આલિયા ભટ્ટની માતા અને એકટ્રેસ સોની રાઝદાન પાર્સલ ફ્રોડનો શિકાર થતાં બચી ગઈ હતી. તેને તેના પાર્સલમાં ડ્રગ મળ્યું હોવાનું કહી દિલ્હી કસ્ટમને નામે ધમકી આપવામાં આવી હતી. સોની રાઝદાન સોશિયલ મીડિયા પર પણ બહુ સક્રિય રહે છે. તેણે પોતાના સાથે થયેલા અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
તેના જણાવ્યા અનુસાર તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો તેમાં જણાવાયું હતું કે અમે દિલ્હી કસ્ટમમાંથી બોલીએ છીએ. તમે ડ્રગ્સ મગાવ્યું છે. તે પછી તેને પોલીસ હોવાનો દાવો કરતા અન્ય વ્યકિત સાથે કનેક્ટ કરવામાં આવી હતી અને તેની પાસેથી આધાર કાર્ડ સહિતની વિગતો માગવામાં આવી હતી.
જોકે, સોનીના જણાવ્યા અનુસાર તેના એક પરિચિત આવા ફ્રોડ કોલમાં ફસાયા હતા અને ઠગોએ તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. આથી, પોતે વેળાસર ચેતી ગઈ હતી. આ ઠગો આ રીતે લોકોને ફોન કરે છે, ડરે છે-ધમકાવે છે અને પછી તમારી પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. લોકોએ આવા કોલ્સ સામે સતર્ક રહેવું જોઈએ એમ સોનીએ જણાવ્યું હતું.