વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ ગયા છે. 21 મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી, ત્યારે ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. આ પહેલા ઈફ્કોની ચૂંટણીમાં બિનજરૂરી વિવાદ થયો હતો, પરંતુ નાફેડના ડાયરેક્ટની ચૂંટણીમાં અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.
ચૂંટણીમાં નવાજૂની થવાના એંધાણ હતા
ઈફ્કોના ડાયરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાનો વિજય થયો હતો. ત્યારે એવું કહેવાતું હતું કે, નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં નવાજૂની થઈ શકે છે. નાફેડના ડાયરેક્ટરના એક જ પદ માટે ભાજપ તરફી એવા સાત ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. જો કે ઇફ્કોની ચૂંટણી પછી ભાજપને ડહાપણ સૂઝ્યું અને નાફેડની ચૂંટણીમાં ઇફકોવાળી ના થાય તેનું ધ્યાન રાખ્યું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ કોઈના નામનો મેન્ડેટ આપશે નહીં એવું અંદર ખાને નક્કી કરાયું હતું.
આ ઉપરાંત એવી પણ માહિતી હતી કે અન્યોને ઉમેદવારી પત્રક પરત ખેંચવાની સૂચના પણ અપાશે. ઉલ્લેખનીય છે કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. રાજ્યની કૃષિ વિષયક મંડળીઓના વિભાગની એક બેઠક પર પાંચ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. ઈફ્કોની ચૂંટણી બાદ જે રીતે વિવાદ થયો હતો તેવો વિવાદ નાફેડની ચૂંટણીમાં ન થાય તે માટે ઘરમેળે સમજૂતી થઈ ગઈ હોવાના અહેવાલ છે.
આ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી
નાફેડ દ્વારા જારી કરાયેલી માન્ય નામાંકનની યાદી મુજબ ગુજરાતમાંથી રાજકોટ બેઠક પર લોકસભાની ટિકિટ માટે જેનું પત્તુ કપાયું તે મોરબીના સાંસદ મોહન કુંડારિયા (નીચામાંડલ સેવા સહકારી મંડળી (2) ગાંધીનગરના જેઠા ભરવાડ (ગુજ.સ્ટેટ કો.માર્કેટિંગ ફેડ) (3) આણંદના તેજસકુમાર પટેલ (ગુજ.કો. ટોબેકો ગ્રોવર્સ ફેડ.) (4) બનાસકાંઠાના અમૃત દેસાઈ (કાંકરેજ તાલુકા | સિહોરી કો.પરચેઝ સેલ યુનિયન) (5) ખેડા જિલ્લાના કપડવંજના જસવંત પટેલ (સોનીપુરા સોમનાથ સેવા સહકારી મંડળી) (6) મોરબીના મગન વડાવિયા (ખાખરાળા સેવા સહકારી મંડળી) (7) સાબરકાંઠાના હિંમતનગરના મહેશભાઈ (પ્રાંતિજ તા.કો.પરચેઝ એન્ડ સેલ યુનિયન)એ સાત સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે.