જ્યારે પણ કોઈને રોકાણ કે બચત કરવા સલાહ કે ભલામણ આપવામાં આવે ત્યારે તે એક જ વસ્તુ કહે છે કે, આજના મોંઘવારીના સમયમાં માંડ માંડ ખર્ચાઓ પૂરા કરીએ છીએ, ત્યાં ક્યા રોકાણ કરીએ. જો કે, આ વાત ઘણા કિસ્સામાં સાચી પણ છે. દરેક વ્યક્તિએ સમજવુ પડશે કે, કમાણી જેટલી જરૂરી છે, તેટલુ જ બચત કરી રોકાણ કરવુ પણ જરૂરી છે. કારણકે, મોંઘવારી તો સતત વધતી રહેશે, અને ઉંમરની સાથે કમાવવાની ક્ષમતા ઘટતી જશે. જેથી આજે કરેલુ રોકાણ ભવિષ્યમાં અને કટોકટી સમયે શાંતિથી જીવન નિર્વાહ કરવાની પરવાનગી આપશે.
બચત માટે આ ટ્રિપલ એકાઉન્ટ ફોર્મ્યુલા અનુસરો
મોંઘવારીના યુગમાં ખર્ચાઓ સતત વધી રહ્યા છે. જેથી બચત, ખર્ચ અને રોકાણ વચ્ચે યોગ્ય સંતુલન સ્થાપિત કરવુ જરૂરી છે. સુરક્ષિત રોકાણ પદ્ધતિ માટે આ ત્રણ ફોર્મ્યુલા ઉપયોગી સાબિત થઈ શકે છે.
પ્રથમ- આવકનો હિસાબ માંડો
જો તમે નોકરી કરતા હોવ, તો દર મહિને તમારો પગાર તમારા બેન્ક ખાતામાં આવશે. અથવા જો તમે કોઈપણ વ્યવસાય કરો છો, તો તમારી આવક ચાલુ ખાતામાં જમા થતાં હશે. તેને આપણે આવક ખાતુ નામ આપી શકીએ. આ એકાઉન્ટ તમારી માસિક કમાણી વિશે જણાવે છે. માત્ર પગાર જ નહીં, પરંતુ આ સિવાય જો તમને અન્ય કોઈ સ્ત્રોતમાંથી આવક થઈ રહી છે, તો તેને પણ આ ખાતામાં જ સામેલ કરો, તેનાથી તમને એ જાણવામાં મદદ મળશે કે મહિનામાં તમારી કુલ આવક કેટલી છે.
બીજું- ખર્ચનુ આંકલન કરો
ખર્ચ બાબતે હંમેશા કહેવાય છે કે, જેટલો કરીએ તેટલો ઓછો. જેથી ખર્ચનું આંકલન કરવુ જરૂરી છે. તમે એક ડાયરીમાં તમારી રોજબરોજની ઉપયોગી વસ્તુઓ અને ખર્ચની યાદી તૈયાર કરો. જેમાં બિનજરૂરી અને ગૌણ ખર્ચને અવગણો. જેથી તમે મહિને કેટલો ખર્ચ કરો છો તેનો અંદાજ મેળવી શકશો. અને વધુ પડતા ખર્ચાઓ પર કાપ પણ મૂકી શકશો.
ત્રીજું અને અતિ મહત્વનું – રોકાણ
એકવાર તમે બંને ખાતામાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન સ્થાપિત કરી લો, પછી આગામી પગલું છે રોકાણનું. તમારી આવક અને જાવકનો અંદાજ મેળવી તેમાંથી બચેલી રકમથી તમે રોકાણની શરૂઆત કરી શકો છો. આનો ફાયદો એ થશે કે રોકાણ કરવાની નિશ્ચિત રકમને બીજે ક્યાંય મેનેજ કરવી પડશે નહીં. નાની તો નાની પણ રોકાણ કરવાની ટેવ કેળવો. બાદ જેમ-જેમ આવક વધે તેમ તમારૂ રોકાણ વધારતા જાઓ.
કમાણીથી લઈને રોકાણ સુધીની સંપૂર્ણ વિગતો હશે
આ ફોર્મ્યુલા દ્વારા, તમારી પાસે આવક, માસિક ખર્ચ અને રોકાણ સંબંધિત સંપૂર્ણ વિગતો હશે અને તેની સાથે તમારા પરસેવાની કમાણીનો વેડફાટ થતો અટકશે. અને તમારો પ્રશ્ન પણ કે, આવક હોવા છતાં બચત થતી નથી.