ધોરણ 12 સાયન્સનું તાજેતરમાં પરિણામ જાહેર થયા બાદ તેમાં નાપાસ થયેલો મકરપુરા વિસ્તારનો એક વિદ્યાર્થી નિરાશ અને હતાશ થતા ઘેરથી જતો રહ્યો હતો તેની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. જેથી આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી તેમજ રેલવે સ્ટેશન પર પણ તપાસ કરતા તે રેલ્વે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં મુંબઈ તરફ જતી ટ્રેનમાં જતો જણાયો હતો. પોલીસે ત્યારબાદ મુંબઈ તરફ જતી ટ્રેનોના ભરૂચ સુરત નવસારી વલસાડ રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. છેલ્લે મુંબઈ સેન્ટ્રલ રેલવેના સીસીટીવી કેમેરામાં વિદ્યાર્થી જણાયો હતો. જેના પગલે પોલીસે મુંબઈ પોલીસને સાથે રાખી રેલવે સ્ટેશનની આજુબાજુની હોટલો તેમજ અન્ય વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તે કોલકત્તા હોવાનું જાણવા મળતા પોલીસની એક ટીમ કોલકત્તા પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીને લઈને પરત વડોદરા આવી હતી. પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ધોરણ 12 સાયન્સમાં નાપાસ થતા હતાશ થઈ ગયો હતો અને આ કારણથી જ ઘર છોડ્યું હતું.