સુરત પાલિકાની સુમન સ્કૂલ ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે બની આર્શીવાદરૂપ.

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ખાનગી શાળા જેવી સુવિધા અને શિક્ષણ આપી રહી છે ત્યાર બાદ હવે સુરત પાલિકા સંચાલિત માધ્યમિક શાળાઓ પણ ખાનગી શાળાઓની હરીફાઈ થઈ રહી છે. પાલિકાની પ્રાથમિક શાળાની જેમ હવે ધોરણ-9માં પણ વિદ્યાર્થીઓના એડમીશન માટે સુમન સ્કૂલમાં પડાપડી થઈ રહી છે. સુરત પાલિકા ધોરણ 9માં જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે એટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓની વેઇટિંગ લિસ્ટમાં જોવ મળે છે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 1 થી 8 નું પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ પાલિકાની જવાબદારી ન હોવા છતાં પાલિકા ધોરણ 10 સુધી શિક્ષણ આપવા માટે સુમન સ્કુલ ચલાવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પાલિકાની સુમન સ્કૂલ આર્શીવાદરૂપ છે. હાલમાં સુરત પાલિકા જુદા જુદા વિસ્તારમાં 23 જેટલી સુમન સ્કૂલ ચલાવી રહી છે અને તેમાં 13 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

હાલમાં આવેલા બોર્ડના પરિણામાં સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલના પરિણામ ખાનગી સ્કૂલ જેવા આવી રહ્યા છે. ધોરણ 10 અને 12માં પાલિકાની સ્કુલના પરિણામ 95 ટકાની આસપાસ છે અને પાલિકાની સ્કુલના વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં આવી રહ્યા છે. પાલિકા સંચાલિત સુમન સ્કુલના શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે અને તેના કારણે પાલિકાની સ્કુલમાં ધોરણ 9 માં પ્રવેશ માટે પડાપડી થઇ રહી છે. 

સુરત પાલિકાની 23 સુમન સ્કૂલમાં ધોરણ 9 ના 98 વર્ગ છે અને એક ક્લાસમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. સુમન લિંબાયત સુમન સ્કૂલ નંબર 5 નીલગીરી અને સ્કુલ નંબર 6 ઉધનામાં ધોરણ 9 ના 10 વર્ગ છે આ તમામ વર્ગમાં પાલિકા 5400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે જોકે, હાલ સ્થિતિ એવી છે કે ધોરણ 9માં પ્રવેશ માટે 11 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓની અરજી આવે છે. તેના કારણે પ્રવેશ માટે મેરીટ લીસ્ટ બનાવવામા આવ્યું છે અને તે પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. 

પાલિકાની સુમન સ્કૂલ માં દિકરીઓ પાસે કોઈ ફી વસુલવામાં આવતી નથી

સુરત પાલિકા સંચાલિત સુમન સ્કુલમાં પ્રવેશ માટે પડાપડી થઈ રહી છે. સુરત પાલિકા સંચાલિત માધ્યમિક વિભાગની સ્કુલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પહેલી પસંદ બની રહી છે તેનું કારણ એ છે કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ નજીવી ફીથી  અભ્યાસ કરે છે અને પાલિકા દ્વારા તેમને શિષ્યવૃત્તિ મળે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે. 

સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલ માં છોકરાઓ પાસે માત્ર 200 રૂપિયાની ફી વસુલવામાં આવે છે જ્યારે છોકરીઓ પાસે અભ્યાસ માટે કોઈ ફી વસુલવામાં આવતા નથી. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે માટે શાળાના શિક્ષકો અને પાલિકા તંત્ર દ્વારા એપ્રોચ કરવામા આવે છે તેમાથી પણ અનેક બાળકોને શિષ્યવૃત્તિ મળી રહી છે.  દિકરીઓને વિના મૂલ્યે અને દિકરાઓને નજીવી ફી લઈ શિક્ષણ અપાતું હોય પાલિકાની સ્કુલ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે મોટી રાહત લઈને આવી રહી છે.