સૌથી વધુ ખાંડ ઉત્પાદક દેશ બ્રાઝિલમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં આ વર્ષે વૈશ્વિક ખાંડના ઉત્પાદન પર કોઈ ખાસ અસર થવાની કોઈ શક્યતા નથી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર, આ વર્ષે વૈશ્વિક ખાંડનું ઉત્પાદન ૨૫૦ લાખ ટન વધીને ૧૮૬૦ લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે, જે બ્રાઝિલના ઓછા ઉત્પાદનની ભરપાઈ કરશે.ભારતમાં ખાંડનું ઉત્પાદન વધુ થવાનો અંદાજ છે. વપરાશની સરખામણીમાં વધુ ઉત્પાદનને કારણે ખાંડના ભાવ સ્થિર રહેવાના છે અને તેની સાથે ભારતીય ઉદ્યોગની નિકાસ માંગ મજબૂત બની છે.
ભારતીય સુગર ઓર્ગેનાઇઝેશન ભલે આ વર્ષે દેશમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ લગાવી રહ્યું છે, પરંતુ વૈશ્વિક અહેવાલમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં વધુ રહેવાનો અંદાજ છે.થાઈલેન્ડમાં ખાંડનું ઉત્પાદન ૧૬ ટકા વધીને ૧૦૨ લાખ ટન થવાની ધારણા છે. ઓસ્ટ્રેલિયાનું ઉત્પાદન એક લાખ ટન વધીને ૪૨ લાખ ટન થવાનો અંદાજ છે જ્યારે ચીનનું ઉત્પાદન પાંચ લાખ ટન વધીને ૧૦૪ લાખ ટન થવાનો અંદાજ છે.
આ વર્ષે બ્રાઝિલમાં ૧૫ લાખ મેટ્રિક ટન ઓછી ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે. ગયા વર્ષે વૈશ્વિક ખાંડનું ઉત્પાદન ૧૮૩૫ લાખ ટન હતું. જેમાં બ્રાઝિલ ૪૫૫ લાખ ટન સાથે ટોચનું ઉત્પાદન કરતું હતું, જ્યારે ભારત ૩૪૦ લાખ ટન સાથે બીજા ક્રમે હતું.વૈશ્વિક ખાંડનો વપરાશ પણ વધી રહ્યો છે, પરંતુ વૈશ્વિક અર્થતંત્રોમાં ધીમી રિકવરીને કારણે વિશ્વ ખાંડનું બજાર સરપ્લસમાં રહેવાની શક્યતા છે, જેના કારણે ખાંડના ભાવ વધે તેવી શક્યતા નથી, એમ અહેવાલમાં જણાવાયું છે.