સોમવારની રાત્રે વડોદરા શહેરમાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે ઠેર-ઠેર અંધારપટ છવાયો હતો.ખોરવાઈ ગયેલા વીજ પુરવઠાને પૂર્વવત કરવાની કામગીરી મંગળવારે બપોરે પણ ચાલુ રહી હતી.
મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વડોદરામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા હતા અને લગભગ 50 જેટલા સ્થળોએ વીજ લાઈન પર જ વૃક્ષો પડયા હતા અને મુખ્યત્વે તેના કારણે જ શહેરમાં વીજ સપ્લાય ખોરવાયો હતો.
જ્યારે અન્ય કેટલાક ફીડર તકેદારીના ભાગરુપે બંધ કરવામાં આવ્યા હતા. કુલ મળીને 33 ફીડરો પરના લગભગ દોઢ લાખ જોડાણો પર સોમવારની રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો અને તેના કારણે હજારો વડોદરાવાસીઓને કલાકો સુધી અંધારામાં રહેવુ પડયુ હતુ. સૂત્રોનુ કહેવુ છે કે, વીજ સપ્લાય પૂર્વવત કરવાની કામગીરી આખી રાત ચાલુ રહી હતી. તમામ વીજ ફીડરો પર વીજ પુરવઠો ચાલુ થઈ ગયો છે. કુલ મળીને 800 જેટલી ફરિયાદો વીજ કંપનીને મળી હતી. તેમાંથી હવે 150 જેટલી જ ફરિયાદોનો ઉકેલ લાવવાનો બાકી છે. અત્યારે પણ 600 જેટલા કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે.