મલાઈકાએ તેનો ફલેટ મહિને દોઢ લાખમાં ભાડે આપ્યો

દર વર્ષે પાંચ ટકા ભાડું વધતું રહેશે.

મલાઈકાએ બાન્દ્રાની બીજી પ્રોપર્ટી ભાડે આપી દીધી, અર્જુન બાન્દ્રાનો ફલેટ વેચી ચૂક્યો છે.

મલાઈકા અરોરાએ બાન્દ્રાનો તેનો ફલેટ ભાડે આપી દીધો છે. આ ફલેટ તેણે મહિને દોઢ લાખનાં ભાડાંથી આપ્યો છે. તેને દર વર્ષે પાંચ ટકા જેટલો ભાડાં વધારો મળશે. મલાઈકાએ કોશ્ચ્યુમ ડિઝાઈનર કશીશ હંસને ફલેટ ભાડે આપ્યાનું જાણવા મળે છે. પહેલાં વર્ષે દોઢ લાખ, બીજાં વર્ષે ૧.૫૭ લાખ  અને ત્રીજાં વર્ષે ૧.૬૫ લાખ રુપિયાનું માસિક ભાડું ચૂકવાશે. કશીશે મલાઈકાને સાડા ચાર લાખ રુપિયા ડિપોઝિટ પણ ચૂકવી છે. આ ફલેટનું લીઝ એગ્રીમેન્ટ ગયા એપ્રિલ માસના અંતમાં થયું હતું. 

મલાઈકા અગાઉ બાન્દ્રાનો તેનો બીજો ફલેટ મહિને ૧.૨૦ લાખનાં ભાડે આપી ચૂકી છે. મલાઈકાનો બોયફ્રેન્ડ અર્જૂન કપૂર બાન્દ્રાની એક બિલ્ડિંગનો ફલેટ વેચી ચૂક્યો છે.  મલાઈકા આ જ બિલ્ડિંગમાં ફલેટ ધરાવતી હોવાનું કહેવાય છે. આ ફલેટના પઝેશન બાબતે મલાઈકાને બિલ્ડર સાથે તકરાર પણ થઈ હતી અને મલાઈકાએ ઝડપી પઝેશન માટે મહારેરામાં ફરિયાદ પણ કરવી પડી હતી. બોલીવૂડની અનેક હસ્તીઓ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી પ્રોપર્ટી  ભાડે આપી દે છે. અમિતાભ બચ્ચને પણ અંધેરીમાં તેના ચાર ફલેટસ ભાડે આપ્યા છે.