ટીઆરપી ગેમ ઝોનમાં વિકરાળ આગ ખરેખર કઇ રીતે લાગી તે બાબતે હજુ કોઇ ચોક્કસ માહિતી બહાર આવી નથી. પરંતુ પોલીસ કમિશનરે વેલ્ડિંગ અને કલર કામ વખતે સ્પાર્ક થતા આગ લાગ્યાની શક્યતા દર્શાવી છે. આમ છતાં આગ ખરેખર કઇ રીતે લાગી તે એફએસએલના રિપોર્ટ પછી જ બહાર આવશે.
શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે ટીઆરપી ગેમ ઝોનમાં હાલ વેલ્ડિંગનું અને પેઇન્ટિંગનું કામ ચાલુ હતુ. આ સ્થિતિમાં સ્પાર્ક થતાં આગ લાગ્યાની શક્યતા છે. આમ છતાં આગ ખરેખર કઇ રીતે લાગી તે બાબતે રાજકોટ એફએસએલની ટીમ તપાસ કરી રહી છે.
આ ઉપરાંત ગાંધીનગર એફએસએલની ટીમ પણ રાજકોટ આવવા રવાના થઇ ગઇ છે. એફએસએલની ટીમના અભિપ્રાય પછી જ આગ પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે. વધુમાં જણાવ્યું કે મૃતદેહો સળગીને ભડથું થઇ ગયા હોવાથી ડીએનએ ટેસ્ટ કરાવવા પણ મુશ્કેલ છે. આ સ્થિતિમાં મૃતદેહોની ઓળખ કઇ રીતે કરવી તે બાબતે ચર્ચા વિચારણા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે શહેરભરની પોલીસને કામે લગાડી દેવાઇ હતી. અલગ-અલગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જો અને માણસોને અલગ-અલગ કામગીરીની વહેંચણી કરી દેવાઇ હતી.