અકસ્માત નથી. ભ્રષ્ટાચારીઓએ કરેલું મર્ડર જ છે. એવું જ હરણી તળાવ કે મોરબીના ઝૂલતા પુલમાં થયેલું. કેટલાક ડૂંટીડાહ્યા શિખામણો દેશે કે ના, ના લોકોએ ધ્યાન રાખવું જોઈએ, આવી જગ્યાએ કદી જવાય જ નહિ, બરાબર સર્ટી ચેક કરવા જોઈએ ને વગેરે. આ કામ શું લોકોનું છે ? તો સરકાર શું નેતાઓના ઘર ભરવા ને પોસ્ટર ચિપકાવવા પુરતી રાખી છે ? ફિલ્મની ટિકિટ લે ત્યારે શું માણસ પૈસા આપી પછી બિલ્ડિંગનો પ્લાન જોવા બેસે કે આ સેફટી નોર્મ્સ મુજબ થયું છે કે નહિ ? આ કામ સરકારનું છે. પ્રશાસનનું છે, તંત્રનું છે. જેમાં હવે નિર્ણયની ધાક હોય એવી નિષ્ઠાવાન પ્રામાણિક વ્યક્તિઓ ભાગ્યે જ જોવા મળે છે. વર્ષો સુધી કેસ ચાલ્યા કરવા ને ન્યાય પણ ના મળતા હોય તો લોકો જાય ક્યાં ને કરે શું ? 

સરકારે એવી ચેતવણી આપેલી હતી કે હિટવેવમાં બહાર નીકળવું નહીં. ભરબપોરે બહાર નીકળશો તો તાપમાન બહુ વધારે હશે ગરમી અને લુ લાગી જાય તો લીંબુ શરબત પીવું. નાળિયેર પાણી પીવું. ઠંડા પાણીથી હાઈડ્રેેટ રહેવું. પણ આવી જ એક ગરમ બપોરે રાજકોટના ગેમ ઝોન ની અંદર વેકેશનમાં થોડી ઘણી મોજ લેવા માટે ગયેલા બાળકોને અને એમની સાથે રહેલા યુવાનો કે વાલીઓને ભડભડતી અગનજ્વાળામાંદઝાડી દેતું મોત મળ્યું. એવું મોત કે જેની અંદર મૃતદેહોના ફોટા જોઈએ તો પણ કમ કમાટી છૂટી જાય. જેમાં હાડકા ઉપર વીંટાળેલા બળેલા કોલસા જેવા માંસ સિવાય ઓળખ માટે પણ કશું જ વધ્યું ન હોય એવા ફાટેલા જ્વાળામુખી ની અંદરથી રાખ બની ગયેલી લાશો !

આ તો એસીમાં બેસીને આપણે જોયું પણ એકચ્યુઅલી જ્યારે ગેમ ઝોનમાં સેંકડો લીટર પેટ્રોલીયમ પડયું હોય ને વેલ્ડીંગ ચાલ્યું હોય ને ચાલાકી કરી બાંધકામ પાકું ના કર્યાના નામે ફાયર એનઓસી ના લીધું હોય ને અગ્નિશમનસાધનો શોભાના ગાંઠિયા જેવા હોય…. એમાં નરક જેવી આગ ભભૂકી હશે અને આ લાચાર બિચારા રમતારમતા સાવ અચાનક કાળનો કોળિયો બની ગયેલા લોકોએ બળતરામાં ચીસો પાડી હશે એનું શું ? ૪૫  ડિગ્રી તાપમાન જો આપણા પગ ખુલ્લા જમીનને અડી જાય કે તડકામાં વૃક્ષવિહીન સડક પર રાખેલી બાઇકની સીટ પર બેસતા પણ ગરમ તવા પર બેઠા હોય એવો છમકારો નીકળી જાય, ત્યારે આવી પ્રચંડ ગરમીમાં ભડથાની જેમ શરીર શેકાઈ જાય એ વિચારીને પણ કમકમાટી છૂટી જાય છે !

અને એટલે જ વિવેકથી ભલે આપણે એને દુર્ઘટના કહીએ કે ટેકનિકલી એને અકસ્માત કહીએ વાસ્તવમાં તો ગુજરાતમાં અને ભારતમાં વાર તહેવારે બનતી આવી દરેક ઘટનાઓ ક્રૂર ત્રાસવાદી હત્યાકાંડ જ હોય છે. નિર્દોષોને વગર વાંકે પોતાની વિચારધારા ખાતર મારી નાખનારા જો ત્રાસવાદી કહેવાય તો પોતાના ભ્રષ્ટાચાર માટે એવી જ હરકત કરનારા પણ આતંકવાદી છે ! હા એ પહેલા તકવાદી છે, એટલો ફરક મોરબીના ઝૂલતો પુલ હોય કે વડોદરા નું હરણી તળાવ હોય સુરતનું તક્ષશિલા હોય કે અમદાવાદનું કાંકરિયા હોય ક્યાંય સલામતી રહી નથી. રાજકોટમાં તો કોરોના વખતે એક હોસ્પિટલ ની અંદર જ એવી આગ લાગેલી કે જીવન બચાવવા માટે દાખલ થયેલા દર્દીઓનું જ જીવન છીનવાઈ ગયેલું આવી ઘટના પાછળથી અમદાવાદથી દિલ્હી સુધી બની છે પણ એને કારણે ફાયર સેફ્ટી બાબતે જાગૃત થવાનો તણખો કોઈના દિમાગની અંદર ધબક્યો હોય એવું લાગતું દેખાતું નથી. 

આપણું ફાયર ડીપાર્ટમેન્ટ પણ ઘણી વાર ચુસ્ત કરતા સુસ્ત વધુ જોવા મળે છે. પરદેશ જેવી ફાયર સિક્યોરિટી આપણે ત્યાં સ્વપ્નવત છે. બધા તરત કામ કરતા નથી કે પૂરતા જરૂરી સાધનો હોતા નથી. હોય એ કાગળ પર હોય છે. ગુજરાતમાં ધમધમતી ઇન્ડસ્ટ્રીઝ છે. પણ માંડ ૧૫ – ૨૦ ટકા ધંધાદારીઓ ઈન્ડસ્ટ્રીયલ સેફટી માટેના પ્રોફેશનલ્સને સારા પગારે રાખતા હશે. હોય તો પણ સાવ મામુલી પગારે. દરેક વાતમાં કટકી કરી લેવાની આપણી આદત છે. રાજકોટ ગેમઝોનમાં મટીરીયલ પણ રાબેતા મુજબ હલકું ને તકલાદી હતું. આમ જ બ્રિજ તૂટી પડતા હોય છે કે નવા રોડ એક વરસાદમાં ધોવાઈ જતા હોય છે. તો પણ ફરીફરી એ જ મળતિયા કમાઈ લેતા હોય છે કારણ કે ભાગબટાઈ થતી હોય છે. 

ફાયર સેફટીની બહુ હો હા થશે તો શું એ વધુ જશે ? ના, માત્ર એ વિભાગ સાથે સંકળાયેલા લોકોને ઉપરની આવક મેળવવાની તક વધુ જશે. આપણે ત્યાં સારા ઈરાદાથી નિયમો બને પણ એમાં જે તે વિભાગમાં સેટિંગ તરત શરુ થઇ જતા હોય છે. નોટબંધીમાં શું જોયેલું આપણે ? એના નામે બીવડાવવામાં આવે લોકોને. અને કેટલાય લોકો પણ અદકપાંસળી હોય. પોતાનું સાજુ કરવા માટે ભગવાનને પણ ઉલ્લુ બનાવી જાય. એટલે કુલડીમાં ગોળ ભંગાઈ જાય નવા અકસ્માતમાં નિર્દોષો હણાઈ ના જાય ત્યાં સુધી. એક આર્કિટેક્ટ મિત્રે થોડા મહિના પહેલા અફસોસ સાથે કહેલું કે મોટા બિલ્ડરો હોય કે છોટા કોઈને પ્લાનમાં સેફટી માટે જોગવાઈના ખર્ચા ગમતા નથી અપવાદો બાદ કરતા બધા એમાં ઘાલમેલ કરીને પ્લાન પાસ કરાવવાનું દબાણ કરતા હોય છે નિયમ મુજબની જગ્યા તો શાળાઓ પણ છોડતી નથી. પાર્કિંગમાં ક્લાસ ચલાવે એવી સ્કૂલો કેવી રીતે આગ લાગે ત્યારે શું કરવું એ વિદ્યાર્થીઓને શીખવાડી શકે ? સાધનો ડેકોરેશનની જેમ તો ગોઝારા ગેમઝોનમાં પણ હતા. પણ ચલાવવાની ટ્રેનિંગ ક્યાં ? 

આપણી ડીઝાસ્ટર મેનેજમેન્ટની વાતો પૂર હોય કે ધરતીકંપ મોટે ભાગે કાગળ પર રહે છે. સેફટી કાઉન્સિલ હોય એની પણ ખબર કેટલાને છે ? એન્ટ્રી સાથે અલગ ઈમરજન્સી એક્ઝીટ ને હવાની અવરજવર ને એવા માપદંડ કેટલા ફોલો કરે છે. સેફ્ટીના એક્સપર્ટ કૌશિક વ્યાસ કહે છે જ્યાં જયાં શક્ય હોય ત્યાં ઓટોમેટિક ફાયર કર્ટન લગાડવા જોઈએ જે આગ ને ધૂમાડાને ફેલાવા ના દે. દરેક જગ્યામાં ફ્લેમ ફાયર રીટારડનટ વાયર કેબલ લગાડવા જોઈએ વીઓ, વીઆઈ ગ્રેડના. દરેક આવી જગ્યા સ્મોક ને ફાયર ડીટેકટર સાથે એલાર્મ સીસ્ટમ લગાડવી જોઈએ. પ્રથમ દરેક કોમર્શિયલ જગ્યા પર સર્ટીફાઇડ સેફ્ટી ઓફિસર નીમવા  પડે. જેતે જગ્યાના ઓફિસ શોપવાળા સાથે મળીને  તેમણે દર અઠવાડિયે સેફ્ટી ઓડિટ સેફ્ટી ઓફીસર સાથે તે કામ કરી તેનો રીપોર્ટ સેફ્ટી કાઉન્સિલ ને ફાયર ડાયરેકટરને મોકલવો જોઈએ.

સેફટીની તો વાત જ આપણે ત્યાં એક જોક લાગે એવી છે. અહીં કરોડપતિ લોકો પણ શેરીની અંદર રખડતા કુતરા કરડી જાય કે હુમલો કરે એમાં સ્વધામ પહોંચી જાય છે, અને છતાં એ બાબતે દયાવાન તંત્ર કોઈ હરકતમાં કદી આવતું નથી. ગાયને માતા કહીને બીફ બાબતે ચીડ ધરાવતો દેશ ગૌમાતાને રીતસર રસ્તે રઝળતી મૂકી પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર કરતો હોય છે અને એને લીધે સેકડો અકસ્માતો થતા હોય છે પણ આ મુદ્દે ફરિયાદ કરવા ક્યાંય કોઈ શિંગડા ભરાવતું નથી. કેમેરા આવી ગયા એટલે ઓવરસ્પીડિંગ નો ચાર્જ લેવા માટે ગાડીઓ લઈ લઈને આખા ગુજરાતમાં કે ભારતમાં પોલીસવાળાઓ જાગૃત હોય છે, કારણ કે એમાં રોકડા ખંખેરવા મળે છે. પણ આડેધડ થતા ઓવરટેક વારંવાર થતાં ટ્રાફિકજામ પોતાની લેનની બહાર નીકળીને કોઈ નિયમોના પાલન વિના બેફામ થતું રહેશે. ડ્રાઇવિંગ કોઈ કંટ્રોલ વિના કે આવડત વિના રોંગ સાઈડ હેલ્મેટ વિના કે સીટ બેલ્ટ વિના ચલાવતા ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ આવી કોઈ બાબતે આપણે સલામત નથી. 

ચોમાસુ આવશે એટલે હમણાં જ તમને સડક પર ખાડા જોવા માટે મળશે. આખેઆખી કાર અંદર બેસી જાય એવા ભુવા પડશે. કોઈ રોડ પર એને બનાવનાર કોન્ટ્રાક્ટરનું કે મંજૂર કરનાર અધિકારીઓનું પાટીયુ જોવા મળતું નથી. આખે આખા પુલ ફસકી જતા હોય છે. એવા તકલાદી કામ કરનારાઓને પાછા નવા કોન્ટ્રાક્ટ પણ મળી જતા હોય છે સલામતી કેવી? અહીં તો સાહિર  લુધિયાનવી પ્યાસામાં લખી ગયેલા એમ યહાં જિંદગી સે હૈ મોત સસ્તી જેવો ઘાટ છે. વસ્તી બહુ વધારે છે. વોટ આપનારા અને સીટ જીતાડનારા મળી રહે તો પછી ગુજરી જાય ત્યારે હોબાળો થાય એના ટુકડા ફેંકવા માટે પૈસા તમારામારા ટેક્સના ખિસ્સામાંથી જ કાતરવાના થાય છે. પક્ષના લાભ માટે તો ઇલેક્ટ્રરલ બોન્ડ પડયા જ હોય છે.

યાદ છે મુંબઈની અંદર કમલા મિલ્સ ની અંદર આમ જ ફાયર સેફ્ટીનાપાલન કર્યા વિના જ ખડકી દેવાયેલા રેસ્ટોરમાં આગ લાગતા કેટલાય જુવાનિયાઓ જીવતા ભુંજાઈ ગયા હતા ? પછી ખૂબ હોહા થાય ત્યારે તો બધા જ અધિકારીઓ અને સરકારી તંત્ર જોરદાર લાલ આંખ કરીને નાની મોટી બધી જ જગ્યાએ તૂટી પડે. સામાન્ય રેકડીવાળા કે રિક્ષાવાળાઓ કે રાહદારીને પણ શિસ્તમાં લેવા માટે કોશિશ કરે અને ઝૂલતા લોલકની જેમ સમય પસાર થતાં તરત બધું જ પાછું ઠંડુગાર થઈ જાય. વળી પાછી એ હપ્તાખોરી, એ જ બેદરકારી, એ જ ઢીલાશ અને એ જ બધી કમનસીબ લાશ !

હમણાં વાવાઝોડાની અંદર મુંબઈમાં એક વિરાટ હોર્ડિંગ પડી ગયું એ સમાચાર ખબર જ હશે. કેટલાય લોકો ત્યાં પેટ્રોલ પંપ હતો એમાં ચગદાઈ મર્યા. હોર્ડિંગ જેણે લગાવ્યું હતું એ પણ એક માથાભારે શખ્સ. એટલે આટલા વર્ષોથી નિયમોના પાલન વિનાનું ઊડીને આંખે વળગે એવું વિશાળ હોર્ડિંગ હોવા છતાં કોઈએ હટાવવાની તજવીજ કરી નહોતી. સાચી વાત તો એ કે તજવીજ કરી હોય પણ પછી તોડબાજી થઈ હોય. મૂકનારાના પોતાના પર્સનલ સેટિંગ હોય ઉપલા લેવલે એની ઓળખાણ હોય કે નીચલા લેવલે માથાભારે ગણાતો હોય. ખેર મુદ્દાની વાત તો એ છે કે હોર્ડિંગ જ નહીં એ જેની બાજુમાં હતું એ પેટ્રોલ પંપ પણ પૂરેપૂરો કાયદેસર ન હતો આપણે ત્યાં તો ગેરકાનૂની ટોલનાકાઓ અને નકલી આરટીઓ ઓફિસો બની જાય છે !

ગંદી નાલી કે કીડે સબ મિલે હુએ હૈ. રાજકોટના હવે ભૂતિયા બની ગયેલા ગેમઝોનમાં ઉદ્ઘાટન સમયનો ફોટો જાંબાઝ પત્રકાર દેવાંશી જોશી એ બતાવ્યો હતો. એ ઉદ્ઘાટનમાં કલેકટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ એસપી ડીસીપી બધા જ મોટા માથાઓ હાજર રહ્યા હતા ! રાબેતા મુજબ જગ્યા કોઈના નામે હતી, ભાડે કોઈને અપાયેલી હતી, ચલાવનારા બીજા કોઈ હતા. એકચ્યુલ હાજર સ્ટાફ ત્રીજો જ હતો. પણ આટલા બધા ઉચ્ચ અધિકારીઓ એક ગેમઝોનના ઉદ્ઘાટન માટે કેવી રીતે પહોંચી જાય ? એવી રીતે કે એની સાથે સંકળાયેલા માથાભારે માથાઓ ઉપલા લેવલ સુધી સેટિંગ ધરાવતા હોય. નાની મોટી એમની કોઈ ફાયદો કરાવી દેતી ગેરકાનૂની ચેનલ ચાલતી હોય કે પછી ધંધો કરવા માટે અનિવાર્ય પણે જેમની સાથે મજબૂરીમાં ભાગીદારી કરવી પડે એવી લોકલ લેવલે દાદાગીરીની છાપ હોય. પણ આપણે ત્યાં નીચલા લેવલના કર્મચારી સિવાય ઉપલા લેવલના અધિકારીઓ આવી ઘટના બને ત્યારે બહુ તો સસ્પેન્ડ થાય. ઘેર બેઠા પગાર ખાય. પણ કદી નોકરીમાંથી બીજી વાર નોકરી ન મળે એવી રીતે ડિસ્મિસ ન થાય કે અન્ય માટે દાખલો બેસે. દાખલો બેસી એવી સજાઓની વાત સ્થળ પર ધસીને નિરીક્ષણ કરનારા નેતાઓ કરે પણ મોરબીના ઝુલતા પુલમાં પણ ક્યાં દાખલો બેસ્યો છે ? સજાની અમલવારી પૂરેપૂરી શરૂ થઈ ? ઊલટું કેટલાય માત્ર પક્ષભક્તિ માટે મંજીરા વગાડતા ટોળાએ એ તો ત્યાં ફરવા 

ગયેલા લોકોનો જ વાંક હતો અને માનવસર્જિત હોનારત માત્ર ટીકીટ ખર્ચીને બે ઘડી આનંદ કરવા ગયેલા સહેલાણીઓએ  નોતરેલી એવો જુઠો પ્રચાર કરેલો અને વિજ્ઞાનના નામે કેટલાક એકાંગી તર્ક દુષ્ટો એ પાછું એનું સમર્થન પણ નફરત થઈને કરેલું. વડોદરામાં તો આ કટારમાં આંસુ સાથે લખ્યો એવો લેખ પણ કોઈએ લખ્યો નહોતો. 

પ્રજા એવી કે બધું ભૂલીને નેતાઓને ડર રહે એવી રીતે ચૂંટણીમાં દબાણ કરવાને બદલે કદાચ ધાર્મિકતાના ભગવા કેફમાં ચૂંટણી આવી ત્યારે ત્યાં જ આળોટી પડી. ભ્રષ્ટાચાર બાબતે આપણે એકદમ ભૂલકણા છીએ કેટલા વર્ષોથી એની વાતો કરીએ છીએ પણ પોતાને ફાયદો થાય ત્યારે સગવડ જોઈને એને સમર્થન પણ આપતા રહીએ છીએ. આપણા બધા જ સડક પર આવીને ટોળા જમાવીને રાજકારણીઓ ઉપર કે સત્તા કરતા શાસન ઉપર પ્રેશર કરવાના એજન્ડા કા તો ધાર્મિક લાગણી દુભાવાના હોય છે અને કાં તો જ્ઞાતિના હોય છે. આપણે ભૂતકાળમાં સતત જોયા કરીએ છીએ અને ભવિષ્યની પેઢી માટે ભારત કેવું બનાવવું જોઈએ એનો કોઈ વિચાર કરતા નથી.

આપણે સંસ્કૃતિની મોટી મોટી અને ખોટી ખોટી વાતો કર્યા કરીએ છીએ પણ ખરેખર નૈતિક સંસ્કૃતિ કેમ વિકસાવવી જોઈએ અને વૈજ્ઞાનિક સંસ્કૃતિ કેવી રીતે વિકસે એ બાબતે કોઈ પહેલ કરતા નથી. પરદેશ વધુને વધુ ક્રીમ કહેવાય એવી ટેલન્ટ એટલે રહેવા જતી રહે છે. પાપપુણ્યની વાતો કરનારા પણ ધર્મના નામે ગોરખધંધા કરે છે. વિદેશમાં આવી લાલિયાવાડી નથી. ભલે બિકીની ને પાર્ટી હોય. કરુણતા એ છે કે આપણે ધાર્મિક છીએ નૈતિક નથી આપણે રિલિજીયસ છીએ. મોરલ નથી સાદીસીધી વાત છે કે આપણે સંસ્કાર અને સંસ્કૃતિના ભાષણો જ કર્યા કરીએ છીએ અને સલાહો જ આપ્યા કરીએ છીએ અને પશ્ચિમને ભાંડિયા કરીએ છીએ. પણ પશ્ચિમ જેવા પ્રામાણિક મોરલ સ્ટાન્ડર્ડ આપણે કદી કેળવી શક્યા નથી. એક નંબરનું દંભીસ્તાન ચાલે છે આપણે ત્યાં સંસ્કાર ને સંસ્કૃતિના નાટક કરતું.  આપણા જાહેર જીવનમાં પારદર્શકતા નથી. નાગરિકોમાં જાગૃતિ નથી. આપણે જવાબદાર નાગરિક તરીકે વર્તી શકતા નથી. અને આપણા અધિકારીઓમાં કે રાજકારણીઓમાં ઇગો એટલો બધો હોય છે કે એ સારી અને સાચી વાતનો અમલ કરવા કરતા પર્સનલ માઠું  લગાડવાની માથાકૂટમાં ટાંટીયા ખેચ કરતા રહે છે, ને સત્તા ટકાવી સેવાના નામે મેવા કમાય છે. 

વિચારો કે આપણે સી વેબ સિરીઝ કેવી હોવી જોઈએ અને ફિલ્મો કેવી બનવી જોઈએ ને એવી કાલ્પનિક બાબતોમાં એટલી બધી કાગારોળ કરીશું, કે સરકાર ખુશ ખુશ થઈને વધુને વધુ સેન્સરવાળી ઓર્થોડોક્સ ને સરમુખત્યાર થતી જાય અને આપણા જ અભિવ્યક્તિના અવાજનું ગળું દબાવતી જાય, એનું લાયસન્સ એને આપતા જઈશું. કારણ કે આપણને એમ લાગે છે કે નવી પેઢી અઅશ્લીલ થઈને કારણે બગડી જશે. અરે, આ મનફાવે એમ વર્તવાની હપ્તાખોરી, ભ્રષ્ટાચાર, જાલસાઝી, લાગવગશાહીની છેતરપિંડી વગેરે ચોમેર ચાલતું અંધેર તંત્ર એ નથી લાગતું તમને અશ્લીલ ?  કલાકારોના અવાજ દબાવીને કે સૌંદર્ય શૃંગારની વાતો બંધ કરાવીને કે એકાદ નિવેદન માટે માફી મંગાવીને  મોટી બહાદુરી ફીલ થાય છે. પણ લોકલ માથાભારે તત્વોની સાઠગાંઠ જે ચાલતી હોય છે એની સામે બોલવામાં તો પીદુડી નીકળી જાય છે. ત્યાં કોઈને સંસ્કૃતિ યાદ નહીં આવે. ભગવાનના મોટા મોટા ઉત્સવો કરનારા લોકો પણ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોય છે. અને ઘર ભરવા માટે જ કેટલાક તો નેતાગીરીની અંદર આવતા હોય છે.રોષમાં આવીને ક્યારેક પ્રજા નેતાઓ બદલી નાખે છે પણ ભ્રષ્ટાચાર કદી આ દેશમાંથી જતો નથી. કારણ કે સરકારો ગમે તેટલી બદલ્યા કરીએ લોકશાહીમાં એ કેવળ પ્રજાનું પ્રતિબિંબ પાડશે. એટલે આપણે જો નહીં બદલાઈ એ અને નાગરિકહક અને નાગરિક હિત માટે સ્પષ્ટ મુદ્દાસર રોકડો અવાજ ઉઠાવતા નહીં થઈએ તો કદી કોઈ ફરક પડવાનો નથી. યથા પ્રજા તથા રાજા એમ જ લોકશાહી ચાલે અને ઠોકશાહી કરતા તો એ બેટર જ છે કે આટલું આપણે બોલી લખી શકીએ છીએ.

કોરોના પણ ભૂલી જઈને ધર્મના નામે ઉન્માદમાં આવી જતી ઘેલા ઘેનમાં રહેતી તમાકુબાજ પ્રજા આવા મુદ્દાને કદી ઈલેકશનમાં આગળ કરતી નથી. તો પછી નેતાઓ શું કામ એના પર કામ કરે. જેવી ડિમાંડ એવી સપ્લાય. સરખું અંગ્રેજી કે હિન્દી આવડે નહિ એવા લોકો માથે ચડી જાય. કાયમનો અનુભવ છે કે ગાંધીજી હોય કે કિસાન કે નવનિર્માણ કે કટોકટી વગેરે જન આંદોલન. સત્ય સામુહિક રીતે સંગઠિત ના થાય, મક્કમ અને નીતિવાન ના રહે ત્યાં સુધી સરકારોને કોઈ ફર્ક પડતો નથી. વેદની વાતો કરતા આપણે હજુ કેટલી વેદના વાંચીશું આવી ? 

ઝિંગ થિંગ 

જો મારે મરવું પડે તો 

તમારે જીવવું પડશે.

મારી કથા કહેવા માટે,

મારી વસ્તુઓ વહેંચવા માટે ,

એક કપડું અને થોડીક દોરીઓ ખરીદવા માટે 

(બની શકે તો લાંબી દોર લેજો)

જેથી 

ગાઝામાં ક્યાંક એક બાળક 

કે જેનો પિતાએ ખુદની, કોઈની પણ,

અરે ખુદના માંસમજ્જાની વિદાય લીધા વગર 

અગનજ્વાળા ઓઢી લીધી 

એ બાળક જ્યારે આકાશ તરફ મીટ માંડી 

પોતાના પિતાની રાહ જોતો હોય 

ત્યારે એક પતંગ જુએ,

અને એક ક્ષણ માટે વિચારે 

કે આ દેવદૂત છે ,

જે ફરીથી પ્રેમના પાઠ પઢાવશે.

જો મારે મરવું પડે તો 

ભલે એમાંથી આશા જન્મે 

એક કથા જન્મે.

(રિફાત અલ્લારીર, ઇઝરાયેલ પેલેસ્ટાઈન સંઘર્ષના બોમ્બમારામાં મૃત્યુ પામનાર કવિ )