શાંતિની શોધમાં અશાંત રહેતો માણસ…! .

‘અશાંતિ” આજકાલના માણસો જાતે ઉભી કરે છે. જીવનમાં બધી વાતે શાંતિ હોવા છતાં કેટલાક લોકો જાતે શાંતિને ડહોળી નાખતા હોય છે

મા ણસ માણસને મળે એટલે પૂછતો હોય છે કેમ છો..? શાંતિ..? જવાબમાં દરેક માણસ હ…ઓ.શાંતિ. જલશા..!! આવું સાંભળીને હસવું એટલા માટે આવે કે શાંતિ શું ચીજ છે એની ખબર હોવા છતાં માણસ કેવો ખોટો જવાબ આપે છે. મોટા ભાગના માણસોના આ હાલ છે. હ…ઓ શાંતિ હૈયેથી ઓછુ અને હોંઠોથી વધુ વર્તાય છે. આવો જવાબ અંદરથી નથી આવતો. એક શિષ્ટાચાર ભજવાતો હોય છે.

”અશાંતિ” આજકાલના માણસો જાતે ઉભી કરે છે. જીવનમાં બધી વાતે શાંતિ હોવા છતાં કેટલાક લોકો જાતે શાંતિને ડહોળી નાખતા હોય છે. નજીવી અને ક્ષુલ્લક બાબતને લઈને માણસ અશાંત થઈ જાય છે. જેમ કે, મને બેસવા ખુરશી ન આપી, મને અધ્યક્ષ ન બનાયો, કંકોતરીમાં મારું નામ છેલ્લે કેમ લખ્યું, મને પહેરામણીમાં ૧૧ રૂપિયાના બદલે પેંન્ટપીસ કેમ ન અપાવડાવ્યો, બેસતા વર્ષના દિવસે મને ફોન કેમ ના કર્યો, મીસ કોલ કેમ કર્યો, બ્લૂ ટીક થયા બાદ કોઈ કોમેન્ટસ કેમ ના કરી, મારી સાડી કે ડ્રેસના વખાણ કેમ ન કર્યા..? સારા-ખોટા પ્રસંગે અમને યાદ કેમ ન કર્યા. આવા તો સેંકડો એવા પ્રસંગો માણસની જિંદગીમાં બનતા હોય છે, જેનાથી માણસ અશાંત થઈ જાય છે. વાસ્તવમાં માણસની નકારાત્મક વિચારસરણી જ માણસને અશાંત કરે છે.

બીજી બાબત છે પ્રાપ્તિની. આમ થાય તેમ થાય, આટલુ કામ થઈ જાય, દિકરો દિકરી થાળે પડે, આટલું ઘરનું ઘર થઈ જાય. બસ પછી શાંતિ. પણ પછી પણ ક્યાં થાય છે..? આ શાંતિ એટલા માટે નથી કે માણસને સંતોષ નથી. લોભ, લાલચ અને વાસનાઓ વધતી જાય છે. આજના દેખાદેખીના અને દેખાડીદેવાના જમાનામાં લોકો શાંતિનું સાચું સરનામું પણ ભૂલી ગયા છે. માનો તો શાંતિ ન માનો તો અશાંતિ એવું એક જૂનું વાક્ય એ જ કહેવા માગે છે કે શાંતિ તમારી અંદર જ છે. એની કોઈ ધાર્મિક દુકાન ન હોય. પૂજાપાઠ અને દેવદર્શન કરનાર માણસ પણ જો શાંતિના મૂળ સુધી ન પહોંચે તો એને નાસ્તિક, દંભી અને પોકળ સમજવો. શાંતિ વગરનું જીવન સતત ખોટકાતું રહે છે. તમારી પાસે બધું જ હોય પણ શાંતિ ન હોય તો શો મતબલ..?!!

માણસ ભૂલી જાય છે આ દુનિયામાં બીજા પણ પ્રાણીઓ છે. તેઓ પ્રાણી છે તેવું આપડે ઠોકી બેસાડયું છે. બરાબર એમ જ આપણે મનુષ્ય પ્રાણી જ છીએ એવું ઉપરવાળાએ ઠોકી બેસાડયું છે. આપણે તો ઈશ્વરનો આભાર માનવાનો હોય કે લાગણીઓથી છલકાતો મનુષ્યનો મનખો પ્રભુએ આપ્યો. પણ આપણે ભગવાનને પણ ખોટા પાડીએ છીએ. આપણા અશાંત રહેવાનુ કારણ આપણે મનુષ્ય પ્રાણી જ છીએ એવું સ્વીકારવા આપણે તૈયાર નથી.

પેલા પશુપંખીઓ વાંધાવચકા, ટીકાટીપ્પણી, ઓછું-વધતું, મારું તારું, દેખાડો, દંભ, ઈર્ષા, અદેખાઈ, મોટાઈ, ડંફાશ કશું જ નથી કરતા. એમને તો ખાલી હરવા-ફરવા-ચરવા અને ખાવાનું મળે એટલે એય શાંતિ. મનુષ્ય પ્રાણીને પણ આ બધું જ મળ્યું હોવા છતાં અશાંત રહેતો હોય તો આવો માણસ તો પરમાત્મા ખુદ લેવા આવે તો ય ન જાય અને કહી દે હજુ બે-પાંચ વધારી આપને વ્હાલા. ચાલો, ૨૦૨૪માં કામ કરતાં કરતાં, જિંદગી જીવતા જીવતા, ખુશીઓને શોધતાં શોધતાં આપણી જાતને મનુષ્ય પ્રાણી સમજીને શાંતિને શોધીએ. શુભકામનાઓ.

દિલીપ રાવલ