એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓની નિમણૂંકનુ આઉટ સોર્સિંગ કરવાના નિર્ણય સામે કર્મચારી આલમમાં ભારે રોષની લાગણી છે.
આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આઉટ સોર્સિંગ માટે ટેન્ડર ખોલવામાં આવનાર હતુ પણ યુનિવર્સિટીના ચાર કર્મચારી સંગઠનો વિરોધ માટે એક મંચ પર આવ્યા હતા અને સેંકડો કર્મચારીઓ તે જ સમયે યુનિવર્સિટી હેડ ઓફિસની બહાર વિરોધ કરવા માટે એકઠા થયા હતા.
કર્મચારીઓના વિરોધમાં અધ્યાપક સંગઠન બુટાના આગેવાનો પણ જોડાયા હતા. કર્મચારીઓનો વિરોધ જોઈને ફફડી ઉઠેલા સત્તાધીશો ટેન્ડર ખોલવાનુ ટાળી દીધુ હતુ. મળતી વિગતો પ્રમાણે હવે તા.27 જૂને ટેન્ડર ખોલવાનુ નક્કી કરાયુ છે.
દરમિયાન કર્મચારીઓએ ભારે સુત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા. કર્મચારી આગેવાનોએ યુનિવર્સિટી સત્તાધીશો યુનિવર્સિટીનુ ખાનગી કરણ કરવા માંગતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા.