અમેરિકા ઈઝરાયેલને 1 અબજ ડોલરની શસ્ત્ર સહાય કરે છે.

– ઘણા ડેમોક્રેટસ ઈઝરાયેલને સહાય કરવા માગે છે

– પહેલી જ ખેપમાં 3500 બોંબ રવાના કરાયા છે, તે ઉપરાંત 700 મિલિયન ડોલર્સનું ટેન્ક એમ્યુનેશન, 500 મિલિયન ડોલરનાં ટેકિટકલ વ્હીકલ્સ, 60 મિલિયનના મોર્ટાર શેલ મોકલ્યા.

વોશિંગ્ટન : દક્ષિણ ગાઝા-સ્થિત રફાહમાં આક્રમણ કરવાના પ્રશ્ને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે વાંધો પડી ગયો હોવા છતાં અમેરિકાએ ઈઝરાયલને વધારાના ૧ અબજ ડોલરનાં શસ્ત્રો મોકલવા નિર્ણય લીધો છે. તેનું કારણ તે છે કે, આ યુદ્ધમાં ઈઝરાયલને સહાય કરવા માટે બંને પક્ષો રીપબ્લિકન્સ તેમજ ડેમોક્રેટસ તેમ બંને દ્વારા પ્રમુખ જો બાયડેન ઉપર દબાણ થઈ રહ્યું છે.તે પેકેજમાં ઈઝરાયલને પહેલી જ ખેપમાં ૩૫૦૦ બોંબ રવાના કરાયા હતા. જે આ મહિનાના પ્રારંભમાં જ મોકલાયા હતા. તે ઉપરાંત હવેની ખેપોમાં ડોલર ૭૦૦ મિલિયનનું ટેન્ક એમ્યુનેશન, ૫૦૦ મિલિયન ડોલર્સના ટેકિટકલ વ્હીકલ્સ તથા ૬૦ મિલિયન ડોલર્સના મોર્ટાર શેલ્સ રવાના કરાશે.

ઉલ્લેખનીય છે કે રફાહ ઉપરના હુમલા અંગે બાયડેન અને નેતન્યાહુ વચ્ચે વિવાદ ઉપસ્થિત થયો હતો. બાયડેને તે હુમલો કરવાનો ઈઝરાયલ ઉપર સ્પષ્ટ પ્રતિબંધ મુક્યો હતો. કારણ કે તે નાના એવા શહેરમાં ૧૦ લાખ પેલેસ્ટાઇનીઓએ આશ્રય લીધો છે.આ તરફ ઈઝરાયલી દળો ટેન્ક ફોર્સ સાથે રફાહના મૂળ શહેરને ઘેરીને ઉભા છે. મૂળ શહેરથી દૂર આવેલા પરાઓ સુધી ઈઝરાયલ સેના પહોંચી ગઈ છે.આ સંયોગોમાં પહેલા તો બાયડેને રફાહ ઉપર આક્રમણ નહીં કરવા ઈઝરાયલને જણાવી દીધું હતું. સાથે તેવી પણ ધમકી આપી હતી કે, જો તે રફાહમાં આગળ વધશે તો તેને શસ્ત્ર સહાય બંધ કરી દેશે.

આથી રીપબ્લિકન પાર્ટીના સાંસદો ગુસ્સે ભરાયા હતા. તેમણે કહી દીધું કે આ તો આપણા સૌથી ગાઢ મિત્રને અધવચ્ચે જ પડતો મુકવા સમાન છે.આટલું જ નહીં પરંતુ બાયડેનના પોતાના જ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો અને તેના સમર્થકો ગુસ્સે થયા હતા. તેઓ પૈકી બહુમતી સાંસદોએ ઈઝરાયલને સહાય આપવાના વિધેયકને પુષ્ટિ આપી હતી.અમેરિકી કોંગ્રેસના બંને પક્ષોએ પસાર કરેલા વિધેયક ઉપર પ્રમુખ જો બાયડેને તે વિધેયક ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

સમગ્ર ગાઝા પટ્ટી અત્યારે તો ખેદાન મેદાન થઈ ગઈ છે. પેલેસ્ટાઇનીઓ (હમાસ) જીવ ઉપર આવી ઈઝરાયલી આક્રમણનો સામનો કરી રહ્યા છે. અન્ય આરબ દેશો તેને શસ્ત્ર સહાય કે આર્થિક સહાય આપશે જ. તે ગણતરીએ તો તેણે ૭ ઓકટોબર ૨૦૨૩ના દિને દક્ષિણ ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો. પરંતુ તેની સહાય માટેની આશા ઠગારી નીવડી છે. સમગ્ર ગાઝા શહેર અને ગાઝા પટ્ટીમાં રહેલા અન્ય શહેરો લગભગ ખંડેર બની રહ્યા છે. ગાઝા પટ્ટી સમગ્ર ખંડેર બની ગઈ છે.નિરીક્ષકોને ભીતિ છે કે હમાસના બહાને ઈઝરાયલ સમગ્ર ગાઝા પટ્ટી અને જોર્ડન નદીના પશ્ચિમ કાંઠે આવેલા વિસ્તારમાંથી લગભગ તમામ આરબો (પેલેસ્ટાઇનીઓ)ને દૂર કરવા માગે છે. તેમાં અમેરિકાનાં નેતૃત્વ નીચે પશ્ચિમના દેશોની મુક પરંતુ સ્પષ્ટ સંમતિ છે તે દેખાઈ આવ્યું છે. પશ્ચિમના દેશો કોઇ પણ હીસાબે ભૂમધ્ય સમુદ્રમાંથી મધ્ય પૂર્વમાં પ્રવેશવાનાં તેમના ફૂટ બોર્ડને નબળું પડવા દેશે જ નહીં. તેવામાં યુનોના મહામંત્રી એન્ટોરિયો ગુટેરે આ વધી રહેલી સેનાકીય પ્રવૃત્તિમાંથી આઘાત પામી ગયા છે.

ઈઝરાયલે તાજેતરમાં એક સ્કૂલ ઉપર હુમલો કર્યો હતો. તે હુમલાનો બચાવ કરતાં તેણે કહ્યું હતું કે તે સ્કૂલનો એક ખંડ પેલેસ્ટાઇની વોર રૂમ તરીકે ઉપયોગ કરે છે.પેલેસ્ટાઇની પ્રદેશમાં અત્યારે ભૂખમરા જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. ત્યાં પાણીની પણ ખેંચ છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગાઝામાં અનાજ પહોંચી શક્યું નથી. ઓછામાં ઓછા ૧૧ લાખ લોકો તે ભૂખમરામાં ફસાઇ ગયા છે.