સૂર્યનાં : તોફાન અને સૌર જ્વાળાને આદિત્ય-એલ1 યાને રેકોર્ડ કર્યાં.

  ચંદ્રયાન -2ના ઓર્બિટરે પણ મહત્વની કામગીરી કરી 

બેંગલુરુ : સૂર્યનારાયણ  તેમની ૨૫ મી સોલાર સાયકલ દરમિયાન અતિ અતિ ક્રોધાયમાન  થયા છે. ૨૦૨૪ની ૧૧મી મે ની વહેલી સવારે આદિત્યનારાયણની વિરાટ  થાળીમાંથી ફેંકાયેલા  સૌર વિદ્યુત ચુંબકીય  તોફાનની અને સૌર જ્વાળાની ભયાનક  ગતિવિધિને  ભારતના આદિત્ય-એલ ૧ અવકાશયાને   અને ચંદ્રયાન -૨ અવકાશયાનના ઓર્બિટરને રેકોર્ડ કરવામાં  સફળતા મેળવી  છે.અમેરિકાની નેશનલ  ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશને(એન.ઓ.એ.એ. -નોઆ) એવી માહિતી  આપી હતી કે ૨૦૨૪ની ૧૦,મે એ  સૂર્યની વિરાટ થાળી પર સર્જાયેલાં એઆર – ૩૬૬૪ -સંજ્ઞાવાળા  સૂર્યકલંકમાંથી બહાર ફેંકાયેલી એક્સ -૫.૮ની તીવ્રતા ધરાવતી  સૌર  જ્વાળા છેક  પૃથ્વી સુધી આવી છે. બીજીબાજુ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)નાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે સૂરજમાંથી બહાર ફેંકાયેલી ભયાનક સૌર જ્વાળાની વિનાશક અસર ભારત અને તેની નજીકના વિસ્તારોને નથી થઇ. સૌર જ્વાળાની ભારે અસર અમેરિકામાં અને પ્રશાંત મહાસાગરના પ્રદેશોમાં વધુ રહી છે. ખાસ કરીને મેક્સિકો અને તેની નજીકના વિસ્તારમાં વધુ થઇ છે.

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે  સૌર તોફાનને કારણે અંતરિક્ષમાં ગોળ ગોળ ફરતા ભારતના એક પણ સેટેલાઇટને કોઇ જ નુકસાન નથી થયું.બધા સેટેલાઇટ્સ હેમખેમ રહીને કાર્યરત છે.ખુશીની બાબત તો એ પણ છે કે આદિત્ય –એલ ૧ અવકાશયાનની અને ચંદ્રયાન –૨ અવકાશયાનની આ સફળતાને અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા) પણ સમર્થન સાથે  અભિનંદન આપ્યાં છે.નોઆનાં સૂત્રોના કહેવા મુજબ ૨૦૨૪ની ૧૧ થી ૧૪,મે દરમિયાન  સૂર્યમાં  ભયંકર ખળભળાટ  અને વિસ્ફોટ થયા છે. સૂર્યના તે ખળભળાટ -વિસ્ફોટને કારણે જ  તેની થાળી પર સૂર્ય કલંકો (ખગોળશાસ્ત્રની ભાષામાં સન સ્પોટ કહેવાય છે) પણ સર્જાયાં છે. 

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે સૂર્યમાં થઇ રહેલાં ભયંકર તોફાન અને ખળભળાટની  ગતિવિધિ, સૌર જ્વાળા અને તેનો પ્રકાર વગેરે પાસાંને  આદિત્ય–એલ ૧ અવકાશમાંનાં આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપરિમેન્ટ(એ.એસ.પી.ઇ.એક્સ.), સુપ્રા  થર્મલ એન્ડ   એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (એસ.ટી.ઇ.પી.એસ.), ટોપ હેટ એનેલાઇઝર -૧(ટી.એચ.એ.-૧),  ટોપ હેટ એનેલાઇઝર –૨(ટી.એચ.એ. -૨), સોલાર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (એસ.ડબલ્યુ.આઇ.એસ.), સોલાર  લો એનર્જી એક્સ –રે સ્પેક્ટ્રોમીટર(એસ.ઓ.એલ.ઇ.એક્સ.) વગેરે વૈજ્ઞાનિક ઉપકરણોએ સફળતાપૂર્વક રેકોર્ડ કરવામાં સફળતા મેળવી છે.ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે હાલ આદિત્ય –એલ ૧ અવકાશયાને પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂરના અંતરે આવેલા લાગ્રાન્ગ પોઇન્ટ -૧ પર રહીને સૂર્યમાં થતી તમામ રહસ્યમય ગતિવિધિનું સંશોધન કર્યું  છે. જ્યારે ચંદ્રયાન -૨ અવકાશયાનના ઓર્બિટરે  ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોળ ગોળ  ફરતાં રહીને સૂર્યનાં તોફાન રેકોર્ડ કર્યાં છે.