ક્રિકેટ આમ તો જેન્ટલમેન ગેમ છે પરંતુ ઘણી વાર ગલી ક્રિકેટમાં ઝગડા અને વાદ વિવાદ થતા હોય છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક હેરતઅંગેજ ઘટના બની છે જેમાં બોલરે બેટસમેનને કલીન બોલ્ડ કરતા બોલરની હત્યા કરવામાં આવી હતી. કલીન બોલ્ડ થતા નારાજ થયેલા બેટસમેને મારપીટ શરુ કરી હતી અને છેવટે ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા પછી શખ્સ સ્થળ પરથી ભાગી છુટયો હતો.
આ ઘટના પછી મૃતકના પરીજનોએ ક્રિકેટના મેદાનમાં આવીને હંગામો મચાવતા પોલીસની એન્ટ્રી થઇ હતી. પોલીસે શબનો કબ્જો લઇને પોસ્ટમોર્ટંમ માટે મોકલ્યું હતું. આ બનાવ ઘાટમપુરના કોતવાલી ક્ષેત્રના રેહટી ખાલસા ગામમાં બન્યો હતો. જાણકારી મુજબ સોમવારે સચીન નામનો ૧૫ વર્ષનો યુવાન ખેતર તેની ટીમ સાથે ખેતર નજીકના મેદાનમાં ક્રિકેટ મેચ રમતો હતો.બંને ટીમો વચ્ચે ૧૦ રુપિયાની શરત લાગી હતી.રેહટી ખાલસા ગામમાં રહેતો હરગોવિંદ નામનો યુવાન બેટિંગ કરતો હતો. સામા છેડે સચીન વિરોધી ટીમ વતી બોલિંગ કરતો હતો.
બોલર સચિને બેટસમને હરગોવિંદને ત્રણ બોલમાં જ આઉટ કરવાની ચેલેન્જ કરી હતી. આ ચેલેન્જ મુજબ જ ત્રીજા બોલે કલીન બોલ્ડ કરતા બેટસમેનનો ગુસ્સા પર કાબુ રહયો ન હતો. હરગોવિંદ પોતાના ભાઇ બ્રિજેશ સાથે મળીને બોલર સચિનને માર મારવાનો શરુ કર્યો હતો. બાથમ બાથમાં ગળુ દબાવી દેતા બેહોશ થઇને નીચે પડયો હતો. ઘાયલ સચિનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ફરજ પરના ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી રેહટી ખાલસા ગામમાં સનસનાટી મચી ગઇ હતી. આરોપીની ધરપકડ માટે પોલીસે ત્રણ પોલીસ કર્મચારીઓની ટીમની રચના કરી છે.