લોકસભા ચૂંટણીની સૌથી મહત્ત્વની બેઠક વારાણસીમાં પહેલી જૂને સાતમાં તબક્કામાં મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હાતા, જ્યારે તેમનો સામનો અરવિંદ કેજરીવાલ સામે થયો હતો. ત્યારે આ વખતે કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં વધુ મતદાન અને વધુ સારા સંચાલન માટે ગુજરાતના ત્રણ મોટા નેતાઓને મોરચો સંભાલ્યો છે.

રાજ્યના આ મોટા નેતાઓએ વારાણસીમાં મોરચો સંભાળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર વારાણસીથી ચૂંટાયા ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે ત્યાં લાંબા સમય શુધી ધામા નાખ્યા હતા. આ વખતે પણ સી.આર. પાટીલની ડ્યુટી વારાણસી બેઠક પર છે. તેમની ટીમ માઈક્રો મેનેજમેન્ટનું કામ જોઈ રહી છે. ઉપરાંત ગુજરાત ભાજપના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી (સંગઠન) રત્નાકર પણ સક્રિય બન્યા છે. તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ વારાણસીમાં છે. ભાજપ વારાણસી બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા માર્જિનથી હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. 

વારાણસીમાં ભાજપે સી.આર. પાટીલના નેતૃત્વમાં પન્ના પ્રમુખ અને પેજ સમિતિનો ઉપયોગ કર્યો હતો. પાટીલના નેતૃત્વમાં આ ટીમ મતદાનની સાંજ સુધી વારાણસીમાં સક્રિય રહેશે. પાટીલની ટીમમાં સામેલ યુવાનોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં સ્લિપ વિતરણથી લઈને રિપોર્ટિંગ અને મોનિટરિંગ સુધીના કામનો સમાવેશ થાય છે.

માઇક્રો મેનેજમેન્ટમાં ભાજપ આગળ

અહેવાલો અનુસાર, ‘I.N.D.I.A.’ ગઠબંધનની સરખામણીમાં ભાજપ માઈક્રો મેનેજમેન્ટમાં આગળ છે. ભાજપ તરફથી વારાણસી બેઠક પર 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોને કોલિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ભાજપે પોતાના તરફથી આ પ્રયોગ એટલા માટે કર્યો છે કે મતદાનમાં વૃદ્ધોની ભાગીદારી ઓછી ન થાય. એટલું જ નહીં, ભાજપે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં પન્ના પ્રમુખો અને પેજ સમિતિના વડાઓની નિમણૂક કરી છે. ભાજપ પાસે આ તમામ પન્ના પ્રમુખો અને પેજ સમિતિના વડાઓની વિગતો છે. આ બધાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સીધો સંદેશ તેમના મોબાઈલ નંબર અને ઈમેલ પર પહોંચે છે.