દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જેને પગલે કેજરીવાલ જેલમાંથી બહાર આવી ચૂંટણી પ્રચાર કરવા લાગ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સામાન્ય નથી, અરવિંદ કેજરીવાલને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે કેજરીવાલ પ્રચાર દરમિયાન સુપ્રીમ કોર્ટની અવમાનના કરી રહ્યા છે. મીડિયા સાથે ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળવા આ કોઇ સામાન્ય નિર્ણય નથી, ઘણા લોકોને એવુ લાગી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેજરીવાલને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. કેજરીવાલ ચૂંટણી પ્રચાર દરમિયાન કહી રહ્યા છે કે જો આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન થશે તો મારે ફરી જેલ નહીં જવુ પડે.
કેજરીવાલ આ પ્રકારનું નિવેદન આપીને સુપ્રીમ કોર્ટની અવમાનના કરી રહ્યા છે. જે જજોએ કેજરીવાલને જામીન આપ્યા તેમણે આ નિવેદનોની પણ નોંધ લેવી જોઇએ. અમિત શાહે દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ મુદ્દે કેજરીવાલના વિવાદ અંગે વાત કરતા જણાવ્યું હતું કે કેજરીવાલે ધરપકડ સામે સુપ્રીમમાં અપીલ કરી, સુપ્રીમ કોર્ટે હજુ તેનો સ્વીકાર નથી કર્યો. જે બાદ કેજરીવાલે જામીન માગ્યા, કોર્ટે તેનો પણ સ્વીકાર ન કર્યો, બાદમાં તેમણે ચૂંટણી પ્રચાર માટે અનુમતી માગી, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે કેજરીવાલને ૧ જુન સુધી વચગાળાના જામીન આપ્યા છે તેથી તેમણે ૨ જુનના રોજ પાછા તિહાર જેલ જવુ પડશે. દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકોને વિનંતી કરતા કહ્યું હતું કે દેશમાંથી તાનાશાહી ખતમ કરવા અને બંધારણને બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં મતદાન કરવું. દિલ્હીમાં રોડ શો દરમિયાન કેજરીવાલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી સત્તા નહીં મળે.મે તપાસ કરી છે, તમામ જગ્યાએ ભાજપની બેઠકો ઘટી રહી છે. હું સીધો જેલમાંથી તમારી વચ્ચે આવ્યો છું, ભાજપે મને જેલમાં ધકેલી દીધો હતો, હું તમને લોકોને બહુ યાદ કરતો હતો, હું તમને બહુ જ પ્રેમ કરું છું. મને ખ્યાલ છે કે તમે પણ મને બહુ પ્રેમ કરો છો.