જૂન મહિનાનું પહેલું પખવાડિયું વિત્યા છતા વરસાદની પધરામણી ન થવાથી છેલ્લાં બે મહિના દરમિયાન સ્થિર રહેલાં શાકભાજીના ભાવમાં ભડકો થયો છે, પુુણે, નાસિક, નારાયણગાવ સહિતના વિસ્તારોમાંથી શાકભાજીની આવકમાં ઘટાડો થવાથી કિંમત વધવા માંડી છે. જુદા જુદા શાકની કિંમતમાં લગભગ વીસથી ત્રીસ રૃપિયાનો વધારો થયો છે. હજી કિંમત વધશે એવો માર્કેટના સૂત્રોએ સંકેત આપ્યો છે.
એપ્રિલ અને મે મહિનામાં એપીએમસી ભાજીપાલા હોલસેલ માર્કેટમાં શાકભાજીની ભરપૂર આવક થતી રહી હતી. જેને કારણે શાકના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો. મોટા ભાગના શાકનો ભાવ હોલસેલમાં ૧૦થી ૧૨ રૃપિયે કિલો થઇ ગયો હતો. પરિણામે રિટેલ માર્કેટોમાં ભાવ ઘટવાથી લોકોએ ધરાઇને લીલા શાકભાજી ખાધા હતા. પરંતુ જૂન મહિનાથી શાકની કિંમત વધવા માંડતા મધ્યમ વર્ગના લોકોના કિચન બજેટ પર બોજો આવી પડયો છે.
એપ્રિલ-મેમાં વેકેશન દરમિયાન અનેક મુંબઇગરાઓ સપરિવાર બહારગામ કે વતન ગયા હતા. બીજું કોકણ સહિત ચારે તરફથી કેરીની ખૂબ આવક થવાથી, ભાવ ઘટતા લોકોએ મન ભરીને કેરી ખાધી હતી. આમ શાકનો ઉપયોગ ઘટયો હતો એટલે ભાવ ઘટયા હતા. પણ જૂનમાં ચિત્ર ફરી ગયું છે.
ટમેટાની કિંમતમાં લાલચોળ વધારો
ટમેટાની કિંમતમાં લાલચોળ વધારો થયો છે. ગયા મહિને ૧૫-૨૦ રૃપિયે કિલો વેંચાતા ટમેટાનો ભાવ અત્યારે ૫૦થી ૬૦ રૃપિયા થઈ ગયો. એપ્રિલમાં તો મહારાષ્ટ્રમાં કેટલીય જગ્યાએ ભાવ ન મળતા ખેડૂતોએ ટમેટા ફેંકી દેવા માંડયા હતા. જ્યારે અત્યારે ટમેટાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ટમેટા સહિત બધા જ શાકભાજીની કિંમતમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયો છેય