શહેરનું પર્યાવરણ બગાડતું, ગટર જામ કરી દેતું પ્લાસ્ટિક પ્રદુષણ હોય કે જનઆરોગ્ય જોખમાવતી પ્રવૃતિ હોય, મનપા દ્વારા ક્યારેક થતી ચેકીંગ,દંડની કામગીરીથી ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાતો ન હોય તેમ વારંવાર આ નિયમોની જાણ કરવા છતાં તેનો ભંગ ગણત્રીપૂર્વકનું જોખમ લઈને થતો રહે છે. આજે પરાબજાર અને દાણાપીઠ વિસ્તારમાં ચેકીંગ કરાતા ૧૪ વેપારીઓ પાસેથી ૧૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતુ જે માટે માત્ર રૂ।.૬૬ હજારનો દંડ વસુલ કરાયો છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મારુતિ ટ્રેડીંગ, ક્રિષ્ણા પ્લાસ્ટિક, પેકવેલ,શ્રીનાથજી પ્લાસ્ટિક, બાલાજી ટ્રેડર્સ, મોહનજી માધવજી ચંદારાણા, રઘુવીર, સિધ્ધિવિનાય, રાજુ, સીમા, પ્રીતેશ, જી.કગરીયા, જે.કટારીયા,મનોજભાઈ વગેરે નામથી ધંધો કરતા પ્લાસ્ટિકના વેપારીઓ પાસેથી ૧૫૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને દંડ વસુલાયો છે. આવું ચેકીંગ ક્યારેક જ થતું હોય અને માત્ર પ્લાસ્ટિક જપ્ત કરીને રૂ।.૩ અને ૫ હજારનો દંડ થતો હોય બધાને પ્રતિબંધ હોવાની જાણ હોવા છતાં તેની માંગ રહેતી હોય વેચાણ થતુ રહે છે. જો કે આજે જથ્થાબંધ વેપારીઓને ત્યાં ચેકીંગ કરાતા હજારો ફેરિયા પાસે પ્લાસ્ટિક એટલું ઓછુ પહોંચશે પરંતુ, આ અંગે સીલીંગ સહિત નક્કર પગલાની જરૂર છે.
ઉનાળો તો માર્ચમાં શરુ થઈ ગયો અને તે સાથે બરફનો વપરાશ પણ શરુ થયો, ખાસ કરીને શરબત,શેરડી વગેરેના ધંધાર્થીઓ દ્વારા બરફનો મહત્તમ ઉપયોગ થતો હોય છે. ત્યારે આરોગ્ય શાખાએ આજે લાભ આઈસ ફેક્ટરી, મહાદેવ આઈસ, નવદુર્ગા આઈસ ફેક્ટરી, ક્રિષ્ણા ફ્રીઝીંગ અને નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરીને ત્યાં ચેકીંગ કરીને પાણીના નિયમિત રિપોર્ટ આપવા, હાઈજેનિક કન્ડીશન જાળવા નોટિસ આપી હતી. મનપાએ ખરેખર સ્થળ ઉપર જ બરફના પાણીનું પરીક્ષણ કરીને પગલા લેવાને બદલે હાલ માત્ર નોટિસ અપાઈ છે.