પાકિસ્તાન અંગે રાજનાથ સિંહનું મોટું નિવેદન.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, PoKને ભારતમાં ભેળવી દેવાની માંગ થઈ રહી છે, જેમાં અમારે કંઈ જ કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેના સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ આતંકવાદ અંગે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ભારતે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

રાજનાથે પાકિસ્તાન-ચીનને લીધા આડે હાથ, કહ્યું 

PoK અંગે રાજનાથસિંહે કહ્યું કે, ત્યાંનો લોકો જ ભારતમાં ભેળવવાની સતત માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમારે વધુ કશું કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાજનાથ સિંહે પાકિસ્તાન ઉપરાંત ચીન અંગે પણ નિવેદન આપતા કહ્યું કે, અમારી સેનાએ LAC પર ચીનને જોરદાર જવાબ આપ્યો છે. પાકિસ્તાનની જમીન પરથી ફેલાતા આતંકવાદ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, જ્યારે 2019માં પુલવામા હુમલો થયો, ત્યારે વડાપ્રધાન મોદીએ 10 મિનિટની અંદર જ એક્શન લેવાનો નિર્ણય કર્યો, તે ઘટના બાદ જ ભારતીય સેનાએ સીમા પાર ઘૂસી આતંકવાદીઓનો ખાતમો કર્યો… રાજનાથે સ્પષ્ટ કહ્યું કે, જો જરૂર પડશે તો ભારત સીમા પાર જઈને પણ દુશ્મનોનો ખાત્મો બોલાવી શકે છે.

PoKમાં પાકિસ્તાનની સત્તા વિરુદ્ધ પ્રદર્શનો

ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણે પાકિસ્તાનની કમર તોડી નાખી છે… તો રાજકીય મોરચે પણ પાકિસ્તાન કફોડી સ્થિતિ જોવા મળી છે. આ તમામ બાબતો વચ્ચે PoKમાં પણ પાકિસ્તાનની સત્તા વિરુદ્ધ પ્રદર્શનો થતા રહે છે. આ જ કારણે PoK મોરચા પર ભારત સરકારની નજર રહેલી છે, ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે આપેલું નિવેદન ખુબ જ મહત્વનું બની જાય છે.

સંરક્ષણ મંત્રીએ ચીનને પણ સંભળાવ્યું

રાજનાથ સિંહે પાકિસ્તાનની સાથે સાથે ચીન પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરહદ પર ચીન હંમેશા ધમપછાળા કરતું રહ્યું છે, પરંતુ ચીને ભારતીય જમીન પર કબજો જમાવ્યો હોવાનો દાવો ખોટો છે. આપણી બહાદુર સેનાએ સરહદ પર ચીનના દરેક ઈરાદાને નિષ્ફળ બનાવ્યો છે.