ખાડી દેશ અબુ ધાબી પોલીસે હવે જાહેરાત કરી છે કે, હાઈવે પર ગાડી રોકીને રસ્તાની એક તરફ નમાઝ પઢનારા લોકો પર દંડ ઝીંકવામાં આવશે. પોલીસના કહેવા અનુસાર રસ્તાની એક તરફ નમાઝ પઢવાનુ રસ્તા પર ગાડીઓ ચલાવનારા માટે પણ જોખમી છે.
જાગૃતિ અભિયાનના ભાગરુપે પોલીસે જાહેર કરેલો આદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અબુધાબી પોલીસના વડાના કહેા અનુસાર રસ્તા પર સુરક્ષાના નિયમોનુ પાલન થાય તે અમારી પ્રાથમિકતા છે. લોકો ઘણી વાર રસ્તા પર ગાડી રોકીને નમાઝ પઢતા હોય છે અથવા તો બીજુ કોઈ કામ કરતા હોય છે. આથી જ આ પ્રકારની જાહેરાત અમારે કરવી પડી છે.
નિયમ પ્રમાણે હવે રોડ સાઈડ પર કાર કે બીજુ કોઈ વાહન રોકવુ તે ગુનો ગણાશે અને તેના માટે દંડ ભરવો પડશે. રસ્તાના વળાંક કે ચાર રસ્તા પર વાહન રોકવામાં આવશે તો વાહન ચાલકને 500 દિરહામનો દંડ ફટકારવામાં આવશે. રસ્તાની એક તરફ ખોટી રીતે પાર્કિંગ કરવા બદલ 400 દિરહામ દંડ કરવામાં આવશે.જે લોકો ગાડી બગડે તેવી સ્થિતિમાં સુરક્ષાના જરુરી ઉપાય નહીં કરે તો તેમણે 500 દિરહામ દંડ ભરવો પડશે.
અબુ ધાબી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનુ કહેવુ છે કે, લોકો રસ્તાની સાઈડ પર નહીં પણ રહેણાંક વિસ્તારમાં બનેલા રેસ્ટ રુમ, પેટ્રોલ સ્ટેશન અને મસ્જિદોમાં નમાઝ પઢે તેવી અમારી અપીલ છે.