આઝાદી પહેલાનું ભારત જે જાતિવાદમાં સબડતું હતું એ જાતિવાદ આઝાદી પછી નાબુદ થઈ શક્યો હોત પરંતુ તેમ ન થયું. ઉચ્ચ જાતિ, નીચ જાતિ, અગડા પીછડા, બેકવર્ડ ફોરવર્ડ, જનરલ/ઓબીસી/એસસી-એસટી, આમ નામ બદલતાં રહ્યા પરંતુ જાતિઓનો દબદબો ઘટવાને બદલે વધ્યો તેવું કહી શકાય.લોકતંત્રમાં, સરકારની નિયુક્તિમાં, નોકરીઓમાં, સ્કીમોમાં, યોજનાઓમાં, બાકી રહેતું હતું તે હવે અખબારોના સમાચારોમાં પણ જાતિવાદનું એન્ગલ અનિવાર્ય થઈ ગયું. ઉદાહરણ તરીકે જોઈએ તો સરકારને ખુશ રાખવાના ચક્કરમાં રહેતાં પત્રકારો મુસ્લિમ ગુનેગારોને ‘વિધર્મી’ લખવા લાગ્યા, બળાત્કારના આરોપીઓમાં ફલાણા ઢીકળા ની જગ્યાએ અમુક જાતિ, તમુખ જાતિ લખવા લાગ્યા. રાજકીય પક્ષોમાં પણ ટીકીટ ફાળવણી માં જાતિગત સમીકરણો પહેલાં જોવામાં આવે છે. જે વિસ્તારોમાં જે જાતિ મોટી, એનું પ્રભુત્વ ત્યાં કામ કરતાં બધા જ રાજકીય પક્ષમા ઉજાગર થયા વિના રહેતું નથી.તાજેતરની લોકસભા ચૂંટણીમાં અગર સત્તા પરિવર્તન થાય છે તો રાહુલ ગાંધીએ સિસ્ટમમાં જાતિઓની ભાગીદારીનો જે મુદ્દો રજુ કર્યો એનું પ્રભુત્વ વધુ રહેવાનું માની શકાશે. ભારત માટે જો કોઈ અભિશાપ હોય તો એ છે જાતિવાદ, જ્યાં સુધી ભારતનો એક એક મતદાર જાતિવાદને જોયા વિના મતદાન ન કરે ત્યાં સુધી જાતિવાદનો આ અજગર એનો ભરડો ઢીલો મુકી પણ નહીં શકે.ભારતના રાજનેતાઓની અક્કલને લુણો લાગ્યો હોય તેમ બધાને એક સરખા કરવા માટે એ પાછળ રહેતા હોય એની સ્પીડ વધારવાને બદલે આગળ જતાં હોય એની સ્પીડ ઓછી કરવાના હતકંડા અપનાવતી પોલિસીઓ પર કામ કરે છે. પરિણામે આરક્ષણ, રિઝર્વેશન ઇત્યાદી પોલિસીઓ લોકતંત્રને દિમકની જેમ કોતરી ખાય છે.
એવું નથી કે આ સમસ્યા માત્ર ભારતમાં જ છે, અન્ય દેશોમાં આ જ સમસ્યા રંગભેદ, નસ્લભેદ અને ભાષાભેદની છે. પરંતુ જ્યાં સુધી માની શકાય ત્યાં સુધી આ સમસ્યાનો હલ ભારતમાં આવવો આસાન છે, પણ ભારતના રાજનેતાઓ આમ ઇચ્છતાં નથી અને ઈચ્છી શકે તેવી ઈચ્છાશક્તિ ભારતના નેતાઓમાં છે પણ નહીં, પરિણામે આ અજગરી ભરડામાં નાની જાતિઓ યા તો મોટી જાતિમા વિલય પામવા મજબુર બને છે અથવા તો નક્સલવાદ, માઓવાદ, આતંકવાદ માં પરિણમે છે. ભારતમાં જાતિવાદ દૂર કરવાનો આસાન ઉપાય છે, ભારતના ચાર પીલરો પરનું લોકતંત્ર આનો આસાન ઉપાય છે. સિસ્ટમ-૨ (નોકરશાહો) માં નો-રિઝર્વેશન, સિસ્ટમ-૧ (સરકાર) માં ૭૫% રિઝર્વેશન, સિસ્ટમ-૩ (ન્યાયપાલિકા) માં ૩૦% રિઝર્વેશન અને સિસ્ટમ-૪ (પત્રકારિતા/અભિવ્યક્તિ) માં સંપૂર્ણ આઝાદી અને કાનૂની સ્વતંત્રતા.
આ એક માર્ગ છે જેમાં ૩૦ થી ૫૦ વર્ષ કામ કરવામાં આવે તો આવનારી પેઢી પોતાને જાતિવાદી નહીં પરંતુ રાષ્ટ્રવાદી અથવા તો એક દેશ એક નાગરીક તરીકે ઓળખાવવા લાગશે.
અન્યથા જે ભારત ૧૨૦૦ વર્ષની ગુલામી ભોગવીને ૧૦૦ વર્ષની આઝાદી પૂર્ણ કરે તે પહેલાં ભારતના રાજનેતાઓના માધ્યમથી ફરીથી પુંજીપતિઓ, મૂડીવાદીઓ અને નેતા તેમજ નોકરશાહો ની ગુલામી કરવા વિવશ હશે અને જે વિવશ નહીં હોય એ આ ઘટનાના મૂકપ્રેક્ષક હશે.