મોરેશિયસ તેના કુદરતી સૌંદર્ય માટે જગવિખ્યાત છે. ‘ઈશ્વરે પહેલાં મોરેશિયસ બનાવ્યું હશે અને પછી સ્વર્ગની રચના કરી હશે’ – એવું લેખક માર્ક ટ્વેઈનનું વાક્ય ખૂબ જાણીતું છે અને મોરેશિયસનો પર્યટન વિભાગ એનો ખૂબ પ્રચાર પણ કરે છે. આ ટાપુદેશમાં દુનિયાના સૌથી સુંદર બીચ છે અને આંખો ઠારે એવા હરિયાળા પ્રદેશો છે. આસમાની બ્લૂ રંગનો દરિયાકાંઠો જોઈને હરિયાળી ભૂલાઈ જાય ને હરિયાળી જોઈને દરિયાકાંઠો ભૂલાઈ જાય! સવારનો કૂણો તડકો અને સાંજનો ઠંડો પવન મોરેશિયસને વધુ આહ્લાદક બનાવે છે. આ ટચૂકડા દેશને કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય આપ્યું છે. જાણે એના કદમાં સુંદરતા સમાતી ન હોય એવું ફાટફાટ થતું સૌંદર્ય માણવા માટે વર્ષે ૧૫ લાખ વિદેશી પ્રવાસીઓ પહોંચે છે અને એમાં ભારતીયોનો આંકડો પણ ઘણો મોટો છે. બે લાખ ભારતીયો મોરેશિયસ અવર્ણનીય ખૂબસૂરતી માણવા જાય છે.

મોરેશિયસની ખાસિયત એ છે કે પૂર્વ આફ્રિકાના કાંઠે આવેલો આ દેશ મિની ભારત ગણાય છે. મોરેશિયસમાં સૌથી વધુ નાગરિકો ભારતીય મૂળના છે. લગભગ ૬૭થી ૭૦ ટકા નાગરિકોના મૂળિયાં ભારતીય છે ને કુલ વસતિના ૫૦ ટકા હિંદુ ધર્મ પાળે છે, પરિણામે ભારતીય પ્રવાસીઓને ભારતના જ કોઈ રાજ્યમાં આવ્યા હોવાનો અનુભવ થતો રહે છે.

આફ્રિકા ખંડનો આ ટાપુદેશ માડાગાસ્કરની નજીક હિંદ મહાસાગરમાં આવેલો છે એટલે વ્યૂહાત્મક રીતે તેનું ભારત માટે ખૂબ મહત્ત્વ છે. મોરેશિયસને ૧૯૬૮માં બ્રિટનના તાબામાંથી આઝાદી મળી હતી. ભારતની જેમ વિદેશીઓના તાબામાં રહેવાનો મોરેશિયસનો પણ સદીઓ જૂનો ઈતિહાસ છે. કહે છે કે ૧૫મી સદીમાં મોરેશિયસમાં કોઈ રહેતું ન હતું. પોર્ટુગલના દરિયાઈ વેપારીઓ અને લડવૈયાઓ ૧૫૦૭માં આ ટાપુ પર ઉતર્યા હતા અને ત્યારથી એમાં વસાહતો સ્થપાઈ. લગભગ સોએક વર્ષ સુધી પોર્ટુગલોનો કબજો રહ્યો. એ પછી ડચ સૈન્યએ એના પર કબજો કર્યો અને ડચ રાજકુમાર મોરિસ પરથી નામ આપ્યું મોરેશિયસ. લગભગ દોઢસો વર્ષ સુધી ડચ શાસન હેઠળ રહ્યા બાદ મોરેશિયસ ફ્રાન્સના અંકુશમાં આવ્યું અને છેલ્લે બ્રિટનના તાજમાં જડાયું. ૧૯૬૮માં એમાંથી છૂટકારો મળ્યો તે પહેલાં ભારતીય કામદારોને મોટી સંખ્યામાં બ્રિટને મોરેશિયસ બોલાવ્યા હતા, પરિણામે મોટી સંખ્યામાં ભારતીયો આ ટાપુદેશમાં જઈ વસ્યા.

ભારત-મોરેશિયસ વચ્ચે દરિયાઈ ‘ડિસ્ટન્સ’ ૩૧૦૦ નોટિકલ માઈલ છે, પરંતુ દ્વિપક્ષીય સંબંધો બહુ ‘ક્લોઝ’ છે. સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સમાનતા હોવાથી ભારત-મોરેશિયસના સંબંધો શરૂઆતથી જ મજબૂત બન્યા હતા. આમેય ભારતને આઝાદી મળી તે પછી બ્રિટિશ રાજે ૧૯૪૮માં ભારત-મોરેશિયસના સત્તાવાર રાજદ્વારી સંબંધો શરૂ કર્યા હતા. મોરેશિયસ ભારત પાસેથી વર્ષે ૮૦થી ૯૦ કરોડ ડોલરની ચીજવસ્તુઓ આયાત કરે છે. મોરેશિયસ એવડું મોટું ઉત્પાદક નથી છતાં ભારત વર્ષે ૬થી ૧૦ કરોડ ડોલરની ચીજવસ્તુઓ આયાત કરે છે, જેમાં મેડિકલની ચીજવસ્તુઓ મુખ્ય છે. ૨૦૨૨માં ભારત-મોરેશિયસ વચ્ચે ૧૦ કરોડ ડોલરનો સંરક્ષણ સોદો થયો હતો. તે પહેલાં ૨૦૨૧માં પણ બંને દેશો ડિફેન્સ સહયોગ વધારવા સહમત થયા હતા. ૨૦૧૫માં અગલેગા ટાપુનો વિકાસ કરવા માટે બંને દેશોએ કરાર કર્યો હતો.

ભારત-મોરેશિયસ વચ્ચે ગાઢ થઈ રહેલાં સંબંધો વચ્ચે ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયન લશ્કરે પહેલી વખત દાવો કર્યો હતો કે ભારત મોરેશિયસમાં લશ્કરી મથક બનાવી રહ્યું છે. થોડા સમય પછી મિડીયા અહેવાલોમાં પણ એવો જ દાવો થયો હતો. ફરીથી એવો જ અહેવાલ સેટેલાઈટ ઈમેજના આધારે રજૂ થયો છે. ઓપન સોર્સ ઈન્ટેલિજન્સના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવાયું હતું કે ભારતે મોરેશિયસમાં નિર્માણ કરેલું લશ્કરી મથક હવે વપરાશ માટે તૈયાર છે. સેટેલાઈટ ઈમેજમાં એક લશ્કરી હેંગર દેખાઈ રહ્યું છે. યુદ્ધ વિમાનો સહિતના લશ્કરી વાહનો અને સામગ્રી રાખવા માટે હેંગર બનાવવામાં આવે છે. વળી, હેંગરની આસપાસ એર સ્ટ્રીપ કે જે ડ્રોન સર્વેલન્સ અને લડાકુ વિમાનોને ઓપરેટ કરવા માટે વપરાય છે તે પણ તૈયાર છે. રન-વે, ટેક્સી-વે ઉપરાંત અન્ય લશ્કરી જરૂરિયાત માટેના બાંધકામો પણ ટાપુ પર દેખાઈ રહ્યાં છે.

ભારતે જ્યાં લશ્કરી મથક સ્થાપ્યું હોવાનું કહેવાય છે એ અગલેગા ટાપુ મોરેશિયસના મુખ્ય ટાપુથી ૧૧૦૦ કિલોમીટર દૂર છે. અગલેગા મૂળ તો બે ટાપુમાંથી બનેલો એક ટાપુ છે. અગલેગા ટાપુમાં માત્ર ૩૦૦થી ૩૫૦ લોકો જ રહે છે. ટાપુમાં નાળિયેરના બગીચા છે અને લોકો માછલી પકડવાનો મુખ્ય વ્યવસાય કરે છે. આ ટાપુ વૈશ્વિક શિપિંગ રૂટમાં આવતો હોવાથી એનું સુરક્ષાની રીતે ઘણું મહત્ત્વ છે. દુનિયાનો ૩૫ ટકા સામાન આ માર્ગ પરથી નીકળે છે. ભારત આ રસ્તેથી જ આફ્રિકન દેશોમાંથી આયાત કરે છે, પરિણામે ભારતની હાજરી આ ટાપુમાં હોય તો તેનાથી હિંદ મહાસાગરમાં પક્કડ મજબૂત બની શકે છે અને માલવાહક જહાજોની સુરક્ષા સઘન બની શકે છે. ચીન હિંદ મહાસાગરમાં સતત પગપેસારો કરી રહ્યું છે ત્યારે ભારતની મોરેશિયસના ટાપુમાં હાજરી હોય તો તેનાથી હિંદ મહાસાગરમાં ચીનના પ્રભાવનો જવાબ આપી શકાય છે.

ભારતીય લશ્કરે હિંદ મહાસાગરમાં પક્કડ મજબૂત કરવા માટે મોરેશિયસના ટાપુઓમાં લશ્કરી મથક બનાવ્યું હોવાનું એકથી વધુ વખત કહેવાયું છે, પરંતુ ભારત સરકારે તે બાબતે સમર્થન આપતું કે ખંડન કરતું કોઈ નિવેદન આપ્યું નથી. ભારતે જાણી-જોઈને રણનીતિના ભાગરૂપે મૌન રાખ્યું છે. હિંદ મહાસાગરમાં ભારતીય લશ્કર મથક બનાવે છે એ વાતથી ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધોમાં અસર થઈ શકે છે. જેટલું દરિયાઈ અંતર ભારત-મોરેશિયસ વચ્ચે છે લગભગ એટલું જ અંતર ઓસ્ટ્રેલિયાના પશ્વિમ કાંઠેથી મોરેશિયસનું છે. ભારત ઓસ્ટ્રેલિયન રેન્જમાં લશ્કરી મથક સ્થાપવાની જાહેરાત કરે તો તેનાથી અમેરિકા-જાપાન-ઓસ્ટ્રેલિયા-ભારતના ‘ક્વાડ-સંબંધો’માં પણ ફટકો પડી શકે છે.

ભારત-મોરેશિયસ બંનેને હિંદ મહાસાગરમાં એકબીજાની જરૂર છે. સોમાલિયાા ચાંચિયાઓનો એક સમયે ભારે ત્રાસ હતો. હજુય સમુદ્રી સુરક્ષા એ વિસ્તારમાં માથાનો દુખાવો બને છે. મોરેશિયસના ટાપુઓમાં ભારતનું લશ્કરી મથક હોય તો એનો કાંઠો વધુ સુરક્ષિત બને. બીજી તરફ ભારતનો મોટો વેપાર એ માર્ગે થાય છે એ પણ સલામત બને. ચીનનો ડોળો આખાય હિંદ મહાસાગર પર મંડાયેલો છે. આફ્રિકાના ઘણા ટાપુ દેશોને આર્થિક સહાય કરીને ચીને ત્યાં ગુપ્ત લશ્કરી મથકો બનાવ્યાનું કહેવાય છે. શ્રીલંકાના હંબનટોટા બંદરને ૧૦૦ વર્ષ માટે ચીને ભાડે રાખ્યું છે. 

ચીનનો પ્રભાવ ખાળવા ભારતે જો મોરેશિયસમાં મથક બનાવ્યું હોય તો એ બહુ દૂરગામી સાબિત થશે. હિંદ મહાસાગરમાં મોરેશિયસ જે સ્થળે આવ્યું છે એનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. એક તરફ આફ્રિકન કાંઠો એની રેન્જમાં આવે, બીજી તરફ ઓસ્ટ્રેલિયા સુધીના હિંદ મહાસાગરના દરિયામાં નજર રાખી શકાય ને ત્રીજી તરફ ભારત સુધીના ૩૦૦૦ નોટિકલ માઈલની સમુદ્રી સુરક્ષા જડબેસલાક થાય. અમેરિકા-ચીન હિંદ મહાસાગરમાં પક્કડ જમાવવાની પેરવીમાં છે ત્યારે ભારત-મોરેશિયસનો સંરક્ષણ સહયોગ નવાં સમીકરણો રચશે.