વ્યાજ દર ઘટવાની શકયતાએ 3500 ડોલરનો ઉછાળો.

અમેરિકામાં ફુગાવો  અપેક્ષા કરતા ઓછો વધીને આવતા ફેડરલ રિઝર્વ વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં બે વખત ઘટાડો કરશે તેવી શકયતા વધુ પ્રબળ બની હતી જેની  પોઝિટિવ અસર બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીઝના ભાવ પર જોવા મળી હતી.

અમેરિકામાં ફુગાવામાં ૦.૪૦ ટકા વધારો જોવા મળવાની ધારણાંની સામે તે ૦.૩૦ ટકા વધીને આવ્યો હતો. ફુગાવાના આંકડા બાદ ફેડરલ રિઝર્વ હવે વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરશે તેવી ધારણાં મજબૂત બની છે. 

વ્યાજ દરમાં પ્રથમ ઘટાડો સપ્ટેમ્બરમાં જોવા મળવાની સંભાવના જોવાઈ રહી છે. ફુગાવાના આંકની જાહેરાત બાદ છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન  ૩૫૦૦ ડોલરથી વધુ વધી ૬૬૦૦૦ ડોલરની સપાટીને પાર કરી ગયો હતો. અન્ય મુખ્ય ક્રિપ્ટોસ એથરમ ૩૦૧૯ બોલાતો હતો. 

છેલ્લા બે મહિનામાં બિટકોઈનમાં છેલ્લા ચોવીસ  કલાકમાં પહેલો મોટો ઉછાળો જોવા મળ્યો છે. 

ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ ૨.૩૮ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. 

અમેરિકામાં ફુગાવો ધીમો પડી રહ્યો હોવાનું છેલ્લામાં છેલ્લા આંકો પરથી જણાય છે. બેન્ક ઓફ ઈન્ગલેન્ડ તથા યુરોપિયન સેન્ટ્રલ બેન્ક જૂનમાં જ વ્યાજ દર ઘટાડશે તેવી બજારમાં ધારણાં પ્રવર્તી રહી છે. વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેન્કો નાણાં  નીતિ સરળ બનાવી લિક્વિડિટી વધારવાના પગલાં લઈ રહી છે, જે ક્રિપ્ટોસ જેવી જોખમી એસેટસ માટે સારી નિશાની હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.