શહેરમાં ગઈકાલે રાત્રે શાહઆલમ દરગાહ પાસે બે લુખ્ખા તત્વો વચ્ચે જુની અદાવતમાં તકરાર થઈ હતી. આ તકરાર એટલી હદે વધી હતી કે, કુખ્યાત આરોપીઓએ વાહન સળગાવી દીધા હતાં અને મકાન પર પત્થરો ફેંકતાં આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ ઉભો થયો હતો. તે ઉપરાંત આરોપીઓ  એક ટુ વ્હિલરની પણ લૂંટ કરીને ભાગી ગયા હતાં. આ ઘટનાને લઈને ઈસનપુરમાં રહેતા આરીફની પત્નીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે. 

ઘરના દરવાજા તરફ પત્થરો અને કાચની બોટલો ફેંકી
ઈસનપુરમાં ટપોરી તરીકે ઓળખાતા આરીફ ઉર્ફે કટ્ટોની પત્ની યાસ્મીનાબાનુએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેનો પતિ આરિફ રાત્રે અગિયાર વાગ્યે ચોકીદાર બાવાની દરગાહ પાસે રોજની જેમ બેસવા ગયો હતો અને પોણા બારેક વાગ્યે ઘરે પાછો આવ્યો હતો. ત્યારે પત્નીએ તેને પુછ્યું હતું કે, આપણું વિહિકલ ક્યાં છે. ત્યારે આરીફે તેને જણાવ્યું હતું કે, નરલ સ્ટોર્સ નામની દુકાનની સામે રોડ ઉપર પાર્ક કરીને મુકેલ છે. ત્યારબાદ રાતના આશરે બારેક વાગ્યે મારા ઘરની બહાર પથ્થરો અને કાચની બોટલોના ઘા થવા લાગતા તેણે પતિને પડોશી રસુલભાઇના ઘરે લઈ જઈ તેમના ઘરમાં બેસાડી દીધેલ અને ત્યા બાજુમાં એક મકાનની આડાશમાં ઉભી રહીને જોતા મુસ્તાક હાજી ઉર્ફે કાણીયો તથા તેનો દિકરો અજ્જુ તથા રેહાન ઉર્ફે ગાંડો તથા તેનો મિત્ર આદિલ અહુવા બાઇકો ઉપર તલવારો અને લાકડીઓ લઈને આવેલ હતા અને મારા પતિ સાથેના અગાઉના ઝઘડાની અદાવત રાખી અમારા ઘરથી થોડે દુર ઉભા રહી પથ્થરો તથા કાચની બોટલો મારા ઘરના દરવાજા તરફ છુટી ફેકી હતી. 

આરોપી અને તેના સાગરિતોએ વાહન સળગાવ્યું
ચારેય જણા જોર-જોરથી ગંદી ગાળો બોલતા હતાં. ત્યાર બાદ ફરિયાદીના ઘરની આસપાસ બુમાબુમ થવા લાગેલ અને બાજુમાં રહેતી ફરિયાદીની બહેન હુરબાનુ તેમની એક્સેસ ગાડીની ચાવી ગાડીમાં જ ભરાવીને તેમના ઘરમાં જતી રહેલ તો આ વખતે રેહાન ઉર્ફે ગાંડાએ ફરિયાદીની બેનની આ સુઝુકી કંપનીનુ એક્સેસ લુંટ કરી લઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીનો પરિવાર ખુબ જ ડરી ગયેલ હતો જેથી તેઓ ત્યા બાજુમાં માતાના ઘરે જતા રહેલ અને ત્યારબાદ રાત્રીના આશરે દોઢ વાગે ફરી ઘરની બહાર બુમાબુમ થવા લાગેલ કે, આરીફભાઇની બર્ગમેન ચોકીદાર બાવાની દરગાહ પાસે સળગે છે.ફરિયાદીએ ઘટના સ્થળે જઈને જોયુ તો તેમનું વાહન સળગી ગયું હતું. તેમને આજુબાજુના માણસો મારફતે માલુમ થયેલ કે, મુસ્તાક ઉર્ફે કાણીયા અને તેનો દિકરો અજ્જુ ત થા તેના માણસોએ ગાડી સળગાવી મારી ગાડીને નુકશાન કરેલ છે. 

આરોપી મુસ્તાક સામે અનેક ગુનાઓ નોંધાયા છે
પોલીસે જણાવ્યું હતું કે, ગઈકાલે ઈસનપુરમાં બે લુખ્ખાઓ વચ્ચે જુની અદાવતને લઈને માથાકુટ થઈ હતી. જેમાં હત્યા જેવા ગુનાના આરોપી મુસ્તાક અને તેના સાગરિતોએ ફરિયાદીનું વાહન સળગાવ્યું હતું તેમજ ગાળાગાળી કરીને ફરિયાદીના ઘર પર પત્થર મારો કર્યો હતો. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આરોપી મુસ્તાકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધો છે. મુસ્તાક સામે હત્યા, મારામારી, ગેરકાયદે હથિયાર વગેરે જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. બીજી તરફ ફરિયાદીના પતિ આરિફ સામે પણ મારા મારી જેવા ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે શહેરમાં લુખ્ખાતત્વોમાં પોલીસનો ડર રહ્યો હોય તેવું લાગતું નથી. રાતના સમયે આવી ગેંગવોર થવાથી પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયાં છે.