વાવાઝોડા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ દ્વારા અવિરત કામગીરી

બિપરજોય વાવાઝોડું પસાર થઈ ગયા બાદ હવે વિવિધ વ્યવસ્થાઓ પૂર્વવત કરવા દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર એક્શન મોડમાં દિવસ રાત કામગીરી કરી રહ્યું છે. વાવાઝોડાના કારણે જિલ્લાના વીજ માળખાને મોટું નુક્સાન થયું છે, ત્યારે પી.જી.વી.સી.એલ દ્વારા પણ નુકસાનગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરી છે. જિલ્લામાં હાલની સ્થિતિએ ૧૩ હજારથી વધારે વીજપોલ અને ૩૪૭૮ જેટલાં ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પી.જી.વી.સી.એલ ની ટીમો વિજપોલો, વાયર, તાણીયા, સહિતનું તમામ મટીરીયલ સાઈટ પર પહોંચાડીને ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા  માઇક્રોપ્લાનિંગ સાથે કાર્ય કરી રહી છે.

જિલ્લાના હમુસર ફીડરમાં પણ વાવઝોડાને પગલે ઘણાં બધાં વીજપોલ ધરાશાઈ થયા હતાં. અહી પી.જી.વી.સી.એલ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે.

હમુસર ફીડરમાં કાર્ય કરતાં સુપરવાઈઝર યુસફભાઈએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને પગલે ઘણાં બધાં વીજપોલ તુટી ગયા છે. પી.જી.વી.સી.એલ દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ગઇકાલે ભારે પવન વચ્ચે અમારી ટીમે ૪૨ જેટલાં વીજપોલ ઊભા કર્યા હતાં. આજ સાવારથી જ અમારી ટીમ કામે લાગી ગઈ છે. ખૂબ જ ઝડપથી આ ફિડરમાં વીજ પુરવઠો ચાલુ થાય એ અમારી પ્રાથમિકતા છે. આખા જિલ્લામાં પી.જી.વી.સી.એલ દ્વારા દિવસ-રાત કાર્ય કરવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય તે માટે  ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટરશ્રી રવિશંકરનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરી વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. જિલ્લામાં જ્યાં પણ વીજ ફોલ્ટ હશે તેવા તમામ વિસ્તારોને વ્હેલી તકે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેમ ચીફ ઇજનેરશ્રીએ જણાવ્યું હતું.


અસરગ્રસ્તોની વ્હારે દ્વારકા પોલીસ

અસરગ્રસ્તોના ચહેરાઓ પર સ્મિત લાવતી દ્વારકા પોલીસ

દ્વારકા પોલીસ વિભાગનો માનવીય અભિગમ

બિપરજોય વાવાઝોડા બાદ દ્વારકા પોલીસ દ્વારા આજે સવારે ૭૦૦થી વધુ ફૂડ પેકેટનું વિતરણ

બિપરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ સાથે અતિ ઝડપી પવન ફૂંકાયો હતો. જેને લઇને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી ગયું હતું. જિલ્લાનો એક પણ વ્યક્તિ આ આપદામાં ભૂખ્યો ન સુવે તેની તકેદારી સરકારે અને જિલ્લા વહીવટી તંત્રે રાખી છે. સંકટની આ ઘડીમાં દેવભૂમિ દ્વારકા પોલીસ વિભાગ પણ માનવીય અભિગમ સાથે કામગીરી કરી રહ્યો છે. ભારે પવન અને વરસાદ વચ્ચે લોકોને સલામત સ્થળે ખસેડવા સાથે એમને દવાઓ, ભોજન પહોંચાડીને પોલીસ પ્રજાનો સાચો મિત્ર બનીને કાર્ય કરી રહી છે.

આજે દ્વારકાથી નાગેશ્વર રોડ વિસ્તારમાં આસિસ્ટન્ટ પોલિસ સબ ઇન્સ્પેક્ટરશ્રી મહિપતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલશ્રી મહિરાજ ગઢવી, શૈલેષભાઈ સોલંકી સહિતના લોકોની ટીમે સવારથી ૭૦૦ થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી અસરગ્રસ્તોને રાહતરૂપ બનવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. આમ દ્વારકા પોલીસે અસરગ્રસ્તોને ફૂડ પેકેટ બનાવી માનવતાને મહેકાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *