ગોવિંદ પ્રભુને નિહાળતો જ રહ્યો. ભગવાને ફરીથી કહ્યું, ‘બેટા, તારે અઢળક ધનદોલત, મહેલઝરૂખાં, સોનુંરૂપું, ઝવેરાત શું જોઇએ છે ?’ભારતી પી. શાહ

વિલાસનગર નામનું એક મોટું ગામ હતું. આ ગામની ભાગોળે એક વિશાળ મંદિર હતું. ગ્રામજનો આ મંદિરમાં રોજ સેવાપૂજા કરવા આવતા. મંદિરમાં સવાર સાંજ આરતીના સમયે ખાસ્સી ભીડ થતી. સમગ્ર વાતાવરણ પવિત્રતા અને ઘંટનાદથી ભરાઈ જતું. આમ સવારનો માહોલ ભક્તિભાવથી છવાઈ જતો. ભક્તો પ્રભુને શ્રદ્ધાનાં ફૂલ અને ભક્તિભાવની અર્ચના અર્પણ કરીને વિદાય થતા.

મંદિરના છેલ્લા પગથિયા પાસે પંદરેક વર્ષનો એક છોકરો છાબડીમાં ફૂલો, હાર, તોરણ લઇને બેસતો. તેનું નામ ગોવિંદ હતું. ગોવિંદનાં માબાપ હયાત ન હોવાથી તે તેની દાદી સાથે રહેતો હતો. તેના ઘર પછવાડે આવેલા વાડામાં ફૂલોના છોડવાં હતાં. દાદી તેને ફૂલના હાર, તોરણ ગૂંથી આપતી અને ગોવિંદ તે વેચવા માટે મંદિર પાસે આવીને બેસતો.

દાદીને સિલાઇકામ આવડતું હોવાથી તે કપડાં સીવતાં, ગોદડીઓ બનાવતાં હતાં. ગ્રામજનોનો સહકાર હોવાથી બન્નેનો જીવન નિર્વાહ ચાલતો હતો. ગોવિંદ ખૂબ ડાહ્યો અને સમજદાર હોવાથી હંમેશા દાદીની આજ્ઞા પ્રમાણે ચાલતો હતો. સવારે મંદિર પાસે બેસી ફૂલ, હાર, તોરણનું વેચાણ કરતો અને નવરાશની પળોમાં અભ્યાસ કરતો. ગોવિંદ બપોરની શાળામાં ભણવા જતો. વેચાણકાર્ય દરમ્યાન તે મંદિરમાં આવતાં ભક્તોનું અવલોકન પણ કરતો હતો.

ગોવિંદ જ્યારે કોઈ વૃદ્ધ, અંધ કે અપંગ વ્યક્તિને જોતો, ત્યારે ઊભો થઇને તેમને રસ્તો પાર કરાવતો હતો. આ સદકાર્ય કરતાં કરતાં તે વિચારતો કે આ બધા પ્રભુપૂજન માટે આવે છે, છતાં ભગવાને તેમને અંધ કેમ બનાવ્યા ?

મંદિરની બહાર કેટલાક ભિક્ષુકો પણ બેસતા. પુણ્ય પ્રાપ્ત કરવાની ભાવનાથી કેટલાય ભક્તો તેમને ફળ, ખાવાનું કે પૈસા આપીને જતા. આમ ભક્તોને પુણ્ય અને ભિક્ષુકને ભોજન મળતું હતું.

થોડા દિવસ પછી મંદિરનું રિપેરીંગ કામ શરૂ થયું. મંદિરને નવો ઓપ આપવાનો હોવાથી ભક્તોની અવરજવર બંધ થઇ ગઈ. ગોવિંદનું વેચાણનું કામ અને ભિક્ષુકોનું ભોજન આમ બન્ને બંધ થઇ ગયા. આ ભિક્ષુકો ભોજન માટે અહીંતહીં રખડવા લાગ્યા. ભિક્ષુકોની દશા જોઇને ગોવિંદનું હૃદય દ્રવી ઉઠયું. પણ તે કરે શું ?

એકવાર ગોવિંદે રેડિયો પર સમાચાર સાંભળ્યા કે એક સ્થળે આતંકવાદીઓએ હુમલો કર્યો. કેટલાય ઘરને નિશાન બનાવ્યા, લૂંટફાટ આદરી, ચારેકોર હિંસા ફેલાવી દધી. લોકો રોકકળ કરવા લાગ્યા. આ બધું સાંભળીને ગોવિંદને ખૂબ દુઃખ થયું. ગોવિંદે ઘરે આવીને દાદીને કહ્યું, ‘દાદી, મને વૃદ્ધો, આંધળા, અપંગોની ખૂબ દયા આવે છે. બિચારા ભિક્ષુકો ભૂખ્યા મરે છે. આતંકવાદીઓ જે હિંસા આદરે છે તે ખૂબ હૃદયદ્રાવક છે. શું આનો કોઈ ઉપાય નથી ?’

‘બેટા ગોવિંદ, આપણે તો ફક્ત ભગવાનને પ્રાર્થના કરી શકીએ. બીજું શું ? પ્રાચીન સમયમાં સંતમહાત્મા, પ્રભુના ભક્તો એકાંતમાં રહીને તપસ્યા કરતા, અને પ્રભુ પાસેથી મનવાંછિત ફળ પ્રાપ્ત કરતા… આપણે ક્યાં સંત મહાત્મા છીએ ?’ દાદીએ જવાબ વાળ્યો.

‘દાદી, પ્રાચીનકાળમાં બાળકો પણ તપસ્યા કરતાં હતાં ?’ ગોવિંદે પૂછ્યું.

‘આપણાં હિન્દ ુધર્મ અને શાસ્ત્ર અનુસાર બાળ ધુ્રવ અને બાળ પ્રહલાદની તપસ્યાથી પ્રભુ ખુશ થયા હતા. કહેવાય છે કે ભક્તની તપસ્યા આગળ ભગવાન પણ ઝૂકી જાય છે.’ દાદી બોલ્યાં. ગોવિંદે ધુ્રવ એન પ્રહલાદની વાર્તા સાંભળવાની ઇચ્છા દર્શાવી, એટલે દાદીએ તેને વાર્તા સંભળાવી. વાર્તા સાંભળતાં સાંભળતાં ગોવિંદ સૂઈ ગયો.

નિંદ્રામાં ગોવિંદને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે ભગવાનની ઉગ્ર તપસ્યા કરી. ગોવિંદની તપસ્યાથી ભગવાન ખૂબ ખુશ થયા. તપસ્યાથી પ્રભાવિત થયેલા ભગવાને ગોવિંદને દર્શન આપતાં કહ્યું, ‘માંગ, બેટા, માંગ… તારે શું જોઇએ છે ? હું તારી માંગણી જરૂર સંતોષીશ.’

ગોવિંદ તો પ્રભુના અલૌકિક, અદ્ભૂત અને તેજોમય સ્વરૂપને એકીટશે નિહાળતો જ રહ્યો.

ભગવાને ફરીથી કહ્યું, ‘બેટા, તારે અઢળક ધનદોલત, મહેલઝરૂખાં, સોનુંરૂપું, ઝવેરાત શું જોઇએ છે ?’

‘પ્રભુ, મારે અઢળક ધનદોલત, મહેલઝરૂખાં, સોનુરૂપું, ઝવેરાત કાંઈ નથી જોઇતું,’ ગોવિંદ બોલ્યો. ‘તો પછી તારે જોઇએ છે શું?’ પ્રભુએ પૂછ્યું. 

‘હે સર્વજ્ઞા, સર્વવ્યાપી, જગતપિતા… જો તમે મારા ઉપર ખુશ થયા હો તો મારે ત્રણ વરદાન જોઇએ છે.’

‘અવશ્ય…માંગ…માંગ…’

ગોવિંદ હાથ જોડીને બોલ્યો, ‘મારું પહેલું વરદાન એ છે કે આ પૃથ્વી પર કોઈ અંધ કે અપંગ ના હોય. મારું બીજું વરદાન એ છે કે તારી બનાવેલી આ દુનિયામાં કોઈ ભિક્ષુક ના હોય, કોઈ ભૂખ્યું ના સુવે. મારી ત્રીજી માંગણી એ છે કે આ વિશ્વમાંથી હિંસા અને આતંકવાદનો નાશ થાય.’

ગોવિંદની વાત સાંભળી પ્રભુએ પૂછ્યું, ‘બેટા, તારે તારા માટે કશું નથી જોઇતું ?’

‘ના…ના…’

ગોવિંદની નિઃસ્વાર્થ, ઉચ્ચ માનવીય ભાવના જોઇને પ્રભુ ખુશ થઇને હસી પડયા.

‘હસો છો શું? હસો છો શું?’ બૂમો પાડતાં પાડતાં ગોવિંદની આંખ ખુલી ગઈ. તે પોતાના સ્વપ્ન વિષે વિચારવા લાગ્યાં. ગોવિંદે દાદીને પોતાના સ્વપ્નાની સઘળી હકીકત જણાવી. દાદીએ તેને શાંત પાડી, પોતાની પાસે બેસાડીને કહ્યું. ‘બેટા, જીવનમાં સુખદુઃખ, ચડતી પડતી એ બધું કર્મને આધિન છે. મનુષ્ય અવતાર એ સઘળા અવતારોમાંનો શ્રેષ્ઠ અવતાર છે, અને આ અવતારમાં જેટલા બની શકે તેટલાં ઉચ્ચ અને ઉત્તમ પરોપકારી કાર્યો કરવાં જોઇએ. પ્રત્યેક મનુષ્યએ માનવધર્મ નિભાવવો જોઇએ. બેટા ગોવિંદ, તું મનમાં નિઃસ્વાર્થ ભાવ રાખી અંધ, અપંગ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કર્યા કરજે. આપણાથી ભિક્ષુકોને વધારે દાન અપાતું નથી, પરંતુ આપણે તેમને ફૂલ નહીં તો, ફૂલની પાંખડી તો આપી શકીએ. ભગવાન નેકી, સત્ય અને અહિંસાના માર્ગે ચાલનારને અવશ્ય આશીર્વાદ આપે છે.’

‘દાદીમા, તમે આજે મને ખૂબ સારી વાત સમજાવી છે. ભગવાન પાસે વરદાન માંગવાની જરૂર નથી. આપણે આપણાં સતકાર્યથી સમસ્ત માનવ સૃષ્ટિનું મંગલ કરવું જોઇએ. આ વાત હું મારા જીવનમાં ઉતારીશ. અને બીજાને પણ સમજાવીશ.’