એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક એટલે કે વડોદરાના વિદ્યાર્થીઓ માટેની અનામત ખતમ કરવાની ચાલી રહેલી હિલચાલ વચ્ચે આ મુદ્દે સત્તાધીશોએ નિર્ણય પણ લઈ લીધો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ માટે દરખાસ્ત મુકાઈ હતી .અત્યારે સરકારની એડમિશન કમિટિ પ્રવેશ ના આપતી હોય તેવી આર્ટસ, સાયન્સ અને કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં સ્થાનિક વિદ્યાર્થીઓને ૭૦ ટકા અનામત મળે છે.જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલે બેઠકો ઘટાડીને ૫૦ ટકા કરવાની દરખાસ્તને મંજૂરી પણ આપી દીધી છે.હવે માત્ર સત્તાધીશો દ્વારા આ નિર્ણયને નોટિફાય કરવાનો બાકી છે.
નવો કોમન એકટ આવ્યા બાદ સિન્ડિકેટની જગ્યાએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અસ્તિત્વમાં આવી છે.જેમાં વાઈસ ચાન્સેલરના કિચન કેબિનેટના મનાતા કહ્યાગરા અધ્યાપકોનો જ સમાવેશ કરાયો છે.જેના કારણે આ દરખાસ્ત પસાર કરવામાં પણ કોઈ તકલીફ ના પડી હતી.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સત્તાધીશોએ વડોદરાના વિદ્યાર્થીઓ પર ભારે ગંભીર અસર પાડનારો નિર્ણય લેતા પહેલા કોઈને પણ વિશ્વાસમાં લીધા નથી અને રીતસરની મનમાની ચલાવી છે.જેની સામે હવે વડોદરાના લોકો અને નેતાઓ કેટલો વિરોધ કરે છે તે જોવાનુ રહે છે.જો આ નિર્ણય સામે વિરોધનો સૂર નહીં ઉઠે તો યુનિવર્સિટી સત્તાધીશો વડોદરાને અન્યાય કરતો આ નિર્ણય આગામી મહિનાથી શરુ થનારા નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરી દેશે તેમાં કોઈ શંકા નથી.