રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેની કામગીરીથી ટ્રાફિક જામ.

રાજકોટ-અમદાવાદ સિક્સલેનની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. ચોમાસાને કારણે આ હાઈવે પર પસાર થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લીંબડી પાસે ચાલી રહેલાં બ્રિજના કામના કારણે રસ્તા પર વરસાદના પાણી ભરાઈ જવાથી જબરદસ્ત ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામના કારણે વાહનચાલકો કલાકો સુધી ફસાઈ ગયા હતાં. આ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ અને R&Bના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને ટ્રાફિકને પૂર્વવત કરવા પ્રયાસો હાથ ધર્યા હતાં. 

અમદાવાદ તરફ આવતા વાહનચાલકો ફસાયા
અમદાવાદ-રાજકોટ સિક્સલેનની કામગીરી અંતર્ગત લીંબડી પાસે પણ હાલ બ્રિજનું કામ ચાલી રહ્યું હેવાથી જે ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે એના પર વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.કલાકો સુધી ટ્રાફિકજામ રહેતાં હાઈવે પર 8 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી. લીંબડી પાસે ટ્રાફિકજામ થતાં અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ તરફ આવતા વાહનચાલકો ફસાયા હતા. 

આજુબાજુમાં દબાણને કારણે કામ ઝડપી થતુ નથી
ઘટનાની જાણ થતાં પોલીસ અને R&Bના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બિસ્માર થયેલા રસ્તા પર કપચી પાથરવામાં આવી હતી. હાલ વાહનવ્યવહાર પૂર્વવત થયો હોવાનું જાણવા મળ્યું છે, જોકે આ પહેલાં 10 કલાક સુધી લોકોને અહીં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ સમસ્યા મામલે લીંબડી આરએન્ડબીના સ્ટાફે જણાવ્યું હતું કે સિક્સલેનના કામમાં આજુબાજુમાં દબાણને કારણે કામ ઝડપી થઇ શકતું નથી. બીજી બાજુ, ગટરના કામ માટે પણ લોકોનો સપોર્ટ ન મળતાં આ વિકટ સમસ્યા ઉદભવી છે.