એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટી દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા જ નહીં હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટીમાં ભારે હંગામો મચાવીને ડીનની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા.

લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિએશનનુ કહેવુ હતુ કે, કોઈ પણ લો કોલેજ પાસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા હોવી જરૂરી છે. સમયાંતરે આ માન્યતાને રીન્યૂ કરાવવામાં આવતી હોય છે. આ માન્યતા હોય તો જ જે તે કોલેજમાંથી ડિગ્રી લેનારા વિદ્યાર્થીને વકીલાત કરવા માટે સનદ મળતી હોય છે. જો સનદ ના મળે તો ડિગ્રી હોવા છતા વિદ્યાર્થી ભારતમાં કોઈ પણ જગ્યાએ વકીલાત કરી શકે નહીં અને તેમનુ ભાવિ અંધકારમય બની શકે છે.

વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પરના લિસ્ટમાં એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીની માન્યતા 2020માં પૂરી થઈ ગઈ હતી.એ પછી પણ હજી સુધી ફેકલ્ટી દ્વારા માન્યતા રીન્યૂ કરાવ્યા વગર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને તેના કારણે લો ફેકલ્ટીમાંથી ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓને આગળ મુશ્કેલી પડી શકે છે.

વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કે લો ફેકલ્ટીના ઓએસડી શરૂઆતમાં હાજર નહીં હોવાથી ડીન ઓફિસને તાળુ મારીને, ડીન મિસિંગના પોસ્ટરો પણ દર્શાવવામાં આવ્યા હતા. એ પછી વિજિલન્સના સભ્યોએ આવીને તાળા તોડ્યા હતા.