દેશમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેવાના વરતારાને ધ્યાનમાં રાખી કૃષિ મંત્રાલય અનાજ ઉત્પાદનનો ટાર્ગેટ પણ ઊંચો રાખવા યોજના ધરાવે છે. ૨૦૨૪-૨૫ના ક્રોપ યર (જુલાઈથી જૂન) દરમિયાન અનાજનો ઉત્પાદન ટાર્ગેટ ૩૪ કરોડ ટન રાખવા કૃષિ મંત્રાલય વિચારી રહ્યું છે. જૂનમાં સમાપ્ત થનારા વર્તમાન ક્રોપ યરમાં વિવિધ કૃષિ જણશોનું ઉત્પાદન નીચું રહ્યાનું જોવા મળે છે.
કુલ અનાજ ઉત્પાદનમાં ૧૩.૬૦ કરોડ ટન ચોખા તથા ૧૧.૫૦ કરોડ ટન ઘઉંનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી વધુ વપરાશ ઘઉં તથા ચોખાનો થાય છે. મકાઈનો ટાર્ગેટ ૩.૯૦ કરોડ ટન રખાશે એમ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થઈ જવા પછી ટાર્ગેટ જાહેર કરાશે. ૨૦૨૩-૨૪ના ક્રોપ યરમાં ચોખાનું ઉત્પાદન ૧૨.૩૮ કરોડ ટન રહ્યું છે. જોકે આમાં ઉનાળુ ડાંગરનો સમાવેશ થયો નથી.વર્તમાન વર્ષની રવી મોસમનું ઘઉં ઉત્પાદન ૧૧.૨૦ કરોડ ટન રહેવા અપેક્ષા છે. જ્યારે મકાઈનું ઉત્પાદન ૩.૨૪ કરોડ ટન રહેવા અંદાજ છે.
જૂનમાં સમાપ્ત થનારા વર્તમાન ક્રોપ યરમાં ચોખા, કઠોળ તથા અન્ય પાકના ઉત્પાદનમાં જોવાઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખતા નવા ક્રોપ યરમાં દેશનું અનાજકઠોળનું ઉત્પાદન ઊંચુ રહે તે જરૂરી છે. નીચા ઉત્પાદનને કારણે સરકાર પાસે ઘઉંનો સ્ટોકસ હાલમાં ૨૦૦૮ બાદની નીચી સપાટીએ છે.આ વર્ષે ચોમાસાનો પ્રારંભ સમયસર થઈ જવાનો ભારતીય હવામાન વિભાગે વરતારો કર્યો છે. ૨૦૨૩માં ચોમાસુ પ્રમાણમાં નબળું રહેતા પાકપાણી પર તેની અસર જોવા મળી હતી. દેશના જળાશયોમાં પાણીના નીચા સ્તર તથા ઓછા વરસાદને કારણે જમીનમાં ભેજના નીચા પ્રમાણથી રવી પાકમાં ઘટ જોવા મળી રહી છે. દરમિયાન નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં દેશમાંથી કઠોળની નિકાસમાં વાર્ષિક ધોરણે વોલ્યુમની દ્રષ્ટિએ ૨૨ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ બે ટકા ઘટાડો નોંધાયો છે. ભારતના કઠોળના ઊંચા ભાવને પરિણામે તેના પરંપરાગત ખરીદદારો જેમ કે બંગલાદેશ, યુએઈ તથા ચીન ખાતેથી ખરીદી મંદ રહી હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.