ચૂંટણીઓ આવે એટલે તોડફોડ, અન્યાય, અત્યાચાર અને રાજકીય લેવડ દેવડ નો સૌથી વધુ ભોગ કોંગ્રેસ પક્ષ બને છે. તેજ રીતે માર્ચ મહિનામાં પોરબંદર જિલ્લામાં માણાવદર અને પોરબંદર વિધાનસભાના ધારાસભ્યો એ અગમ્ય કારણોસર કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું મુનાસીબ માન્યુ. અને કોંગ્રેસમાંથી ગયેલા આ બંને પૂર્વ ધારાસભ્યોને ભાજપે એજ વિધાનસભાના ઉમેદવાર બનાવ્યા.
ગુજરાત કોંગ્રેસને સૌથી મોટો આંચકો પોરબંદરમાં લાગ્યો, પોરબંદર કોંગ્રેસને તોડવાના ભાજપના નેતાના મોટા ષડયંત્ર નો ભોગ કોંગ્રેસમાં આદરપાત્ર અને ચાલુ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા બન્યા, એ કેમ ભાજપમાં ગયા એ ખુદ અર્જુનભાઈ પણ નહીં જાણતા હોય, કારણ કે અર્જુનભાઈ લાલચુ નેતાની યાદીમાં આવતા નથી, એ ડરપોક નેતાની યાદીમાં પણ આવતા નથી એટલે કદાચ કોઈ ડર એને ભાજપમાં લઈ ગયું હોય એવુ પણ સ્થાનિક લોકો માનતા નથી.
ત્યારે શું તેઓ પહેલેથી જ ભાજપના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસમાં હતા ? લોકોના આ સવાલમાં કેટલાંક તર્ક બંધ બેસે છે કે બની શકે તેઓ પહેલેથી જ ભાજપના પરમ હિતેચ્છુ હોય!! હિતેચ્છુનું આવું જ બીજું મજબૂત નામ મર્હુમ અહેમદ ભાઈ પટેલનું પણ ગણાય છે, જો કે તેઓ હવે જન્નતનશીન છે એટલે તેમના વિશે કશું પણ સારું કે ખરાબ કહેવું એ માનવતાની તોહીન છે.
ત્યારે ૨૦૦૭/૨૦૧૨/૨૦૧૭ અને ૨૦૨૨ ની ચાર ચાર વિધાનસભા ચૂંટણીઓમાં ‘કોંગ્રેસ ના કાંગરા’ ખર્યા ના ટાઇટલ સાથે અખબારોમાં કોંગ્રેસી નેતાઓનો ભાજપ પ્રવેશ ચાલતો રહ્યો, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હવે માને છે કે ક્યાંય ને ક્યાંય અર્જુનભાઈ ના હાથ મજબૂત કરીને કોંગ્રેસે પોતાના હાથ કમજોર કર્યા છે.
કેટલાંક રાજકીય તજગ્નો માને છે કે કોંગ્રેસમાં હજુ પણ કેટલાંક નેતાઓ છે જે કિનારે બેઠા છે અને અર્જુનભાઈ ની મજબૂત જીત થાય તો તેઓ પણ ભાજપમાં સામેલ થવા આતુર છે, કોંગ્રેસના જે જે નેતાઓ ભાજપમાં ગયા તેમાં અર્જુનભાઈ નો મોટો હાથ હોવાનું રાજકીય નિષ્ણાંતો માને છે. તો કેટલાંક નેતાઓ અર્જુનભાઈના પ્રબળ વિરોધી હોવાને કારણે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે.
પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી એટલે યોજાણી કે પોરબંદર ના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા ભાજપમાં ગયા, તેઓ જયારે ભાજપમાં ગયા ત્યારે પણ આડકતરી રીતે કોંગ્રેસને અને ખાસ કરીને પોરબંદર કોંગ્રેસને પોતાના કબ્જામાં રાખવા માંગતા હતા તેથી રાજકીય ચાલો એવી ચાલ્યા કે પોરબંદર કોંગ્રેસ નોંધારી થઈ ગઈ, આવી સ્થિતિમાં ભાજપના મજબૂત વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ સામે ચૂંટણી લડે તો પણ મજબૂતાઈથી તો નાજ લડી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરી દીધું.
સમય થતાં ચૂંટણીની તારીખો નજીક આવી ભાજપમાંથી નિર્વિરોધ અર્જુનભાઈ નું નામ જાહેર થયું, આ તરફ કોંગ્રેસમાંથી સેવાદળ માં કાઠું કાઢેલા અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહેલાં રાજુ ઓડેદરા સહિત બેચાર ગણ્યા ગાંઠ્યા નેતા કહો કે કાર્યકર કહો તે બચ્યા હતા.
કોંગ્રેસે એની પરંપરા ન તોડવી હોય તેમ લોકસભાના ઉમેદવાર સાથે બે નિરીક્ષકોની ટીમ પોરબંદર મોકલી જેમાં કોંગ્રેસમાંથી આઠ દાવેદારોએ ટીકીટ ની માંગણી મુકી જેમાં પરિમલભાઈ ઠકરાર, અશ્વિનભાઈ મોતીવરસ, પ્રતાપભાઈ ખિસ્તરીયા, જગદીશભાઈ મોતીવરસ, રાણાભાઈ માલધારી, રાજુભાઈ ઓડેદરા, કાંતિભાઈ બુધેચા અને ભાર્ગવ જોશીએ દાવેદારી નોંધાવી હતી.
લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયાના સહવાસમાં હીરાભાઈ જોટવા અને જયકરભાઈ ચોટાઈ એ માંગણીદાર ઉમેદવારોનું ભાવી એની ડાયરીમાં કેદ કરી લીધું.
બધા માંગણીદારો એ રાજકીય સોગંધ લીધા કે ટીકીટ એનામાંથી કોઈને પણ મળે રહેશે સૌ સાથે, સમય જતાં ટીકીટ ઓડેદરા રાજુ ભીમાભાઈને મળી સાથે સાથે પેલા સોગંધ પણ તૂટ્યા, જગદીશભાઈ મોતીવરસે નિષ્ક્રિય રહેવાનું જાહેર કર્યું, પરીમલ ભાઈ એ ભાજપમાં જવાનું પસંદ કર્યું, અશ્વિનભાઈ મોતી વરસે સામે ફોર્મ ભર્યું, આ ઉપરાંત કોઈએ કોંગ્રેસના કોર્પોરેટર એવા જીવનભાઈ જુંગીને પણ ફોર્મ ભરાવ્યું.
બાકી બચેલા લોકોએ રાજુ ઓડેદરાના સાથે રહેવાનું પસંદ કર્યું જેમાં સહુથી ખુલીને તેમજ વિરોધીઓને મજબૂત પડકાર આપીને સાથ આપનાર ભાર્ગવ જોશીનું નામ આગળ રહ્યું, ભાર્ગવ જોશીનો પાર્ટીમાં વિરોધ પણ ખુબ થયો પરંતુ તેઓ ડગ્યા નહીં, સામે વિરોધીઓએ તેમને કોંગ્રેસમાં કામ ન કરવા દેવા પ્રલોભનો મોકલ્યા પણ જોશી ડગમગ્યા નહીં.
પરિણામે જે ભાજપ અને ખાસ કરીને કોંગ્રેસમાંથી ગયેલી ભાજપ એમ માનતી હતી કે તેની પ્રતિસ્પર્ધામાં કોઈ છે જ નહીં તેથી અર્જુનભાઈ એક લાખની ને સવા લાખની લીડ મેળવશે એ માન્યતાનો રક્કાસ રાજુ ઓડેદરા અને ભાર્ગવ જોશીની જોડીએ કાઢ્યો કહી શકાય, બચેલી કોંગ્રેસમાં ભાર્ગવ જોશીનો ઘોર વિરોધ છતાં તેઓએ સહુને સાથે રાખીને જે રણનીતિ બનાવી તેમાં ઉમેદવાર તરીકે રાજુભાઈ ઓડેદરાનો વિશ્વાસ ભળતા ચૂંટણી પૂર્ણ થતાં સુધીમાં ખુદ ભાજપના જુના તજગ્નો કે જેઓએ અર્જુનભાઈ ના આગમનનો આંતરિક વિરોધ દર્શાવ્યો હતો અને એને ઠારવા ભાજપના પ્રદેશ હાઈકમાંડને ખુદ ને પોરબંદર ધક્કો ખાવો પડ્યો હતો એ તજગ્નો પણ માને છે કે અર્જુનભાઈ ને કોંગ્રેસની નવી ટીમ, નવા ઉમેદવાર અને નવી રણનીતિએ મજબૂત ટક્કર આપી છે.
રાજુ ઓડેદરાએ જાણે કે નવી કોંગ્રેસને પ્રાણ ફૂંક્યા છે અને આ શ્રેય નવી કોંગ્રેસના એક એક સદસ્યને જાય છે, રાજુભાઈની ટીમમાં નારણભાઇ ચાચીયા, મહેન્દ્રભાઈ ગોઢાણીયા, ભાર્ગવ જોશી, હરીશ મોતીવરસની ટુકડી સાથે રહી છે. જ્ઞાતિ સમીકરણોમાં પોરબંદરની હાર જીતમાં મહેર, ખારવા, બ્રાહ્મણ અને દલિત મતો હાર જીતનો પાયો નાખતાં હોય છે ત્યારે આ ચૂંટણીમાં ઇતિહાસમાં પહેલીવાર ભાજપના સમર્થનમાં બ્રાહ્મણોનું સંમેલન સ્થગીત રહ્યું, દલિતના એક પણ મજબૂત ઉમેદવારે આ ચૂંટણીમાં ફોર્મ ન ભર્યું, જો કે ખારવા સમુદાયના જીવનભાઈ જુંગી અને અશ્વિનભાઈ મોતીવરસે ચૂંટણી લડી છે પરંતુ હરીશ મોતીવરસના નેતૃત્વમાં લાલજીભાઈ ગોસીયા, મુળજીભાઈ અને શૈલેષભાઇ સહિત ઘણાં બધા અન્ય ખારવા અગ્રણીઓએ અજ્ઞાત પણે કોંગ્રેસ તરફ કામ કર્યું છે પરિણામે પાછલા ૧૫ વર્ષનો રેકોર્ડ તોડે તેવું ખારવા સમુદાયના વોર્ડો માં વધુ મતદાન પડ્યું છે.
પોરબંદર માં આ વખતે બીજા પણ બેત્રણ રેકોર્ડ બ્રેક વિષયો ચૂંટણી દરમ્યાન નોંધાયા છે, જેમાં ગુજરાત જ નહીં ભારતમાં પોરબંદર પહેલા ક્રમાંકે કહી શકાય કે પુરુષ મતદારોના મુકાબલે સ્ત્રી મતદારોએ ૧૧.૭૬% ઓછું મતદાન કર્યું છે, આને અનેકરીતે મૂલવી શકાય છે પરંતુ દેખીતી રીતે મૂલવીએ તો મહિલાઓ નું ઓછું મતદાન એ ભાજપને નુકશાની આપશે અને પુરુષોમાં જે મતદાન વધ્યું છે, તેને બેરોજગાર યુવાનોનું મતદાન વધ્યું હોય તેમ માનવામાં આવે તો એ નુકશાની પણ ભાજપને જ જશે.
આ ઉપરાંત પોરબંદર લોકસભા અને વિધાનસભા ની ચૂંટણીમાં પોરબંદર વિધાનસભા ના મતક્ષેત્ર માં લોકસભાનું મતદાન ૫૧.૫૨% અને વિધાનસભાનું મતદાન ૫૭.૯૯% નોંધાયું છે, આ વધ ઘટને ક્રોસ વોટીંગ માનવામાં આવે છે અને આ ક્રોસ વોટીંગ પણ ભાજપને જ નુકશાની દેશે તેવું રાજકીય નિષ્ણાંતો માને છે.