સાઈટ પર રીપેરીંગ માટેની સાધન સામગ્રી પહોંચતી કરાઈ, પવન સામાન્ય થતા વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી વધુ ઝડપી કરાશે, જિલ્લામાં અત્યારે કુલ ૧૨૦ ટીમો ઉપલબ્ધ, બહારથી વધુ ૮૦ ટીમો મેળવાશે
બિપરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં મોટી સંખ્યામાં વીજ પોલ ધરાશાઈ થઈ જતાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને પી.જી.વી.સી.એલ. દ્વારા ઘણા ફીડરો બંધ કરવામાં આવ્યા છે, જે પવનો ધીમા થયા બાદ ફરી શરૂ કરવામાં આવશે. આમ જિલ્લામાં વીજ પુરવઠો પૂર્વવત કરવા પી.જી.વી.સી.એલ.ની ટીમો માઇક્રોપ્લાનિંગ સાથે કામગીરી કરી રહી છે. ભારે પવન બાદ ખૂબ જ ઝડપથી વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય તે માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટરશ્રી રવિશંકરનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરી ટીમો કાર્યરત કરવામાં આવી છે. માહિતી આપતા પી.જી.વી.સી.એલ.ના ચીફ એન્જનિયર આર.જે.વાળાએ જણાવ્યું હતું કે, ગઈ કાલ રાત્રેથી ૧૦૦થી વધુની ઝડપે પવન ફૂંકાવાના કારણે સલામતીના ભાગરૂપે અમુક ફિડરો બંધ કરવાની ફરજ પડી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતાં ૧૫ જેટલાં સબ સ્ટેશનો સંપૂર્ણપણે ડાર્કમાં છે. ૮ જેટલી લાઈનોમાં ટ્રાન્સમિશન ટાવર પડી ગયા છે અને અમુક જગ્યાએ ડીપી સ્ટ્રકચર પણ પડી ગયા છે. જેટકોની ટીમો સતત લાઇન પેટ્રોલિંગમાં લાગી છે.
વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના આયોજન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, વોટર ફેસીલીટી, જરૂરી સરકારી ઓફિસો, શહેરી વિસ્તાર, જ્યોતિગ્રામ યોજના અને બાદમાં ખેતી માટે વીજ પુરવઠાની સેવા યથાવત કરવામાં આવશે. દ્વારકા જિલ્લામાં કુલ ૮ જેટલાં શહેરો અને ૨૩૬ જેટલાં ગામડાઓમાં અત્યારે વીજળી નથી. અત્યારે ભારે પવનનાં કારણે પોલ રિપેર કરવા અતિ મુશ્કેલ છે. જિલ્લામાં હાલની સ્થિતિએ ૧૦ હજારથી વધારે વીજપોલ અને ૩૦૦ જેટલાં ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં અત્યારે કોન્ટ્રાકટરની ૬૦ ટીમો અને વિભાગની ૬૦ ટીમો કાર્યરત છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વધુ ૮૦ ટીમો બહારથી બોલાવવામાં આવી છે. પવન સામાન્ય થશે ત્યારે ટીમો કામે લાગી જશે. જરૂરી વિજપોલો સાઈટ પર પહોંચી ગયા છે. આ સાથે જરૂરી ફેબ્રીકેશન મટીરીયલ, વાયર, તાણીયા, ડિસ્ટ્રીબ્યુશન બોક્સ સહિતની સાધન સરંજામ પણ પૂરતી માત્રામાં તૈયાર રખાયો છે. જેથી વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય. pgvcl તંત્ર અત્યારે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.
મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, વહીવટી અધિકારીઓ, સેવાભાવી સંસ્થાઓ, એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, કોસ્ટ ગાર્ડ, નેવી અને મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો
દેવભૂમિ દ્વારકા કલેકટરશ્રી અશોક શર્માએ બિપરજોય વાવાઝોડાનાં સંદર્ભ જિલ્લાની વિગતો આપતા એક સંદેશમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાનાં સંદર્ભે ઝીરો કેઝયુઆલીટીના લક્ષ્ય સાથે કરાયેલા આગોતરા આયોજનના પરિણામે એક પણ મનુષ્ય જાનહાનિ થઈ નથી. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાના પગલે જિલ્લામાં ભારે પવન અને વરસાદ છે. વાવાઝોડાની આગાહીના પગલે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, કેન્દ્ર સરકારના મંત્રીઓ, સેવાભાવી સંસ્થાઓ છેલ્લાં પાંચ દિવસથી સતત પ્રજાની વચ્ચે રહીને લોકોને સતર્ક કરી રહ્યા હતા અને બચાવ સંબંધી પૂર્વ તૈયારીઓમાં મદદ કરી રહ્યા હતા.
વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ રહ્યું છે તેની જાણ થઈ ત્યારથી જ રાજ્ય સરકારે અભૂતપૂર્વ કહી શકાય તે પ્રકારે સઘન આયોજન કર્યું અને કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવતી હતી.જેથી જાનહાની અને વધુ નુકસાનીમાંથી બચી શકયા છીએ. સમગ્ર ગુજરાતમાં લગભગ એકાદ લાખ લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
આ તકે રાજ્યમંત્રીશ્રી તેમજ કેન્દ્ર સરકારના મંત્રીશ્રીએ દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. તેઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ તાલુકાના અધિકારીઓએ લોકોને વાવાઝોડાના પ્રકોપથી કઈ રીતે બચી શકાય એ અંગેની જાગૃતિ ફેલાવવા, લોકોનું સલામત સ્થળે સ્થાળાંતરની કામગીરી કરી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આગમચેતીના ભાગરૂપે પહેલાથી જ ૧૨,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ ૪૦૦ જેટલા સગર્ભા મહિલાઓને આઇડેન્ટીફાઇ કરી આરોગ્ય કેન્દ્ર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ તબક્કે સેવાભાવી સંસ્થાઓ, એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, કોસ્ટ ગાર્ડ, નેવી સહિતનાએ ટીમ વર્કથી કામ કર્યું છે. મીડિયાએ ખૂબ જ જવાબદારી ભર્યો રોલ નિભાવ્યો હતો અને લોકોને જાગૃત કરવાથી લઈને વાવાઝોડાની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી તે બદલ મીડિયા કર્મીઓનો પણ આભાર આ તકે તેમણે વ્યક્ત કર્યો હતો.